'તમે પહેલા મંત્રી બનો એવી માતા ઉમિયાને પ્રાર્થના કરીએ', નીતિન પટેલે હાર્દિકને આપી શુભેચ્છા
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આજે એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. જ્યાં નીતિન પટેલે વિરમગામના ધારાસભ્યના વખાણ કર્યાં હતા.
Trending Photos
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ અત્યારે વિરમગામના ધારાસભ્ય છે. પહેલાં કોંગ્રેસ પાર્ટી સાથે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત કરનાર હાર્દિક પટેલ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપી અને ચૂંટણી લડાવી હતી. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા હતા. હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે એક કાર્યક્રમમાં હાર્દિક પટેલ મંત્રી બને તેવી શુભેચ્છા આપી છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આજકાલ ચર્ચામાં આવી રહ્યા છે.પહેલા છાતી ઠોકીને વિરમગામને જિલ્લો બનાવવાની વાત કરી હતી જો કે હવે હાર્દિક પટેલે નીતિન પટેલની સામે ગુસ્તાખી કરતાં કહ્યું હતું કે 'વિરમગામ, માંડલ અને દેત્રોજના વિસ્તારને કડીને પણ ટક્કર મારે એવું બનાવીશું'. જો કે હાર્દિકના આ નિવેદન સામે નીતિન પટેલે કહ્યું કે સંચાલકે હાર્દિકભાઈને ખૂબ મોટું સ્ટેજ આપી દીધું, પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બનો એવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ.
હાર્દિકભાઈ મંત્રી બને એવી મા ઉમિયાને પ્રાર્થના: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ#Gujarat #Mehsana #News #BJP pic.twitter.com/X9azYcRN05
— Zee 24 Kalak (@Zee24Kalak) January 6, 2025
બંને એકમંચ પર જોવા મળ્યા
કડી તાલુકાના વિડજ ગામ નજીક જે.કે પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્ય હાર્દિક પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યાં સંબોધન કરતા હાર્દિક પટેલે વિરમગામ, માંડલ અને દેત્રોજના વિકાસની વાત કરી હતી. ત્યારબાદ નીતિન પટેલે હાર્દિક પટેલને મંત્રી બનવાની શુભેચ્છા આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે