મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાએ નવા મુખ્ય ન્યાયાધિશ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈના નામની ભલામણ કરી
સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયાધિશ રંજન ગોગોઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધિશ બનવા જઈ રહ્યા છે, તેમના નામની ભલામણ મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા દ્વારા સરકારને કરવામાં આવી છે
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયાધિશ રંજન ગોગોઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધિશ બનવા જઈ રહ્યા છે, તેમના નામની ભલામણ મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા દ્વારા સરકારને કરવામાં આવી છે.
ભારતમાં એ પરંપરા છે કે, નિવૃત્તિ પહેલાં ભારતના મુખ્ય ન્યાયાધિશ કેન્દ્ર સરકારને તેમના અનુગામીના નામની ભલામણ કરે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા 2 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થવાના છે અને સિનિયોરીટી પ્રમાણે જસ્ટીસ ગોગોઈ તેમના અનુગામી છે.
સરકારી પ્રક્રિયા મુજબ કેન્દ્રીય કાયદા મંત્રી રવી શંકર પ્રસાદે ભારતના મુખ્ય ન્યાયધિશને પત્ર લખીને ગયા મહિને તેમના અનુગામીના નામની ભલામણ કરવા જણાવ્યું હતું.
જો આ ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો જસ્ટીસ ગોગોઈ 2 ઓક્ટોબરના રોજ ભારતના મુખ્ય ન્યાયધિશ પદે શપથ લેશે. તેઓ 17 નવેમ્બર, 2019ના રોજ નિવૃત્ત થવાના છે.
ઉલ્લેખનીય છે કે, ન્યાયાધિશ ગોગોઈ સુપ્રીમ કોર્ટના એ ચાર મુખ્ય સિનિયર ન્યાયાધિશમાંના એક છે, જેમણે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેસની રોસ્ટર પદ્ધતી અને બેન્ચોને ફાળવણી અંગે મુખ્ય ન્યાયાધિશ સામે મીડિયામાં સવાલો ઉઠાવ્યા હતા.
જસ્ટિસ ગોગોઈ સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 2001ના રોજ ગોહાટી હાઈકોર્ટમાં ન્યાયાધિશ તરીકે નિમણૂક પામ્યા હતા. ત્યાર બાદ તેઓ 12 ફેબ્રુઆરી, 2011ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ બન્યા હતા. એપ્રિલ, 2012માં તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે