હિમાલય સર કરવાની ક્યારેક આવી કિંમત ચૂકવવી પડે છે, જે હાલ નિશાકુમારી ચૂકવી રહી છે

Mount Everest Day : વડોદરાની નિશાકુમારી સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી, પરંતુ હવે તે હિમ ડંખની સમસ્યાનો સામનો કરી રહી છે 
 

હિમાલય સર કરવાની ક્યારેક આવી કિંમત ચૂકવવી પડે છે, જે હાલ નિશાકુમારી ચૂકવી રહી છે

Vadodara News : સાહસ કરવું સહેલું નથી. એની કિંમત ચૂકવવી પડે છે અને હિંમતથી ચૂકવવી પડે છે એની સચોટ ગવાહી નીચેની તસવીર આપે છે. આ બે હાથના બે પંજા વડોદરાની નિશાકુમારીના છે. આઠ આંગળીઓ અને બે અંગૂઠા પૈકી માત્ર એક હાથનો એક અંગૂઠો ઈશ્વરે આપ્યો હતો, તેવો સાજો નરવો બચ્યો છે. બાકીની આઠ આંગળીઓ અને એક અંગૂઠો ઉકળતા તેલમાં તળાઈ ગયા હોય તેવા થઈ ગયા છે. તમને આ નિશાન તેલમાં દાઝવાની ઇજા જેવા લાગશે. પરંતુ એનું કારણ ઉકળતું તેલ કે દાહક જ્વાળાઓ નથી. આ ઇજા શૂન્ય થી ઘણાં નીચા ઉષ્ણતામાનના સંપર્કથી થઈ છે. બરફ દઝાડે! એવું આશ્ચર્ય આ ઈજાઓ જોઈને સહજ થાય. તો જવાબ છે હા.. બરફ પણ આગ જેટલી જ ગંભીર રીતે શરીરના અવયવોને બાળી નાંખે છે, થીજવી નાંખે, એ ભાગમાં લોહીનું પરિભ્રમણ ખોરવી નાંખે છે. આજે માઉન્ટ એવરેસ્ટ ડે છે. 32 વર્ષ પહેલા 1200 પ્રયાસો નિષ્ફળ થયા બાદ હિલેરીએ પોર્ટર તેનઝિંગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો ઇતિહાસ રચ્યો હતો. ત્યારે આ દિવસે નિશા કુમારીના સાહસ વિશે જાણીએ અને તેને આ કેવી રીતે થયું તે જાણીએ.

એવરેસ્ટ સર કરવાનુ ઈનામ 
વડોદરાની નિશાએ તાજેતરમાં વિશ્વનો સૌથી ઉંચો અને લાખો ટન બરફથી છવાયેલો માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. આ સિદ્ધિ મેળવનારી એ વડોદરાની પ્રથમ યુવતી અને કદાચ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પહેલી પૂર્વ વિદ્યાર્થિની છે. ખૂબ હિંમત માંગી લેતા, શારીરિક અને માનસિક ઊર્જાની આકરી કસોટી કરતા આ સાહસ દરમિયાન તેને આ અત્યંત જોખમી ઈજાઓ થઈ છે. આ ઈજાઓ frost bite એટલે કે હિમ ડંખ કે હિમ દંશ તરીકે ઓળખાય છે. એવરેસ્ટ સર કરવાની સાહસિક સિદ્ધિની કિંમત નિશાએ આ ખૂબ વેદના આપતી ઈજાઓથી ચૂકવી છે અને અત્યારે તેમાંથી ઉગરવા ખૂબ ખર્ચાળ સારવાર લઈ રહી છે.

આ ઈજા કેવી રીતે પહોંચી 
એવરેસ્ટ પરથી ઉતરતા સમયે, ટોચથી માંડ ૫૦૦ મીટર નીચે આવેલા હિલેરી સ્ટેપ ખાતે એને લાંબો સમય, કલાકો સુધી રોકાવાની ફરજ પડી અને ખરાબ પરિણામ આ ઇજા રૂપે મળ્યું. તે સમયે ઉષ્ણતામાન શૂન્યથી ખૂબ નીચું હતું. સામાન્ય રીતે પર્વતારોહી આખું શરીર પગ અને હાથના પંજા આવરણથી ઢાંકી રાખે છે. પરંતુ ખૂબ વેગીલા, તોફાની અને હાડ થીજવી દે તેવા પવનો વચ્ચે દોરડું માંડ માંડ ઝાલીને ઊભા રહેવાની જે ફરજ પડી એના ઈનામમાં આ અત્યંત ક્રૂર ઈજાઓ થઈ છે.

હાલ સારવાર હેઠળ છે નિશા
નિશાને પહેલા નેપાળના કાઠમંડુમાં, અને બાદમાં દિલ્હીમાં અને હાલમાં મુંબઈમાં સારવાર આપવામાં આવી રહી છે. સૈનિક પરિવારની દીકરી એટલે નિશા મક્કમ મનોબળથી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. તેનો પરિવાર સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર છે અને આ સારવાર ખર્ચાળ છે. તેમ છતાં, નિશા હિંમત હાર્યા વગર પરિસ્થિતિનો સામનો કરી રહી છે.

એવરેસ્ટ આરોહણમાં એની ઉંચાઈ જેટલી જ હિંમત, સાહસ અને ઢગલો રૂપિયાની જરૂર પડે છે. જો કે નિશાની આ સિદ્ધિથી વડોદરાને ગૌરવ મળ્યું છે. આરોહણ પહેલા જરૂરી નાણાંની જોગવાઈ કરવા માટે એને આકાશ પાતાળ એક કરવા પડ્યા હતા. હાલમાં એને સારવારની સરળતા માટે આર્થિક પીઠબળની જરૂર છે. 

માઉન્ટ એવરેસ્ટ સર કરવા 3 વર્ષ પ્રેક્ટિસ કરી 
આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં નિશાએ પોતાનું નામ ઉમેર્યું છે. આ માટે તેણે ત્રણ વર્ષ સુધી પ્રેક્ટિસ કરી હતી. આખરે 17 મી મેની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર  8848.86 મીટર ઉંચાઈ પાર કરીને સુરક્ષિત અને સફળ આરોહણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, હિમાલય સર કરનારા દરેક લોકોને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડતો નથી, પરંતુ ક્યારેક વિપરિત સ્થિતિમાં કે હવામાનમાં ફેરફાર આવે ત્યારે આ પ્રકારની ઈજાઓ થતી હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news