ખૂબસૂરત હું નજર મત લગાના, જિંદગીભર સાથ દુંગી વેકસીન જરૂર લગાના, ગોધરામાં અનોખું વેક્સીનેશન અભિયાન

ગોધરા ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતી ઓટો રીક્ષા પાછળ શાયરાના અંદાજમાં લખાણ લખીને વેકસીનેશન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

ખૂબસૂરત હું નજર મત લગાના, જિંદગીભર સાથ દુંગી વેકસીન જરૂર લગાના, ગોધરામાં અનોખું વેક્સીનેશન અભિયાન

જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં કોરોના વેકસીનેશનની જાગૃતિ માટે અનોખું પ્રચાર અભિયાન હાથ ધરવા માં આવ્યું છે. ગોધરા ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતી ઓટો રીક્ષા પાછળ શાયરાના અંદાજમાં લખાણ લખીને વેકસીનેશન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન એક માત્ર કારગર હથિયાર સાબિત થયું છે. ત્યારે હાલ વેક્સીનને લઈ સમગ્ર દેશમાં અલગ અલગ પ્રકારની અફવાઓ પણ ફેલાયેલી જોવા મળે છે. વેક્સીન મુકાવાથી જીવનું જોખમ થતું હોવાની પણ અફવાએ ખૂબ જ જોર પકડ્યું છે. ત્યારે સરકાર દ્વારા વેક્સીન ખૂબ જ સુરક્ષિત છે અને કોરોના સામે કારગર છે તે સાબિત કરવા માટે જન જાગૃતિની બહોળા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

પંચમહાલ પોલીસની ગોધરા ટ્રાફિક શાખા દ્વારા પણ કોરોના વેકસીનેશન જાગૃતિ માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગોધરા ટ્રાફિક પોલીસે શહેરના ઓટો રીક્ષા ચાલકો સાથે મિટિંગ ગોઠવી આ જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અનોખા જન જાગૃતિ અભિયાનમાં ગોધરા શહેરના વિવીધ વિસ્તારોમાં બહોળા પાયે અવર જવર કરતી ઓટો રિક્ષાઓ પાછળ શાયરાના અંદાજમાં કોરોના વેક્સીન માટે લખાણ લખવામાં આવી રહ્યું છે.

સામાન્ય રીતે ઓટો રીક્ષા અને છકડા કે ટ્રક પાછળ લખેલી વિચિત્ર પ્રકાર ની શાયરીઓ ને વેકસીનેશન જાગૃતિ માટે ઉપયોગ માં લેવા માં આવી છે. જેમ કે, મેં

  • ખૂબસૂરત હું નજર મત લગાના, જિંદગીભર સાથ દુંગી વેકસીન જરૂર લગાના
  • હસ મત પગલી પ્યાર હો જાયેગા, વેકસીન લગવાલે કોરોના હાર જાયેગા
  • વેક્સિન લગાવો તો બારબાર મિલેંગે, લાપરવાહી કરેગે તો હરિદ્વાર મિલેગે

આવા પ્રકારની વિવિધ શાયરીઓ લખી નગરજનોનું ધ્યાન કેન્દ્રિત થાય અને કોરોના વેક્સીન મુકાવા માટે ગોધરા શહેરના લોકો જાગૃત થાય તેવા પ્રયાસો ગોધરા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને નગરજનોનો ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ આ અનોખા કોરોના વેકસીનેશન જાગૃતિ અભિયાનમાં અત્યારે શહેરની રિક્ષાઓને આવરી લેવામાં આવી છે પરંતુ તેનો સારો પ્રતિસાદ જોતા ટૂંક સમયમાં ગોધરાના જાહેર રસ્તાઓ પર જોવા મળતા લારી ગલ્લાઓ પર તેમજ મોબાઈલ શોપ અને જે જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓ પર આવા વિશિષ્ટ પ્રકારના અંદાજમાં કોરોના વેક્સીન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news