ઝિમ્બાબ્વેનું જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે રોકાણ કરવા ભારતને આમંત્રણ

ભારત અને ઝિમ્બાબ્વેના વ્યાપારીક સબંધ ખુબ જુના છે. ઝિમ્બાબ્વે સરકારે દેશમાં રોકાણને આકર્ષવા માટે એક નવી નીતિ બનાવી છે, ત્યારે ઝિમ્બાબ્વે સરકારની ઈચ્છા છે કે ભારતમાંથી ઉદ્યોગકારો તેમના ત્યાં જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સહિત અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા આગળ આવે

ઝિમ્બાબ્વેનું જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે રોકાણ કરવા ભારતને આમંત્રણ

તેજશ મોદી /સુરતઃ ઝિમ્બાબ્વેના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ડેપ્યુટી મિનિસ્ટર રાજેશ કુમાર મોદી તેમના દેશમાં ભારતીય રોકાણકારોને આકર્ષવા માટે ભારતના પ્રવાસે આવેલા છે. તેમણે સુરત ખાતે જીજેઈપીસીના હોદ્દેદારો સાથે બેઠક કર્યા બાદ તેમના દેશમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે રહેલી રોકાણની ઉજ્જવળ તકો અંગે જણાવ્યું હતું. સાથે જ ઝિમ્બાબ્વે સરકારની રોકાણકારો માટેની નવી નીતિની પણ માહિતી આપી હતી.   

ભારત સાથે ઝિમ્બાબ્વેનો વ્યાપારીક સબંધ ખુબ જુનો છે. ઝિમ્બાબ્વે સરકારે દેશમાં રોકાણકારોને આકર્ષવા માટે એક નવી નીતિ બનાવી છે. આ નીતિના પ્રચાર-પ્રસાર માટે અને ભારતીય રોકાણકારોને તેની માહિતી આપીને તેમને ત્યાં રોકાણ માટે આકર્ષવા માટે ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભારતની મુલાકાતે આવેલા છે. દિલ્હી અને જયુપરની મુલાકાત બાદ તેઓ મંગળવારે સુરત આવ્યા હતા. અહીં તેમણે જીજેઈપીસીના હોદ્દેદારો બેઠક કર્યા બાદ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અન્ય સેક્ટરના ઉદ્યોગકારો સાથે બેઠક કરી ઝિમ્બાબ્વે સરકારની રોકાણકારો માટેની નવી નીતિની જાણકારી આપી હતી. 

રાજેશ કુમાર મોદી મૂળ રાજપીપળાના છે અને છેલ્લા 37 વર્ષથી ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયેલા છે. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અનેક વર્ષોથી વ્યાપારિક સબંધો છે. તેને વધુ મજબુત કરવાનું અમારી સરકારનું લક્ષ્ય છે. ઝિમ્બાબ્વેમાં હીરા એન સોનાની અનેક ખાણ આવેલી છે, જ્યાંથી નીકળતું રો મટીરીયલ ભારતના વેપારીઓ ખરીદે છે.  જો ભારતની ટેકનોલોજી અને સ્કીલ ઝિમ્બાબ્વે આવે તો બંનેને ફાયદો થઇ શકે છે. તેમણે ઉદ્યોગકારોને રોકાણ કરવામાં માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. 

આ અંગે ચેમ્બર ઓફ કોર્મસના પૂર્વ પ્રમુખ રોહિત મહેતાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપરાંત ઝિમ્બાબ્વેમાં અન્ય એવા ક્ષેત્રો પણ છે, જ્યાં રોકાણ કરી શકાય એમ છે. હાલમાં ખેતીવાડી ક્ષેત્રે સરકારે રોકાણકારો માટે નવી નીતિ બનાવી છે, જેમાં 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપવામાં આવે છે. તેમાં માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેનું રોકાણ જ ઉદ્યોગકારોએ કરવું પડશે. આમ, ભારતના ઉદ્યોગકારો જો રોકાણ કરવા માંગતા હોય તો તેમના માટે ઝિમ્બાબ્વેમાં ખુબ ઉજ્જવળ તકો રહેલી છે.

ઝિમ્બાબ્વે એક પરિચય 
ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકાને અડીને આવેલો એક નાનકડો દેશ છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંત બોત્સવાના, ઝામ્બિયા અને મોઝામ્બિક દેશોની સરહદ તેને સ્પર્શે છે. માત્ર 16 લાખની વસતી ધરાવતા આ દેશની રાજધાની હરારે છે. ઝિમ્બાબ્વેમાં 16 ભાષાઓ બોલવામાં આવે છે. 

ઝિમ્બાબ્વેમાં ગુજરાતી
ઓક્ટોબર, 2016ના આંકડા મુજબ ઝિમ્બાબ્વેમાં 9,000 જેટલા નાગરિકો મૂળ ગુજરાતી છે. મોટાભાગના ગુજરાતીઓ અહીં વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષથી ઝિમ્બાબ્વેના મંત્રીમંડળમાં પણ ગુજરાતીઓ ચૂંટાતા આવ્યા છે. ભારતીય મૂળના ભરત પટેલ અને અહેમદ ઈબ્રાહિમ ઝિમ્બાબ્વેની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. વર્તમાનમાં ભારતમાં ઝિમ્બાબ્વેની નવી ઔદ્યોગિક નીતિઓના પ્રચાર માટે આવેલા રાજેશ કુમાર મોદી પણ મૂળ રાજપીપળાના છે અને ઝિમ્બાબ્વેની વર્તમાન સરકારમાં કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news