21 એકર બંજર જમીન ખરીદી એક ઉદ્યોગ સાહસિકે બનાવ્યું વિશાળ અને લીલુછમ જંગલ!
લોકો જમીન શા માટે ખરીદે છે? તમે કહેશો કે મકાન, એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ, ફેક્ટરી વગરે બનાવવા માટે. પરંતુ શું તમે કોઈ એવા વ્યક્તિને જોયા છે જેમણે વિશાળ જમીન તો ખરીદી પરંતુ મકાન કે મોટી ઈમારત માટે નહીં.
Trending Photos
રાહુલ પીઠડીયા, અમદાવાદઃ લોકો જમીન શા માટે ખરીદે છે? તમે કહેશો કે મકાન, એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ, ફેક્ટરી વગરે બનાવવા માટે. પરંતુ શું તમે કોઈ એવા વ્યક્તિને જોયા છે જેમણે વિશાળ જમીન તો ખરીદી પરંતુ મકાન કે મોટી ઈમારત માટે નહીં. પરંતુ એક લીલુછમ જંગલ બનાવવા માટે. જ્યાં પ્રાણીઓ અને જીવજંતુ વસવાટ કરી શકે, પક્ષીઓ કલબલાટ કરી શકે, તાજી શુદ્ધ હવા મળી શકે.
કહેવાય છે કે દુનિયામાં પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વિવિધ પ્રકારના વૃક્ષો માટે કુદરતે જંગલોની દેન આપી છે. પરંતુ દિવસેને દિવસે મનુષ્યને કારણે જ દુનિયામાં જંગલનો વિસ્તાર સતત ઘટી રહ્યો છે. સિમેન્ટ-કોંક્રીટથી બનેલા જંગલો બનાવવા માટે મનુષ્ય કોઈ વિચાર કર્યા વગર જંગલોનું છેદન કરે છે. પોતાનું ઘર બનાવવા માટે માણસ જંગલોમાં વસ્તી જીવસૃષ્ટિનો પણ વિચાર કરતો નથી. તેવામાં અહીં આપણે વાત કરીશું એવા વ્યક્તિની કે જેમણે વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ માટે એક વિશાળ જંગલ બનાવ્યું.
બેંગલુરુના સુરેશ કુમાર નામના ઉદ્યોગ સાહસિકે(ENTREPRENEUR) શિવમોગ્ગાના સાગરમાં 21 એકર બંજર જમીન ખરીદી. તેમણે આ જમીનને 10 વર્ષની અંદર લીલાછમ વૃક્ષોથી ભરપુર જંગલમાં તબદીલ કરી. તેમણે આ વિસ્તારને વન આવરણ જોડવાની યોજના બનાવી છે. પ્રસિદ્ધ પર્યાવરણવિદ અખિલેશ ચિપલીની મદદથી સુરેશ કુમારે સમગ્ર 21 એકરની બંજર જમીનને એક સુંદર જંગલમાં તબદીલ કરી છે.
અખિલેશ ચિપલીએ જણાવ્યું કે આ જંગલનું નામ 'ઉષા કિરણ' રાખવામાં આવ્યું છે. આ એક હરિત પહેલ મોડલ છે. તેમણે જણાવ્યું કે સુરેશ કુમારે જ્યારે આ જમીનને ખરીદી હતી ત્યારે અહીં એક પણ વૃક્ષ ન હતું. જો કે તેમની સખત મહેનત અને લગનથી આજે અહીં અનેક નાના મોટા લીલાછમ વૃક્ષ છે, જે મોટી સંખ્યામાં પ્રાણીઓ-જીવજંતુઓ માટે એક ઘર સમાન છે.
અખિલેશ ચિપલીએ જણાવ્યું કે સુરેશ કુમારે તેમને સામાજિક કારણે માટે જમીન સમર્પિત કરવા કહ્યું હતું. જો કે તેમણે આમાં પ્રાકૃતિક જંગલ બનાવવાનો અનુરોધ કર્યો. 10 વર્ષના પરિશ્રમ બાદ અહીં પશ્ચિમી ઘાટના દેશી પ્રજાતિવાળા પ્રાકૃતિક જંગલનો આકાર આપવામાં આવ્યો છે. હવે તો આ જંગલ પર્યાવરણવિદો અને છાત્રો માટે એક અભ્યાસ કેન્દ્ર બની ગયું છે. દેસી વનસ્પતિ અને જીવોને બચાવવા માટે આ મોડલ આજે પશ્ચિમી ઘાટના વિસ્તારમાં પ્રાસંગિક છે.અખિલેશે વધુમાં કહ્યું કે જંગલમાં અધિકાંશ છોડ પ્રાકૃતિક રીતે ઉગી રહ્યાં છે અને જંગલમાં મર્યાદિત પ્રમાણમા છોડ ઉગાડવામાં આવ્યા છે. સુરેશ કુમાર પ્રાકૃતિક રીતે ઉગતા છોડ અને વૃક્ષોની સુરક્ષા કરે છે. આ જંગલ પશ્ચિમિ ઘાટના જંગલની સુંદરતા દર્શાવે છે.
આપને જણાવી દઈએ કે તમિલનાડુના પુથુરાઈ જિલ્લાના શ્રવણન નામના 50 વર્ષીય વ્યક્તિએ એકલા હાથે 100 એકર બંજર જમીનને એક ગાઢ જંગલમાં તબદીલ કરી હતી. આ જંગલ હવે 250થી વધુ પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુઓ માટેનું વિશાળ ઘર બની ગયું છે. સાથે જ આ જંગલમાં વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષ પણ ઉગાડવામાં આવ્યા છે. શ્રવણને 1990ના અરસામાં સખત મહેનત કરી આ સુંદર વન બનાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે