સુરતમાં મંદીના ભણકારા : નાના કારખાના બંધ થયા, રત્ન કલાકારોને વેકેશન આપી દેવાયું

Recession In India : સુરતના હીરા ઉદ્યોગમાં મંદી... અમેરિકાએ રશિયાના ડાયમંડથી તૈયાર થયેલી જ્વેલરી ખરીદવાની ના પાડી... આ કારણે બેકાર બન્યા સુરતના નાના કારખાનાના વેપારીઓ... રત્નકલાકારોને વેકેશન આપી દેવાયું 

સુરતમાં મંદીના ભણકારા : નાના કારખાના બંધ થયા, રત્ન કલાકારોને વેકેશન આપી દેવાયું

Surat News ચેતન પટેલ/સુરત : અમેરિકા અને યુરોપના દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે સ્થાનિક હીરા ઉદ્યોગ પર પહેલાથી જ ગંભીર અસર પડી રહી છે અને નિકાસમાં પણ ઘટાડો થયો છે. આવામાં બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા ત્યાં નિકાસમાં સમસ્યા સજાઇ શકે છે. અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ સુરતના હીરા વેપારીઓને પૂછી રહ્યાં છે કે જે હીરા અને જ્વેલરી તેઓ મોકલી રહ્યા છે તે રશિયાના માઇન્સ આવેલા રફ ડાયમંડથી તૈયાર થયેલા તો નથી? આ સ્થિતિની મોટી અસર થઈ છે. આ કારણે સુરતમા નાના કારખાનાના માલિકોએ રત્ન કલાકારોને રજા આપી દીધી, જેને કારણે રત્ન કલાકારો પર આફત આવી પડી છે. 

કારખાનાવાળાઓએ વેકેશન જાહેર કર્યું 
રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધની સ્થિતિ ટાળવા માટે દુનિયાના કેટલાક દેશો દ્વારા સતત પ્રયાસો જારી છે. પરંતુ રશિયા વાટાઘાટ માટે સ્વીકાર નહીં થતા યુદ્ધને સવા વર્ષ વીતી ગયા છે. તેની અસર હેઠળ દુનિયાના અર્થતંત્ર માટે સમસ્યા ઉભી ચઇ છે. યુરોપના અનેક દેશો પર વિપરીત અસર પડી રહી છે. તે સિવાય હાલ અમેરિકામાં પણ મંદીનો માહોલ છે. સુરતમાં તૈયાર થતા હીરા માટે અમેરિકા, યુરોપ અને ચીન સહિતના દેશો મોટા ખરીદાર છે. વૈશ્વિક મંદીને લીધે સુરતના હીરા ઉદ્યોગકારો માટે સમસ્યા ઉભી થઈ છે. ડિમાન્ડના અભાવે કારખાનાઓમાં વેકેશન રાખવાની નોબત આવી છે. અનેક કારખાનામાં કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે. 

રશિયા સાથે હીરા વેપારમાં પ્રતિબંધ મૂકાયો 
એપ્રિલ મહિનામાં નેચરલ ડાયમંડની નિકાસમાં 35 ટકાનો ઘટાડો થયો હતો. એક બાજુ હીરા ઉદ્યોગ સામે પહેલાથી જ સમસ્યા છે, ત્યારે અમેરિકા બાદ બ્રિટેન સરકાર રશિયાના હીરા પર પ્રતિબંધ મૂકતા નવી સમસ્યા ઉભી થાય તેની ચિંતા ઉદ્યોગકારોને થઇ રહી છે. બ્રિટન સરકારે બે દિવસ પહેલા જ રશિયાના હીરા સહિત અન્ય ચાર ધાતુઓ પર પ્રતિબંધ મુક્યો છે. છેલ્લા એક વર્ષથી દુનિયાના કેટલાક દેશો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હીરા ઉદ્યોગકારો પર રશિયાના હીરાનો વેપાર નહીં કરવા દબાણ કરી રહ્યા છે. જેની અસર થતા ઓછા અંશે વેપાર પર જોવા મળી રહી છે. અમેરિકા બાદ હવે બિટન પણ આ દિશામાં જોડાતા હીરા ઉદ્યોગકારોની સમસ્યા વધી છે. 

એક્સપોર્ટમાં ઘટાડો થયો 
એપ્રિલ મહિનામાં 31% એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી બાજુ રફ ડાયમંડની ખરીદી 10% વધારે થઈ છે જે આવનાર દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. 60% વેપાર અમેરિકા સાથે થાય છે અને અમેરિકાની કેટલીક કંપનીઓએ જણાવ્યું છે કે, તેઓ રશિયાના ડાયમંડ થી તૈયાર જ્વેલરી ખરીદશે નહીં અને હવે બ્રિટેન અને દુબઈ પણ આવી જ રીતે ડીલ કરી રહ્યા છે. 

5 જૂન સુધી કારખાના બંધ 
હીરા માર્કેટમાં ઉદભવેલી આ સ્થિતિને કારણે નાના કારખાના હાલ બંધ થયા છે. નાના હીરાના કારખાના 5 જૂન સુધીમાં પણ નહીં ઉઘડે. જેને કારણે રત્નકલાકારો પર આફત આવી પડી છે. કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. કેટલીક હીરાની કંપનીઓએ માર્કેટ સુધરે નહીં ત્યાં સુધી કારખાનાં બંધ રાખવાની કારીગરોને જાણ કરવામાં આવી છે. તો બીજી તરફ, ડાયમંડ વર્કર યુનિયન એક્શનમાં આવ્યું છે. આ અંગે આજે ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુતને રજુઆત કરવામાં આવશે તેવુ જીજેઈપીસીના રિજનલ ચેરમેન વિજય માંગુકીયાએ જણાવ્યું. 

મંદીને કારણે રત્ન કલાકારનો આપઘાત
મંદીને કારણે સુરતના એક રત્નકલાકારે આપઘાત કરી મોત વ્હાલુ કર્યું છે. સુરતના પુણા ગામના રહેવાસી અને રત્ન કલાકારનું કામ કરતા મહેન્દ્રભાઈએ મંદીને કારણે આપઘાત કરી લીધો છે. મહેન્દ્રભાઈ મંદીને કારણે બેકારીનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ, તેમના પત્ની પુત્રને લઈ પખવાડિયાથી પિયર જતી રહી હતી. તેથી પરિસ્થિતિથી કંટાળેલા મહેન્દ્રભાઈએ ઘરમાં છતની હૂક સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ કારણે પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news