હું મારી દીકરીને જોઈને રોજેરોજ મરી રહી છું... ભરુચ દુષ્કર્મની ઘટના બાદ સુરતની ઘટનાના જખ્મ તાજા થયા
Gujarat Bharuch Minor Girl Rape Case : ભરૂચની GIDC દુષ્કર્મની ઘટનાએ સુરતની દુષ્કર્મ પીડિતાને કંપાવી, 6 વર્ષમાં 12 ઓપરેશન, હજુ 2 બાકી; માતા બોલી- એ દિવસ યાદ આવતાં જ શ્વાસ થંભી જાય છે
Trending Photos
Bharuch News : ભરૂચમાં નાનકડી બાળકી પર પાશવી દુષ્કર્મની ઘટનાએ સુરતની આવી જ ઘટનાની યાદો તાજી કરી છે. છ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં સુરતની બાળકી પર એવી હેવાનિયત આચરવામાં આવી હતી કે તેના 12 ઓપરેશન કરવા પડ્યા છે. તેને 200 ટાંકા આવ્યા છે. ઘટનાને ભલે છ વર્ષ થઈ ગયા પરંતુ એના જખમો હજુ પણ પીડિતા અને તેના પરિવાર માટે તાજા જ છે. આ ઘટનામાં પણ પરિવાર જેને ઓળખતો હતો રોશન ભૂમિહાર નામનો વ્યક્તિ દીકરીને ચોકલેટ અપાવવાના નામે લઈ ગયો અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું. પીડિતા આરોપીને મામા કહેતી હતી અને આ કહેવાતા મામાએ જ તેની જિંદગી બરબાદ કરી. ભરૂચની દીકરી સાથે જ થયું એ બાદ આ પરિવારને ફરી એ ઘટના યાદ આવી રહી છે.
પીડિત અલગ, પણ આરોપીની માનસિકતા તો સરખી જ
સુરતની દીકરી માટે વકીલ પ્રતિભા દેસાઈ લડત કરી રહ્યા છે. કોર્ટે આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે. પરંતુ વકીલ અને પરિવાર તેને ફાંસીની સજા અપાવવા માટે મક્કમ છે. આવી તમામ ઘટનાઓમાં સ્થળ અલગ છે. પીડિત અલગ પરંતુ આરોપીની માનસિકતા સરખી જ છે. પોતાની ક્ષણભરની હવસ સંતોષવા માટે માણસ મટીને રાક્ષસ બની જતા આ દાનવો ક્યાં સુધી દીકરીઓનું જીવન તહેસનહેસ કરતા રહેશે તે સવાલ છે..
સુરતની 4 વર્ષની બાળકી સાથે પણ આવી જ બર્બરતા આચવામાં આવી હતી. આ ઘટનાને 6 વર્ષ વીતી ગયા છે. આટલા વરહમાં બાળકી પર 12 સર્જરી કરવામાં આવી છે. હજી બે ઓપરેશન બાકી છે. આવામાં પીડિત બાળકીની માતાએ રોજેરોજ મરતા હોવાની વ્યથા ઠાલવી. તેમમે કહ્યું- એ દિવસને યાદ કરું તો મારા શ્વાસ રોકાઈ જાય છે. બાળકીને પાડોશી દ્વારા દુષ્કર્મ કરાયું હતું. દુષ્કર્મ એટલો ભયાનક હતો કે બાળકીના ગાલ અને હોઠ ફાડી ખાધા હતા. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લાકડી નાખી દીધી હતી. બાળકીના શરીર પર 200 ટાંકા લેવામાં આવ્યા છે. દુષ્કર્મ બાદ બ્લીડીગ બંધ કરવા 30 ટાકા લેવામાં આવ્યા હતા. યુરિન અને મળની નળી એક થઇ ગઇ હતી.
માતા કહે છે કે, મારી દીકરીમાં હજી પણ ભયનો માહોલ છે. અમારી ઈચ્છા છે કે, આવા નરાધમ રાક્ષસોને બધાની વચ્ચે ફાંસી આપવી જોઈએ. આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા કોર્ટે ફટકારી છે. હવે બાળકીના પરિવારજનો હાઇકોર્ટમાં જશે. હાઇકોર્ટમાં આરોપીને ફાંસીની સજા થાય તે માટે લડત લડશે તેવુ તેના વકીલે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે