સુરતનો આ ચા વાળો એવી વસ્તુમાંથી ચા બનાવે છે કે પીનારાને ચાનો નશો ચઢી જાય

Fruit chai of Surat: સુરતની નાનકડી એવી રેંકડી પર વિવિધ ફળોના ફ્લેવરની ચા વેચવામાં આવી છે. ચામાં અસલી ફ્રુટ નાંખીને એવી ફ્લેવર બનાવાય છે કે, પીનારાને ચાનો નશો ચઢી જાય

સુરતનો આ ચા વાળો એવી વસ્તુમાંથી ચા બનાવે છે કે પીનારાને ચાનો નશો ચઢી જાય

ઝી મીડિયા/બ્યૂરો :હવેના સમયમાં લોકો ફૂડ સાથે એક્સપરિમેન્ટ કરતા હોય છે. લોકોને એક્સપરિમેન્ટ કરીને સર્વ કરાયેલુ ફૂડ વધુ પસંદ આવે છે. આવામા સુરતની એક ચા એવી ધૂમ મચાવી રહી છે, ચાના બંધાણી દૂર દૂરથી આ રેંકડી પર આવી રહ્યાં છે. સુરતની નાનકડી એવી રેંકડી પર વિવિધ ફળોના ફ્લેવરની ચા વેચવામાં આવી છે. ચામાં અસલી ફ્રુટ નાંખીને એવી ફ્લેવર બનાવાય છે કે, પીનારાને ચાનો નશો ચઢી જાય. 

કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનુ મરણ. તાપી નદીના પાણીમાં બનાવાયેલી દરેક ચીજ ટેસ્ટી હોય છે. તેમાં પણ સુરતીઓનો સ્વાદનો શોખ એવો છે કે તેમને રોજ નવુ જોઈએ. આજકાલ તો ચા પણ અનેક ફ્લેવરની બનતી અને વેચાતી હોય છે. પરંતુ સુરતના એક રેંકડીવાળાએ જે કર્યું તે અફલાતુન છે. સુરતના સોની ફળિયા પાણીની ભીંત મનીષ પચ્ચીગર નામના શખ્સ એક ચાની નાનકડી રેંકડી ચલાવે છે. પરંતુ તેમની આ રેંકડી પર ચા પીનારાઓ સવાર પડ્યે જ આવી જાય છે. છેલ્લાં 28 વર્ષથી મનીષભાઈ ફ્રુટના ફ્લેવરની ચા બનાવીને વેચે છે. લોકો દૂર દૂરથી આ ચાનો ટેસ્ટ માણવા આવે છે.

મનીષભાઈ દ્વારા બનાવાતી ચાનો ટેસ્ટ એટલે ખાસ હોય છે કે, તેઓ તેમાં કોઈ ફ્રુટ સિરપ ઉપયોગ નથી કરતા, પરંતુ અસલી ફ્રુટ નાંખીને ચા બનાવે છે. મનીષભાઈની રેંકડી પર કેળાની ચા, સફરજનની ચા, માવાની ચા, ચીકુની ચા, કેરીની ચા, સીતાફળની ચા વગેરે પ્રકારની ચા બનાવે છે. 

આ પ્રકારની ચા બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તે વિશે તેઓ કહે છે કે, લોકોને સાદી ચા પીવાનો કંટાળો આવતો હતો, તેથી મને આ પ્રકારની ચા બનાવવાનો વિચાર આવ્યો. પહેલા લોકોને અજુગતુ લાગતુ, પરંતુ બાદમાં બધાને આ ટેસ્ટ દાઢે વળગી ગયો. મનીષભાઈની તમામ ફ્લેવરમાં ખાસ ફ્લેવર માવાવાળી ચાની હોય છે. 17 વર્ષથી તેઓ માવાવાળી ચા બનાવે છે, જે ગ્રાહકોમાં સૌથી વધુ પોપ્યુલર છે. 

ઉલ્લેખનીય છે કે, લોકો ફ્યુઝન ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. કારણ કે, આ પ્રકારના ફૂડથી લોકોનું ધ્યાન વધારે ખેંચાય છે. લોકો ફ્યુઝન ફૂડને વખાણે છે. ગત વર્ષે કીવી પિત્ઝા, આઈસ્ક્રીમ વડાપાવ, ચોકલેટ મેગી, ગુલાબ જાંબુ પેનકેક, મેગી પાણીપુરી વગેરે ફ્યુઝન સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news