'મારાથી ભૂલ થઈ ગઈ'...અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કેમ માંગવી પડી માફી? ખાસ જાણો શું છે મામલો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના આઈટી સેલ વિશે એક વીડિયો રિટ્વીટ કરવા મુદ્દે માફી માંગી છે. કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વીડિયોને રિટ્વીટ કરવા મામલે પોતાના અસીલ (અરવિંદ કેજરીવાલ)ની ભૂલ માની લીધી.
Trending Photos
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના આઈટી સેલ વિશે એક વીડિયો રિટ્વીટ કરવા મુદ્દે માફી માંગી છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું કે યુટ્યુબર ધ્રુવ રાઠીએ ભાજપના આઈટી સેલ વિશે જે વીડિયો શેર કર્યો હતો તેને રિટ્વીટ કર્યો તે તેમની ભૂલ હતી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે આ વીડિયોને રિટ્વીટ કરવા મુદ્દે દાખલ અપરાધિક માનહાનિ કેસમાં ઈશ્યુ થયેલા સમનને યથાવત રાખ્યું હતું. હાઈકોર્ટના ચુકાદાને પડકારતા કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે ભૂલ સ્વીકારે તો કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર હાલ રોક લગાવી દીધી છે.
સુપ્રીમના ખખડાવ્યા હતા દ્વાર
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર તત્તાની બેન્ચે ફરિયાદકર્તા વિકાસ સાંકૃત્યાયનને પૂછ્યું કે શું દિલ્હીના મુખ્યમંત્રી માફી માંગી લે તો તેઓ કેસ પાછો લઈ લેશે? સુપ્રીમ કોર્ટ બેન્ચે નીચલી કોર્ટને કેજરીવાલ સંબંધિત માનહાનિ કેસને 11 માર્ચ સુધી સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વીડિયોને રિટ્વીટ કરવા મામલે પોતાના અસીલ (અરવિંદ કેજરીવાલ)ની ભૂલ માની લીધી.
હાઈકોર્ટે લગાવી હતી ફટકાર
દિલ્હી હાઈકોર્ટે પોતાના 5 ફેબ્રુઆરીના ચુકાદામાં કહ્યું હતું કે કથિત રીતે માનહાનિકારક વીડિયોને શેર કરવો એ માનહાનિ કાયદાનો ભંગ ગણાશે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૂરી જાણકારી વગર વીડિયો રિટ્વીટ કરવાનો અર્થ શું હો છે તે તો સમજવું જ પડશે. તેમણે કહ્યું કે માનહાનિકારક કન્ટેન્ટ રિટ્વીટ કરવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
શું છે મામલો
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો 2018નો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધ્રુવ રાઠીએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ત્યારે ટ્વિટર) પર રીટ્વીટ કર્યો હતો. સોશિયલ મીડિયા પેજ આઈ સપોર્ટ નરેન્દ્ર મોદીના ફાઉન્ડર વિકાસ સંકૃત્યાયને કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે રાઠીએ એક વીડિયોમાં તેમના પર અપમાનજનક આરોપ લગાવ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રીએ તથ્યો ચકાસ્યા વગર જ વીડિયો શેર કર્યો હતો. વિકાસે કહ્યું કે તેનાથી તેમની છબી ખરડાઈ. નીચલી કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ તેને માનહાનિકારક ગણતા કેજરીવાલને સમન પાઠવ્યું હતું. કેજરીવાલ સમન વિરુદધ સેશન્સ કોર્ટમાં ગયા પરંતુ તેમની માંગણી ફગાવી દેવામાં આવી. ત્યારબાદ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં હાઈકોર્ટથી પણ દિલ્હીના મુખ્યમંત્રીને નિરાશા સાંપડી હતી. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું હતું કે અપમાનજનક સામગ્રીને રિટ્વીટ કરવી એ આઈપીસીની કલમ 499 હેઠળ ગુનો બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે