મિત્રતાના દાવાની ખુલી પોલ, પ્રથમ પરીક્ષામાં જ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન 'ફેલ'
25મી મેના રોજ શુક્રવારે વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસની સરકારે બહુમત મેળવી લીધો. આ અવસરે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન પૂરા પાંચ વર્ષ ચાલશે. અમે લોકોની ગઠબંધનની સરકાર અંગેની અત્યાર સુધીની ધારણાઓને બદલી નાખીશું.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણીના પરિણામો સામે આવ્યાં બાદ કોંગ્રેસ અને જેડીએસએ એકસાથે આવવા માટે મજબુર થવું પડ્યું. કોંગ્રેસ 78 બેઠકો જીતવા છતાં 38 બેઠકો જીતનારી જેડીએસને સીએમ પદ આપવા માટે રાજી થઈ ગઈ. 25મી મેના રોજ શુક્રવારે વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસની સરકારે બહુમત પણ મેળવી લીધો. આ અવસરે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન પૂરા પાંચ વર્ષ ચાલશે. અમે લોકોની ગઠબંધનની સરકાર અંગેની અત્યાર સુધીની ધારણાઓને બદલી નાખીશું. પરંતુ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેના ગઠબંધનની પહેલી પરીક્ષામાં જ આ દોસ્તી કસોટી પર ખરી ઉતરી નહીં.
28મી મેના રોજ રાજરાજેશ્વરી નગર સીટ માટે થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ આમને સામને હશે. હકીકતમાં કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. પરંતુ ચૂંટણીમાં 222 બેઠકો માટે જ મતદાન થયું હતું. રાજરાજેશ્વરીનગર સીટ અને જયનગર સીટ પર ચૂંટણી સ્થગિત કરાઈ હતી. જેમાં જયનગર સીટ પર ચૂંટણી ભાજપના ઉમેદવારના મોતના કારણે સ્થગિત થઈ હતી જ્યારે રાજરાજેશ્વરી નગર સીટ પર બનાવટી મતપત્ર મળવાની ફરિયાદના કારણે ચૂંટણી ટળી હતી. હવે આ સીટ માટે 28મી મેના રોજ મતદાન છે.
આ ગઠબંધનની જાહેરાત થયા બાદથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે આ બેઠક પર કોણ પીછેહટ કરશે. ચૂંટણીમાં ગણતરીના કલાકો બાકી છે. સીટ પર કોંગ્રેસ અને જેડીએસના ઉમેદવારો એકબીજા વિરુદ્ધ તાલ ઠોકી રહ્યાં છે. આવામાં સીટ માટેની લડાઈ રસપ્રદ બની છે. બંને પક્ષોના નેતાઓ કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. આ અગાઉ એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ હવે તમામ ચૂંટણીઓ મળીને લડશે. પરંતુ તેમના આ દાવાની પણ પોલ ખુલી ગઈ છે. આરઆર નગર સીટ પર બંને અલગ અલગ ચૂંટણી લડી રહ્યાં છે.
જો કે જેડીએસએ જયનગર બેઠક પર બાદમાં થનારી ચૂંટણી માટે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. પરંતુ આરઆરમાં કોકડું ગુંચવાયુ છે. અહીં જેડીએસ ઈચ્છતી હતી કે તેમના ઉમેદવાર જીએસ રામચંદ્રને કોંગ્રેસ સમર્થન આપે. પરંતુ એમ બન્યું નહીં. કારણ કે અહીંથી વર્તમાન ધારાસભ્ય મુનિરાથન કોંગ્રેસના જ છે. આથી કોંગ્રેસે જેડીએસની આ ઓફર ફગાવી દીધી.
આ અગાઉ જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાએ આરઆર નગર સીટના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આ અંગે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ આ અંગે કોઈ પણ સમજૂતિ પર પહોંચી નહીં. તેમણે કહ્યું કે આવું ફક્ત એક જ વ્યક્તિના કારણે થયું. તેમનો ઈશારો કોંગ્રેસના ઉમેદવાર તરફ હતો. તેમણે કહ્યું કે આ મુદ્દે તેઓ વધુ કશું કહેવા માંગતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે