મોદી સરકાર અડધી રાત્રે ચમકતી વીજળી જેવી : અમિત શાહે બાંધ્યા પ્રસંશાના પુલ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વાયદાઓને ચાર વર્ષમાં પુરા કર્યા

મોદી સરકાર અડધી રાત્રે ચમકતી વીજળી જેવી : અમિત શાહે બાંધ્યા પ્રસંશાના પુલ

નવી દિલ્હી : બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે મોદી સરકારના ચાર વર્ષ પુરા થવાના પ્રસંગે સરકારની ઉપલબ્ધીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં કલ્યાણકારી યોજનાઓથી 22 કરોડ ગરીબ પરિવારોને ફાયદો મળ્યો છે. બીજેપીના વડપણ હેઠળની એનડીએ સરકારના ચાર વર્ષ થયા હોવાના પ્રસંગે અમિત શાહે દાવો કર્યો છે કે પ્રવર્તમાન સરકારે દેશના આત્મગૌરવને સૌથી ઉંચા સ્તર સુધી પહોંચાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં બીજેપીને પુર્ણ બહુમતથી જીત અપાવી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની બીજેપી સરકારે 26 મેના દિવસે આજે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત કર્યો છે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિસાના કટકથી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ સિવાય કેન્દ્ર સરકારના મંત્રી અને બીજેપીના નેતાઓ દેશના અલગઅલગ વિસ્તારોમાં સરકારની ઉપલબ્ધી ગણાવશે. પીએમના કાર્યક્રમ પહેલાં બાલીયાત્રા મેદાનમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે અને અહીંથી જનસભાને સંબોધન કરવામાં આવશે. જોકે આ સભા પહેલાં વડાપ્રધાને આ ચાર વર્ષનો સરકારનો રિપોર્ટ એક વીડિયો તરીકે ટ્વીટ કર્યો છે.

સરકારના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર પણ ચાલ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પીએમ મોદીએ પીએમ પદની ગરીમા ઘટાડી છે, જેના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં તો પીએમ પદની ગરીમા છેક પાતાળ સુધી પહોંચી ગઈ હતી. આ સિવાય અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં બીજેપીની ચાર વર્ષની સિદ્ધિ ગણાવી હતી.

અમિત શાહે ગણાવેલી સિદ્ધિની હાઇલાઇટ્સ

  • વિપક્ષનો એજન્ડા છે કે મોદી અને ભાજપને હટાવો, પરંતુ ભાજપનો એજન્ડા દેશમાં ગરીબી અને ભ્રષ્ટાચાર હટાવી દેશને વિકાસ પ્રદાન કરવાનો છે.
  • સરકારે એકેય કૌભાંડ થવા દીધા વગર લાખો કરોડોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પૂરા કર્યા છે.
  • અમે સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપી કરોડો લોકોને રોજગારી આપવાનું કામ કર્યું છે. 
  • સરકારે પરિવારવાદ, તુષ્ટિકરણ અને જાતિવાદી રાજનીતિને બદલીને પોલિટિક્સ ઓફ પર્ફોમન્સને આગળ વધારવાનું કામ કર્યું છે. 
  • બીજેપીએ જ દેશને સૌથી વધુ કામ કરનારા પીએમ આપ્યા છે.
  • મોદી સરકારે ગરીબો અને ખેડૂતોની ભલાઈ માટે કામ કર્યું.
  • 2022 સુધી દરેકને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય છે.
  • પરિવારવાદ અને જાતિવાદને બદલે વિકાસવાદની રાજનીતિ અપનાવી.
  • મોદી સરકારની યોજનાઓની કોઈ બરોબરી નથી.
  • મોદી સરકારનું શાસન ઘોર અંધારામાં અડધી રાત્રે ચમકતી વીજળી જેવું પ્રકાશિત.
  • સૌભાગ્ય યોજના અંતર્ગત 1 કરોડ ઘરને વીજળી મળી.
  • દેશમાં એવું એક પણ ગામ નથી જ્યાં વીજળી નથી.
  • 65 ટકા વસતી પર બીજેપીનું શાસન છે અને 20 રાજ્યોમાં બીજેપીની સરકાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news