બુલંદશહેર હિંસા એક મોટું ષડયંત્ર, ગૌમાંસ ત્યાં કેવી રીતે પહોંચ્યું: યુપી DGP
આ ઘટનામાં ઉત્તરપ્રદેશના પોલિસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંઘ અને 20 વર્ષીય યુવાન સુમિત કુમારનું મોત થયું હતું
Trending Photos
લખનઉઃ ઉત્તરપ્રદેશના ટોચના પોલિસ અધિકારીએ બુલંદશહેર હિંસાને એક સમજી વિચારીને કરવામાં આવેલું કાવતરું ગણાવ્યું છે. આ ઘટનામાં ઉત્તરપ્રદેશના પોલિસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંઘ અને 20 વર્ષીય યુવાન સુમિત કુમારનું મોત થયું હતું. તેમણે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, આખરે ગૌમાંસ ત્યાં પહોંચ્યું કેવી રીતે?
ANIના રિપોર્ટર સાથે વાતચીત કરતા ઉત્તરપ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓ.જી. સિંઘે જણાવ્યું કે, "બુલંદશહેર હિંસાની ઘટના એક મોટું ષડયંત્ર છે. આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી. ત્યાં ગૌમાંસ કેવી રીતે પહોંચ્યું? કોણ તેને લઈને આવ્યું, શા માટે અને કયા સંજોગોમાં ગૌમાંસ ત્યાં ફેંકવામાં આવ્યું હતું.?"
ઉલ્લેખનીય છે કે, શિવસેનાએ પણ તેમના મુખપત્ર 'સામના'માં હિંસાની આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવી હતી. પીટીઆઈમાં પ્રકાશિત સમાચાર મુજબ સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, "શું બુલંદશહેરની ઘટના મુઝફ્ફરનગરનું પુનરાવર્તન હતી, જે 2014ની ચૂંટણી પહેલા કરાઈ હતી? ભાજપ જાણે છે કે 2019ની ચૂંટણી જીતવી તેમના માટે સરળ નથી. આથી તેણે ભાગલા પાડવા માટે ધાર્મિક હથિયારનો ઉપયોગ કર્યો છે?"
બુલંદશહેર જિલ્લાના સાયના વિસ્તારમાં લગભગ 400 લોકોનું ટોળું એક્ઠું થયું હતું, જેમાં જમણેરી પાંખના કેટલાક કાર્યકર્તાઓ પણ હતા. આ ટોળું નજીકના જંગલમાં ગૌમાંસ ફેંકાવાની ઘટના અંગે ગુસ્સે ભરાયેલું હતું.
ટોળાએ ડઝનબદ્ધ વાહનોને આગચંપી કરી હતી, પથ્થર મારો કર્યો હતો અને પોલીસ સામે પણ વળતો ગોરીબાર કર્યો હતો. આ હિંસામાં સાયનાના પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંઘ અને 20 વર્ષીય યુવક સુમિતકુમારનું મોત થયું હતું.
પોલીસે મંગળવારે ચાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં બજરંગદળના કાર્યકર્તા યોગેશ રાજની ટોળા દ્વારા હિંસાના કેસમાં ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી દ્વારા ઘટનાની નિંદા કરાયા બાદ પણ સ્થાનિક લોકોએ ઘટના પાછળ રહેલા ષડયંત્રની તપાસની માગ કરી છે.
આ ઘટનામાં રાષ્ટ્રીય માનવાધિકાર કમિશન દ્વારા રાજ્ય સરકાર અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને નોટિસ પાઠવવામાં આવી છે. કમિશને જણાવ્યું છે કે, એફઆઈઆરમાં 27 લોકોનાં નામ લખવામાં આવ્યા છે, જ્યારે ફરિયાદ 50-60 અજ્ઞાત લોકો સામે દાખલ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે