શું આમ કોરોનામુક્ત થશે ગુજરાત, જાણો વલસાડ જિલ્લાના કોવિડ સેન્ટરોની વાસ્તવિકતા

જિલ્લાના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા સેન્ટરોમાં માત્ર મોટાભાગના ગામમાં ગાદલા અને ઓશિકા મૂકી અને ખાનાપૂર્તિ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ બેડ પલંગની જગ્યાએ કેટરિંગ માટે વપરાતા ટેબલો ઉપર ગાદલા નાખી દેવામાં આવ્યા છે. 

શું આમ કોરોનામુક્ત થશે ગુજરાત, જાણો વલસાડ જિલ્લાના કોવિડ સેન્ટરોની વાસ્તવિકતા

ઉમેશ પટેલ, વલસાડ: રાજ્ય (Gujarat) ના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ (Valsad) જિલ્લામાં પણ કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. જેને કાબુમાં કરવા વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વલસાડ (Valsad) જિલ્લાના લગભગ તમામ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા  છે. 

જોકે કડવી વાસ્તવિકતા એ છે કે વલસાડ (Valsad) જિલ્લાના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા (Covid Care Center) કોવિડ કેર સેન્ટરમાં પુરતી સુવિધાઓનો અભાવ હોવાને કારણે આ સેન્ટરો ખાલી દેખાઈ રહ્યા છે. જો કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. અને ગામડાઓમાં મોટાપાયે સંક્રમણ વધી ગયું હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે.

વલસાડ (Valsad) જિલ્લામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ (Maru Gam Koronamukt Gam) અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા ઉભા કરેલા કોવિડ કેર સેન્ટરોની તપાસ કરતા જિલ્લાના લગભગ મોટાભાગના ગામોમાં બનાવવામાં આવેલા કેર સેન્ટર ખાલીખમ લાગી રહ્યા છે. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓથી સજ્જ કર્યા  હોવાના તંત્રના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ છે . 

જિલ્લાના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા સેન્ટરોમાં માત્ર મોટાભાગના ગામમાં ગાદલા અને ઓશિકા મૂકી અને ખાનાપૂર્તિ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ બેડ પલંગની જગ્યાએ કેટરિંગ માટે વપરાતા ટેબલો ઉપર ગાદલા નાખી દેવામાં આવ્યા છે. જેના પર એક વ્યક્તિ વ્યવસ્થિત ઊંઘી પણ ન શકે તેટલા માપના ટેબલ ઉપર ગાદલા ગોઠવવામાં આવ્યા છે. તો કેટલાક ગામોમાં સેન્ટરમાં ગાદલાઓને પલંગ કે ખાટલા પર નસીબ નથી થયા. ગાદલા નાખી પથારીઓ જ કરી દેવામાં આવી છે.

વાસ્તવિકતા એ છે કે વલસાડ જિલ્લામાં ઉભા કરવામાં આવેલા સેન્ટ્રો ખાલીખમ લાગી રહ્યા છે. મોટાભાગના સેન્ટરોમાં દર્દીઓ દેખાતા નથી. જેના કારણે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા (Covid Care Center) કોવિડ કેર સેન્ટર માત્ર શોભાના ગાંઠિયા અને ઔપચારિક જ બની રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું સૌથી મોટું ગામ ગોઈમા છે.

જેને વલસાડ ડાંગના સાંસદ ડૉ કે સી પટેલએ આદર્શ ગામ તરીકે દત્તક લીધેલું હતું. આ ગામમાં પણ હાલત ખરાબ છે. ગોઈમા ગામમાં સાત હજારથી વધુની વસતિ છે. પરંતુ તંત્ર દ્વારા ગામની શાળામાં માત્ર 14 કેટરિંગના ટેબલ પર ગાદલા નાખી અને કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાનો દેખાડો જ કરવામાં આવી રહ્યો છે. 

જોકે આ સેન્ટર શરૂ થયાથી આજ સુધી એકપણ દર્દી આવ્યું નથી. આથી ખાલીખમ દેખાઈ રહ્યા છે. જોકે ગામના લોકોના કહેવા પ્રમાણે  સેન્ટરો ખાલી રહેવાનું મુખ્ય કારણ ગામના લોકોમાં જાગૃતિનો અભાવ છે. ગામડાઓમાં રહેતા લોકો સામાન્ય તાવ કે કોરોના રોગની શરૂઆતથી દિવસોમાં બેદરકારી દાખવે છે. અને દવાખાને જવા કે સેન્ટર સુધી જવાને બદલે ઘરે જ પડી રહે છે. 

તેને કારણે દર્દીની તબીયત લથડે છે. અને રોગ વધારે ગંભીર સ્વરૂપ લે છે અને ગામમાં મોટા પાયે કોરોના સંક્રમણ (Coronavirus) ફેલાય છે. આમ લોકોની જાગૃતિના અભાવે જ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા સેન્ટરોમાં લોકો જતા નથી. તેવું સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.

વલસાડ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી ગયું છે. જેને કાબુમાં કરવા વહીવટી વિભાગ અને આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહ્યા છે. જો કે શહેરી વિસ્તારોમાં હોસ્પિટલ અને અન્ય સુવિધા સાથે કોરોના ટેસ્ટિંગ પણ સરળતાથી થઈ શકે છે. અને રસી પણ મળી રહે છે. આથી  શહેરી વિસ્તારોના લોકોમાં જાગૃતિ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વિપરીત છે.

લોકોમાં જાગૃતિના અભાવને કારણે કોઈ તબિયત લથડી નહીં ત્યાં સુધી દર્દીઓ ઘરે જ પોતાને આઇસોલેટ કરે છે. અને રોગને છુપાવે છે . ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા મોટાભાગના ગામોમાં સર્વે નહીં થતો હોવાનું અને ગામમાં ઉભા કરવામાં આવેલા રસીકરણ કેન્દ્ર પર રસીનો પૂરતો જથ્થો પણ પહોંચતો નથી. જેને  કારણે રસી લેવા કેન્દ્ર પર પહોંચતાં લોકોએ પણ વીલા મોઢે રસી લીધા વિના જ પાછા ફરવું પડે છે.

આમ વલસાડ (Valsad) જિલ્લામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા ગામની શાળાઓમાં તૈયાર કરવામાં આવેલા covid કેર સેન્ટર માં મોટા ભાગના સેન્ટરોમાં સુવિધાઓનો અભાવ છે. જેને કારણે મોટાભાગના સેન્ટરમાં દર્દીઓ પહોંચતા નથી. આથી ગામડાઓના સેન્ટરો ખાલીખમ લાગી રહ્યા છે.

જેને કારણે તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ સુવિધા માત્ર ઔપચારિકતા જ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગામના વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા આવા અતિઉપયોગી કોવિડ કેર સેન્ટરોમાં સંક્રમિત થયેલા દર્દીઓ આવે અને તેમની જરૂરી સુવિધાઓ સાથે સારવાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news