જો મને તાબડતોબ છોડવામાં નહીં આવે તો.... જાણો કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં શું કહ્યું?
Arvind Kejariwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં ફટકાર મળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજીમાં તેમણે તત્કાળ સુનાવણી માટે જે તર્ક આપ્યો છે તે જાણવા જેવો છે.
Trending Photos
Kejariwal News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા પોતાની અરજી ફગાવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. જો કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર તરત સુનાવણીની ના પાડી દીધી. જેને કેજરીવાલ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. પોતાની અરજીમાં કેજરીવાલે એવો તર્ક આપ્યો છે કે જો તેમને આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે તરત છોડવામાં નહીં આવે તો તેનાથી વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની ખોટી પરંપરા સ્થાપિત થશે. આમ કહીને તેમણે અરજી પર તરત સુનાવણીની માંગણી કરી હતી.
છેલ્લા 9 મહિનાથી ઈડી પાસે હતા
તેમણે કહ્યું કે આ અરજી ઈમરજ્સી સ્થિતિમાં દાખલ કરવામાં આવી રહી છે. કારણ કે દિલ્હીના હાલના મુખ્યમંત્રીની ચૂંટણીઓ વચ્ચે ઈડીએ ગેરકાયદેસર રીતે ધરપકડ કરી છે. અરજીમાં કહેવાયું છે કે કેજરીવાલની ધરપકડ સહ આરોપીઓના તરફથી આપવામાં આવેલા નિવેદનોના આધારે કરાઈ છે. જે બાદમાં સરકારી સાક્ષી બની ગયા. એવો તર્ક આપવામાં આવ્યો છે કે આવા નિવેદનો અને પુરાવા છેલ્લા 9 મહિનાથી ઈડી પાસે હતા અને આમ છતાં લોકસભા ચૂંટણી વચ્ચે ગેરકાયદેસર રીતે ધરપકડ કરાઈ.
ઈડીની પ્રક્રિયા પર સવાલ
કેજરીવાલે પોતાની અરજીમાં ઈડીની પ્રક્રિયા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઈડીએ પોતાનો ઉપયોગ થવા દીધો, જેનાથી ફક્ત ચૂંટણી વચ્ચે રાજકીય વિરોધીઓની સ્વતંત્રતા પર હુમલો કરાયો અને તેમની પ્રતિષ્ઠા અને આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવી. અરજીમાં કહેવાયું છે કે જો કેજરીવાલને આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે તાબડતોબ છોડવામાં નહીં આવે તો તે સત્તાધારી પાર્ટી તરફથી ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીના પ્રમુખોની ધરપકડની મિસાલ હશે, જેનાથી આપણા બંધારણના મૂળ સિદ્ધાંત ખતમ થઈ જશે.
હાઈકોર્ટના ચુકાદા પર શું કહ્યું
દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સાક્ષીઓના નિવેદનો પર સવાલ ઉઠાવી શકાય નહીં. જેને લઈને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દલીલ આપી છે કે હાઈકોર્ટ એ વાતને સમજવામાં નિષ્ફળ રહી કે સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધાયેલા નિવેદનો પૂર્ણ સત્ય માની શકાતા નથી અને કોર્ટ તેના પર શંકા કરી શકે છે. આ નિવેદનોને ક્યારેય તથ્યોની સચ્ચાઈના નક્કર પુરાવા સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાય નહીં, ઉલ્ટું તેને વિરોધાભાસ અને સાક્ષીની પુષ્ટિ માટે ઉપયોગ કરી શકાય છે.
સાક્ષીઓના નિવેદન
કેજરીવાલની અરજી મુજબ હાઈકોર્ટ એ વાતને સમજવામાં પણ નિષ્ફળ રહી છે કે સરકારી સાક્ષી બની ચૂકેલા સહ આરોપીઓના નિવેદનને કોઈ વ્યક્તિના અપરાધને સુનિશ્ચિત કરવા માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ માની શકાય નહીં. ઈડી આ પ્રકારના નિવેદનો જબરદસ્તીથી નોંધાવી રહી છે. અરજીમાં દાવો કરાયો છે કે હાઈકોર્ટ એ વાતને પણ સમજી શકી નથી કે ઈડીએ આવા નિવેદન જામીન અને દોષમુક્તિની લાલચ આપીને નોંધાડાવ્યા છે. આથી તેના પર ભરોસો કરી શકાય નહીં.
(PMLA) ની કલમ 19 હેઠળ આમ કરવું જરૂરી
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે જે નિવેદનોના આધારે ધરપકડ કરાઈ છે તેને 7 ડિસેમ્બર 2022થી 27 જુલાઈ 2023 વચ્ચે નોંધવામાં આવ્યા હતા અને બાદમાં કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા. તેમણે દાવો કર્યો છે કે જૂના નિવેદનોની પુષ્ટિ કરવા માટે 21 માર્ચ 2024ની ધરપકડ પહેલા કોઈ નિવેદન નોંધવામાં આવ્યા નથી, જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 19 હેઠળ આમ કરવું જરૂરી છે. 21 માર્ચ 2024 એટલે કે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કેજરીવાલની ધરપકડ સ્પષ્ટ રીતે બહારી વિચારોથી પ્રેરિત છે.
ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવાની માંગણી
અરજીમાં કહેવાયું છે કે કેજરીવાલની ધરપકડ કરવા માટે સી અરવિંદ, મગુંટા રેડ્ડી, અને સરથ રેડ્ડીના નિવેદનો પર ભરોસો કરવામાં આવ્યો છે. પરંતુ આ નિવેદનોથી દૂર દૂર સુધી એવા સંકેત નથી મળતા કે કેજરીવાલે PMLA ની કલમ 3 હેઠળ કોઈ કમિશનનું કામ કર્યું છે. દાવો કરાયો છે કે આ નિવેદનોથી કેજરીવાલ વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બુચી બાબુ અને રાઘવ મગુંટાના નિવેદનો સંપૂર્ણ ખોટા છે કારણ કે કેજરીવાલ સાથે કોઈ પણ બેઠકમાં તેઓ હાજર નહતા. આ ઉપરાંત રાઘવ મગુંટાના નિવેદનો એ ઘટનાઓને સામેલ કરવાની કોશિશ કરે છે જેના વિશે તેમના પુતિ મગુંટા રેડ્ડીએ કોઈ વાત કરી નથી. આ અરજીમાં કેજરીવાલના છૂટકારા અને PMLA ની કલમ 19 હેઠળ તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવાની માંગણી થઈ છે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે