ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સરસ જમી આવ્યા પણ કુંવરજી ભરાઈ ગયા, લોકોએ હુરિયો બોલાવ્યો

મંત્રી કુંવરજી બાવળિયા ગત સાંજે છોટાઉદેપુરના રોજકુવાં ગામે પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે ગયા હતા, જ્યાં મંત્રી કુંવરજી બાવળિયાને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સરસ જમી આવ્યા પણ કુંવરજી ભરાઈ ગયા, લોકોએ હુરિયો બોલાવ્યો

ઝી બ્યુરો/છોટાઉદેપુર: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સોનગઢમાં આદિવાસી બહેનના ઘરે જઈને પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પરંતુ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી તો સરસ રીતે જમી આવ્યા પણ મંત્રી કુંવરજી બાવળિયા અહીં ભરાઈ ગયા હતા. અહીં લોકોએ કુંવરજીનો હુરિયો બોલાવ્યો હતો.

વાત જાણે એમ છે કે, ગત સાંજે (ગુરુવાર) છોટાઉદેપુરના રોજકુવાં ગામે મંત્રી કુંવરજી બાવળિયા પાણી પુરવઠા યોજનાની મુલાકાતે માટે ગયા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે અહીં ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની જેમ આપણી આગતા સ્વાગતા નહીં પરંતુ લોકોના વિરોધનો સામનો કરવો પડશે. કુંવરજી બાવળિયાનો અહીં લોકોએ હુરિયો બોલાવી વિરોધ કર્યો હતો. ગૌચરની જમીનમાં ખોટી રીતે ટાંકી બનાવ્યાનો ગામ લોકોએ મોટો આરોપ લગાવ્યો હતો. અગાઉ પણ આ બાબતે ગામ લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ ના આવતા કુંવરજી બાવળિયાને લોકોનો વિરોધ સહન કરવો પડ્યો હતો.

મહત્વનું છે કે, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સોનગઢમાં આદિવાસી બહેનના ઘરે જઈને પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણીને કહ્યું હતું કે ‘ભોજન એટલું સ્વાદિષ્ટ હતું કે પેટ ભરાયું, પણ મન ન ભરાયું. આવા જમણવાર માટે તો મારે હંમેશાં તાપીમાં આવવું પડશે. પરંતુ કેબિનેટમંત્રી કુંવરજી બાળવિયાને એ ખબર નહોતી કે અહીં તેમનું સ્વાગત લોકો હુરિયો બોલાવીને કરશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તાપી જિલ્લામાં ભૂપેન્દ્ર પટેલને આવવાનું હોવાથી તેમના જમવા વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે આદિવાસી ભાઈના ઘરે જમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી સોનગઢમાં આવાસના લાભાર્થી સોના મગન પવારના ઘરે તેમના ભોજનનો પ્રબંધ કરાયો હતો. સાદગીના અનુગ્રહી ભૂપેન્દ્ર પટેલે નીચે બેસીને ભોજન કર્યું હતું.

પોતાના ઘરે ગુજરાતના મુખ્ય પ્રધાન પોતે જમવા આવવાના હોવાથી તેમના માટે સોના પવારે મિલેટ્સમાંથી રસોઈ બનાવી હતી. મકાઈનો શીરો, નાગલી અને ચોખાના રોટલા, ચોખાના બાફેલા રોટલા, જુવારના રોટલા, દેશી કંકોડાનું અને ભીંડાનું શાક, તાપી જિલ્લાના પ્રખ્યાત લાલ ચોખાનો ભાત, દેશી તુવેરની દાળ, અડદની છોડાંવાળી દાળ, નાગલીના પાપડ, છાશ અને લીલાં શેકેલાં મરચાં સહિતનું ભોજન પીરસાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news