Chhattisgarh encounter: દોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ, જાણો સંપૂર્ણ વિગતો

છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ વચ્ચે એક જંગલમાં નક્સલીઓ સાથે શનિવારે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાનો શહીદ થયાના દુ:ખદ સમાચાર છે.

Chhattisgarh encounter: દોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ, જાણો સંપૂર્ણ વિગતો

રાયપુર: છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ વચ્ચે એક જંગલમાં નક્સલીઓ સાથે શનિવારે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાનો શહીદ થયાના દુ:ખદ સમાચાર છે. જ્યારે 31 જવાનો ઘાયલ થયા છે. આ હુમલામાં મૃત્યુઆંક વધે તેવી પણ આશંકા સેવાઈ રહી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોના જવાનો શહીદ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે રવિવારે વાત કરી અને હાલાતની સમીક્ષા કરી. શાહે CRPF ના મહાનિદેશક કુલદીપ સિંહને સ્થિતિની સમીક્ષા કરવા માટે છત્તીસગઢ જવાનું કહ્યું છે. તે પહેલા તેમણે ટ્વીટ કરીને ઘાયલ જવાનોના જલદી સ્વસ્થ થવાની કામના કરતા અને શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા કહ્યું કે છત્તીસગઢમાં નક્સલીઓ સાથે લડતા શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષાકર્મીઓના બલિદાનનું નમન કરું છું. રાષ્ટ્ર તેમની વિરતાને ક્યારેય ભૂલશે નહીં. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. અમે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રાખીશું. 

મોદી રાજનો સૌથી મોટો નક્સલી હુમલો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના લગભગ 6 થી 7 વર્ષના કાર્યકાળમાં નક્સલીઓએ શનિવારે મોટી ઘટનાને અંજામ આપ્યો. આ નક્સલી  હુમલામાં 22 જવાનો શહીદ થઈ ચૂક્યા છે. જ્યારે 31 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક જવાન હજુ પણ ગૂમ છે. જવાનની શોધમાં હેલિકોપ્ટર અને યુએવી મોકલવામાં આવ્યા છે. 

કેવી રીતે અપાયો હુમલાને અંજામ
સુકમા-બીજાપુર વચ્ચેની સરહદ પર જવાનો અને નક્સલીઓનો સામનો સામનો થયો. અહીંના એક જંગલમાં ગોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે 600થી વધુ નક્સલીઓએ જવાનોને એમ્બુશમાં ફસાવ્યા અને તેમના પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો. 

આ અગાઉ સુરક્ષાદળોને જોનાગુડાની પહાડીઓ પર મોટી સંખ્યામાં નક્સલીઓ ભેગા થયા અને ડેરો જમાવ્યો હોવાની માહિતી મળી હતી. આવામાં શુક્રવારે રાતે સીઆરપીએફના કોબ્રા  કમાન્ડો, બસ્તરિયા બટાલિયન અને એસટીએફના લગભગ 2000 જવાનોએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું. 

નક્સલીઓએ 700 જવાનોને ત્રણ તરફથી ઘેરીને ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા. જ્યારે 31 જેટલા હજુ પણ ઘાયલ છે. ઘાયલોમાંથી 24 જવાનોની સારવાર બીજાપુરમાં ચાલી રહી છે જ્યારે 6 જવાન રાયપુર રેફર કરાયા છે. 

છત્તીસગઢના તર્રેમ વિસ્તારના સિલગેરના જંગલોમાં શુક્રવારે નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશનમાં એક સાથે 2 હજાર જવાનો નીકળ્યા હતા. અથડામણમાં 15 નક્સલીઓ પણ માર્યા ગયા છે. 

નક્સલી નેતા હિડમા હતો સામેલ
નક્સલીઓએ શનિવારે બપોરે 12 વાગે જોનાગુડાની આસપાસ એમ્બુશમાં ફસાવી લીધા. નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી અથડામણ ચાલી હતી. જે જગ્યાએ અથડામણ થઈ તે વિસ્તાર 25 લાખના ઈનામી નક્સલી કમાન્ડો હિડમાના ગામની નજીક છે. હિડમાને વર્ષ 2013માં બસ્તરમાં કોંગ્રેસી નેતાઓના હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણવામાં આવે છે. 

નક્સલીઓના જમાવડાની સૂચના મળતા બીજાપુરના તર્રેમથી 760, ઉસૂરથી 200, પામેડથી 195, સુકમાના મિનપાથી 483, નરસાપુરમથી 420 જવાનો ઓપરેશન માટે રવાના થયા હતા. 

10 જ દિવસમાં આ બીજો મોટો હુમલો છે. આ અગાઉ નારાયણપુરમાં 23 માર્ચના રોજ સુરક્ષાદળોની બસને નક્સલીઓએ નિશાન બનાવી હતી. જેમાં 5 જવાનો શહીદ થયા હતા. આઈઈડી બ્લાસ્ટ દ્વારા આ બસ પર હુમલો થયો હતો. બસના ફૂરચા ઉડી ગયા હતા. 

એક વર્ષ પહેલા પણ સુકમામાં ઘટી હતી ઘટના
21 માર્ચ 2020ના રોજ નક્સલીઓએ સુકમામાં મોટા  હુમલાને અંજામ આપ્યો હ તો. તે હુમલામાં 17 જવાન શહીદ થયા હતા. આ ઘટના સુકમા ચિંતાગુફા વિસ્તારમાં તે સમયે થઈ હતી જ્યારે ડીઆરજી અને એસટીએફના જવાનો સર્ચિંગ પર હતા. સુરક્ષાદળોને એલમાગુંડાની આસપાસના વિસ્તારમાં નક્સલીઓની હાજરીની સૂચના મળી હતી. આવામાં કોરજાગુડા પહાડીઓ પાસે છૂપાયેલા નક્સલીઓએ ચારેબાજુથી જવાનો પર ગોળીઓ વરસાવવા માંડી. ત્યારબાદ જવાનોએ પણ જવાબી હુમલો કર્યો. પરંતુ નક્સલીઓ તક સાંધી જંગલમાં ભાગી ગયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news