ચૂંટણી પ્રચાર સમાપ્ત, 20 ફેબ્રુઆરીએ યુપીમાં 59 અને પંજાબની તમામ 117 સીટો પર મતદાન

UP-Punjab Assembly Election: ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ 16 જિલ્લાની 59 સીટો પર મતદાન થશે. આ સિવાય પંજાબની તમામ 117 સીટો પર મતદાન થશે. 
 

ચૂંટણી પ્રચાર સમાપ્ત, 20 ફેબ્રુઆરીએ યુપીમાં 59 અને પંજાબની તમામ 117 સીટો પર મતદાન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે 20 ફેબ્રુઆરીએ 59 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે, જેના માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. આ સિવાય પંજાબમાં પણ 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં તમામ 117 બેઠકો પર મતદાન થવાનું છે, જેના માટે રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોએ તેમની તમામ તાકાત લગાવી દીધી હતી.

યુપીમાં આ જિલ્લામાં મતદાન
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. જે જિલ્લામાં મતદાન થશે તેમાં હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબાનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી યોગી અને અખિલેશ યાદવે કર્યો પ્રચાર
શુક્રવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કાનપુર, મૈનપુરી, કરહાલ અને ઉન્નાવમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમણે કાનપુરમાં દાવો કર્યો હતો કે, "2017 પહેલા ઉત્તર પ્રદેશમાં દર ત્રીજા દિવસે રમખાણો થતા હતા. 5 વર્ષમાં 700 થી વધુ રમખાણો થયા હતા અને સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. રાજ્યમાં મહિનાઓ-મહિના કર્ફ્યુ રહેતો હતો પરંતુ રાજ્યમાં અમારી સરકાર હતી ત્યારે કોઈ તોફાન થયા નથી.

અખિલેશ યાદવ ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કરહલ સીટથી ઉમેદવાર છે. તેમણે આજે કાનપુરમાં રોડ શો દરમિયાન કહ્યુ- બાબા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ) જાનવરોને પકડી શક્યા નહીં અને તેમનું સૌથી પ્રિય જાનવર રસ્તા પર ફરે છે, લેપટોપ ચલાવવુ તો દૂર આ સાંઢને પકડી શકતા નથી. આ પહેલાં દિવસમાં અખિલેશ યાદવે જાલૌનમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું- જેનો પરિવાર હોય છે તે પરિવારજનોનું દુખ અને દર્દ સમજી શકે છે. આ ભાજપના નેતા જે રાજ કરી રહ્યા છે, તેનો કોઈ પરિવાર નથી. એક પરિવારવાળા જ સમજી શકે છે કે મોંઘવારી શું છે. 

ઉત્તર પ્રદેશના ફતેહજંગમાં જેપી નડ્ડાએ કર્યો પ્રચાર
લાલબાગ, ફતેહગંજ ખાતે એક સભાને સંબોધતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, "જ્યારે લોકો તમારી પાસે વોટ માંગવા આવે, તો તેમને ચોક્કસ પૂછો કે આ તમારી સરકાર હતી જેણે રામ ભક્તો પર ગોળીબાર કેમ કર્યો હતો. શુક્રવારે જેપી નડ્ડાએ રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સ્થળની પણ મુલાકાત લીધી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ લખનૌમાં એક રેલીને સંબોધિત કરી હતી.

પંજાબમાં પણ તમામ પાર્ટીઓએ કર્યો પ્રચાર
પંજાબમાં, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જલાલાબાદમાં રોડ શો કર્યો. આ સિવાય કેજરીવાલે અબોહરમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો અને શેરી સભાઓ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું, "પંજાબનો મૂડ સાફ છે - એક તરફ તમામ ભ્રષ્ટ પક્ષો અને નેતાઓ અને બીજી તરફ પંજાબની 3 કરોડ જનતા આમ આદમી પાર્ટી સાથે. આ વખતે ઝાડુ ચાલશે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news