સંસાર પછી ચૂંટણીમાં ય સામે પડેલી સૌતનને પહેલી પત્નીએ હરાવી

Updated By: Mar 3, 2021, 10:21 AM IST
સંસાર પછી ચૂંટણીમાં ય સામે પડેલી સૌતનને પહેલી પત્નીએ હરાવી
  • પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાની બે પત્નીઓએ એક જ વોર્ડમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેને કારણે નેતા પતિનું ટેન્શન વધી ગયું હતું
  • ભાજપમાંથી ચૂંટણી લડી રહેલ તેમની પહેલી પત્ની ઉષા સીડાની જીત થઈ હતી.  તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર પત્નીની હાર થઈ

અજય શીલુ/પોરબંદર :બે પત્નીઓ વચ્ચે પીસાતા પતિના કિસ્સાઓ આપણે ફિલ્મોમાં ઘણા જોયા છે. પરંતું પોરબંદરમાં હકીકતમાં આ કિસ્સો જોવા મળ્યો હતો. પોરબંદરમાં બે પત્નીઓ વચ્ચે પતિનો મરો થયાનો ઘાટ સર્જાયો હતો. પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાની બે પત્નીઓએ એક જ વોર્ડમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેને કારણે નેતા પતિનું ટેન્શન વધી ગયું હતું. એક પત્ની ભાજપની ઉમેદવાર, અને બીજી પત્ની કોંગ્રેસની ઉમેદવાર... આવામાં નેતા પતિ અટવાયા હતા. પોરબંદરમાં  નગરપાલિકાના એક જ વોર્ડમાં બે પત્નીઓ અલગ-અલગ પાર્ટીમાંથી ચૂંટણીમાં ઝંપલાવતા પતિએ માથાકૂટ કરવાનો ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો.  જોકે, ભાજપા નેતાની એક પત્નીની ચૂંટણીમાં હાર થઈ છે, અને બીજી પત્નીની જીત થઈ છે. 

આ પણ વાંચો : આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફ હવે અફસોસ કરે છે, છેલ્લા ફોનમાં પણ તે કસૂવાવડને લઈને રડી હતી 

ગુજરાતના રાજકારણનો પહેલો કિસ્સો 
પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાને બે પત્નીઓ છે. તેમની બંને પત્નીઓ રાજકારણમાં એક્ટિવ છે. તેની પ્રથમ પત્ની ઉષાબેન સીડા પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ભાજપના ઉમેદવાર હતા. તો તેમની બીજી પત્ની શાંતાબેન સીડા પણ વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના ઉમેદવાર હતા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ ચર્ચા જગાવનારો કિસ્સો હતો. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, બે પત્નીઓએ અલગ અલગ પક્ષમાંથી દાવેદારી કરી હોય. જોકે, પતિ કેશુ સીડા તો પહેલી પત્ની ઉષાબેનને જ સમર્થન આપ્યું હતું. ગઈકાલે જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા હતા, ત્યારે કેશુ સીડાની પત્નીઓનું પણ પરિણામ આવ્યું હતું. ભાજપમાંથી ચૂંટણી લડી રહેલ તેમની પહેલી પત્ની ઉષા સીડાની જીત થઈ હતી.  તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર પત્નીની હાર થઈ છે. પોરબંદરમાં વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો હતો.

આ પણ વાંચો : હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાડી શક્યો

કેશુ સીડા બંને પત્નીઓને જાહેરમાં સ્વીકારે છે 
કેશુ સીડા પોરબંદર ભાજપના અગ્રણી નેતા છે. તેમજ ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. કેશુ સીડા તેમની બંને પત્નીઓને જાહેરમાં સ્વીકારે છે. બીજા પત્નીથી તેમને બે સંતાનો પણ છે. તેમના પહેલા પત્ની ઉષાબેન જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તો શાંતાબેન વોર્ડ આ જ વોર્ડમાં ગ્રામ પંચાયતમાં ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે, નવા સીમાંકન પ્રમાણે ધરમપુર જિલ્લા પંચાયતનો વિસ્તાર હવે પોરબંદર નગરપાલિકામાં સમાયો હતો. ત્યારે બંને પત્નીઓ સામસામે આવી ગઈ હતી. તેમાં પણ બંને પત્નીઓનો પક્ષ અલગ અલગ હોવાથી તેઓ રાજકીય દુશ્મનો બન્યા હતા. સમગ્ર કિસ્સાથી પોરબંદરની ચૂંટણી ચર્ચા જગાવી હતી. 

બીજી પત્નીની દાવેદારીથી ગિન્નાયા હતા કેશુ સીડા 
જોકે, આ ચૂંટણીમાં કેશુ સીડાનું સમર્થન તેમની પહેલી પત્નીને છે. બીજી પત્નીની કોંગ્રેસમાંથી દાવેદારીથી ગિન્નાયા હતા. બીજી પત્નીની અન્ય પક્ષમાંથી દાવેદારી થતા તેમણે બીજી પત્નીના ઘર બહાર તોડફોડ કરી હતી. તેમજ ચૂંટણીમાંથી ખસી જવા અને પ્રચારમાં ન જવા તેમણે બીજી પત્નીને ધમકી આપી હતી. ત્યારે તેમનો ધમકીભર્યો અને અપશબ્દો બોલતો ઓડિયો પણ સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 

આ પણ વાંચો : બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો, મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી  

રાજા દશરથને પણ ત્રણ પત્નીઓ હતી - કેશુ સીડા 
જોકે, કેશુ સીડા પોતે બે પત્નીઓ હોવાનું સ્વીકારે છે. બે પત્નીઓ ધરાવનાર ભાજપના નેતા કેશી સીડા સ્પષ્ટ કહે છે કે, બે પત્ની હોવું ખોટુ નથી, રાજા દશરથને પણ ત્રણ પત્નીઓ હતી. હિન્દુ ધર્મમાં ક્યાંય લખ્યુ જ નથી કે તમે વધારે પત્ની રાખી ન શકો. એ તો કાયદામાં વધુ પત્ની રાખવાનો અધિકાર નથી. જોકે, કેશુ સીડા તો પ્રથમ પત્નીને જ ચૂંટણી પ્રચારમાં મદદ કરી રહ્યાં છે.