ઉનાળા પહેલા જ આખા સાંબરકાંઠાને પાણી પહોંચડતા ડેમોના તળિયા દેખાવા લાગ્યાં

ઉનાળાની શરૂઆતે જ જિલ્લાના મહત્વના જળાશયોમાં તળિયા દેખાયા છે. જેને લઈને આવનારા દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની વકી જણાઈ રહી છે. ત્યારે સિંચાઈ વિભાગ ધ્વારા નર્મદાના પાણી નાખવાની માંગણી કરતા પાણી શરુ કરાયું છે.
ઉનાળા પહેલા જ આખા સાંબરકાંઠાને પાણી પહોંચડતા ડેમોના તળિયા દેખાવા લાગ્યાં

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ઉનાળાની શરૂઆતે જ જિલ્લાના મહત્વના જળાશયોમાં તળિયા દેખાયા છે. જેને લઈને આવનારા દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની વકી જણાઈ રહી છે. ત્યારે સિંચાઈ વિભાગ ધ્વારા નર્મદાના પાણી નાખવાની માંગણી કરતા પાણી શરુ કરાયું છે.

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ગરમી તેનો વેગ પકડી રહી છે, તો બીજી તરફ ગત વર્ષે ઓછા વરસાદને લઈને જળાશયો પણ પૂરા ભરાયા નથી અને બીજીએ તરફ જે ભરાયા હતા તેમાંથી ખેડૂતોને રવિ સિઝનમાં કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં સાત જળાશયો આવેલા છે. જેમાં મહત્વના જળાશયો મોટા એ ચાર છે, તે પૈકી બે જળાશયોમાં તો 10 ટકાથી પણ ઓછુ પાણી છે. જેને લઈને જળાશયના તળિયા દેખાવવા લાગ્યા છે. તો પીવાનું પાણી રીઝર્વ છતાં વરસાદ આવે ત્યાં સુધી પીવાના પાણી આપવા માટે વ્યવસ્થાના ભાગરૂપે જરૂરિયાત પાણીની માંગણી સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાના પાણી આપવાની માંગ કરી હતી. જેને લઈને હવે નર્મદામાંથી હાથમતી અને ગુહાઈ જળાશયમાં દરરોજ ૩૦ કયુસેક પાણી નાખવાનું શરુ કર્યું છે. જેને લઈને પીવાના પાણીની તકલીફ ના પડે તેનું આયોજન કરાયું છે.

વાત કરવામાં આવે તો ગત વર્ષે જિલ્લામાં વરસાદ સામાન્ય પડ્યો હતો. બીજી તરફ જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ નહિ પડતા જળાશયોમાં પાણીની આવક નહીવત થઇ હતી. જેથી જળાશયો ઓવરફ્લો પણ થયા ન હતા કે ભરાયા પણ નહતા. જિલ્લામાં હાથમતી, ઇન્દ્રાસી, હરણાવ, ખેડવા, ગુહાઈ, જવાનપુરા અને ગોરઠીયા જળાશય છે. જેમાં મહત્વના હાથમતી, ઇન્દ્રાસી, હરણાવ, ખેડવા અને ગુહાઈ છે. જેમાં હરણાવ અને ખેડવામાંથી સિંચાઈ માટે પાણી અપાય છે. જ્યારે હાથમતી અને ગુહાઈમાંથી સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી અપાય છે. પરંતુ આ બંને જળાશયોમાં 10 ટકાથી પણ ઓછુ પાણી છે અને બંને જળાશયોના તળિયા દેખાવવા લાગ્યા છે. ગુહાઈમાં 9.76 ટકા, હાથમતીમાં 8.72 ટકા પાણી છે. ત્યારે ખેડવામાં 21 ટકા અને 21.70 ટકા પાણી છે. તો રીચાર્જ જળાશય યોજનામાં જવાનપુરામાં 64 ટકા અને ગોરઠીયામાં 29 ટકા પાણી છે. 

જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા હાથમતી અને ગુહાઈ જળાશયમાં ગત વર્ષે વરસાદ ઓછો પડતા હાથમતી જળાશયમાં 42 ટકા પાણી ભરાયું હતું. તો ગુહાઈ જળાશય માત્ર 32 ટકા ભરાયું હતું. વાત કરીએ હાથમતી જળાશય 10 વર્ષ બાદ બે વર્ષ પહેલા ઓવરફ્લો થયું હતું, તો ગુહાઈ જળાશય 15 વર્ષ પહેલા ઓવરફલો થયુ હતું. ત્યારબાદ બંને જળાશયો પુરા ભરાયા નથી. તો ભરાયેલા પાણીમાંથી હાથમતી જળાશયમાંથી તો ખેડૂતોને કેનાલ દ્વારા રવિ સીઝન માટે પાણી આપ્યું હતું. તો ગુહાઈ જળાશયમાંથી રવિ સીઝન માટે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું નથી. હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી હિમતનગર નગરપાલિકા સહિત આજબાજુના ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ત્યારે હાલના જથ્થાથી પીવાનું પાણી આપી શકાય નહિ, તેના આયોજન માટે સિંચાઈ વિભાગે નર્મદાના પાણીથી બંને જળાશયોમાં પાણી નાંખવાની માંગણી કરતા નર્મદામાંથી હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી 30-30 કયુસેક પાણી નાંખવાનું શરુ કર્યું છે તેવુ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર આર.એચ પટેલે જણાવ્યું.

આ વર્ષનો ઉનાળો જિલ્લામાં આકરી ગરમીના અગનગોળા વરસાવે તો આવનારા દિવસોમાં જળાશયોમાં તળિયા વધુ દેખાી શકે છે. નર્મદા પાણી નાખવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news