Corona: દેશના અનેક રાજ્યોમાં ઓમિક્રોનનું કમ્યુનિટી સ્પ્રેડ, હજુ વધશે કેસ!, તજજ્ઞોએ વ્યક્ત કરી ચિંતા
કોરોના વાયરસને લઈને મોટાભાગના લોકોમાં એવી ધારણા બંધાઈ ગઈ છે કે હવે તેના નવા નવા વેરિએન્ટથી જરાય ગભરાવવાની જરૂર નથી. કેટલાક લોકો તો એમ પણ માને છે કે કોરોના હવે ખતમ થઈ ગયો છે. જો કે આ ખોટું છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને મોટાભાગના લોકોમાં એવી ધારણા બંધાઈ ગઈ છે કે હવે તેના નવા નવા વેરિએન્ટથી જરાય ગભરાવવાની જરૂર નથી. કેટલાક લોકો તો એમ પણ માને છે કે કોરોના હવે ખતમ થઈ ગયો છે. જો કે આ ખોટું છે. કારણ કે દેશમાં હજુ પણ દૈનિક 3 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આવનારા દિવસમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કેસ ઝડપથી વધી શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોરોનાને લઈને એક નવી ચેતવણી બહાર પાડી છે. WHO નું કહેવું છે કે કોરનાનો આ ઓમિક્રોન વેરિએન્ટ છેલ્લો નથી. BA.2 જેવા વધુ સ્ટ્રેન ભવિષ્યમાં જોવા મળી શકે છે. ભારત માટે ચિંતાની વાત એ છે કે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ હવે કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચી ગયો છે. તેનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ, સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર કે સંક્રમિત જગ્યા પર ગયા વગર પણ કોરોના પોઝિટિવ થઈ શકે છે.
આ સમયે પીક પર હશે લહેર
IIT મદ્રાસના એક સ્ટડી મુજબ ભારતમાં 6 ફેબ્રુઆરી સુધીમાં કોરોના વાયરસ પીક પર હશે. એટલે કે આગામી 2 અઠવાડિયા 6 ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના કેસ સૌથી વધુ હશે. સ્ટડીમાં કહેવાયું છે કે કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાનો દર બતાવનારી 'આર વેલ્યૂ' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે વધુ ઓછી થઈને 1.57 થઈ ગઈ. આર વેલ્યૂ જણાવે છે કે એક વ્યક્તિ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. જો આ દર એક કરતા નીચે જાય તો એવું માનવામાં આવે છે કે વૈશ્વિક મહામારીનો અંત આવી ગયો છે.
ટેસ્ટ દ્વારા બધા વેરિએન્ટને પકડવા મુશ્કેલ
બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ પ્રોફેસર સુનિત સિંહનું આ મામલે કહેવું છે કે કોરોનાના નવા વેરિએન્ટ્સ ચિંતાનો વિષય છે. ઓમિક્રોનના જે નવા સબ વેરિએન્ટ સામે આવ્યા છે. તેમને ટેસ્ટ દ્વારા પકડવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે કોરોનાના સબ વેરિએન્ટ્સની જાણકારી જીનોમ સિક્વેન્સિગના માધ્યમથી મેળવી શકાય છે. પરંતુ જ્યાં સુધી જીનોમ સિક્વેન્સિંગના પરિણામ આવે ત્યાં સુધીમાં તો તે ઘણા લોકોને સંક્રમિત કરી ચૂક્યો હોય છે એટલે કે સંક્રમણની સ્પીડ ખુબ વધી થઈ ચૂકી હોય છે.
ગત સપ્તાહે દૈનિક કેસોમાં 150 ટકા સુધીનો વધારો
કોરોનાનો પીક ભલે અનેક લોકો માટે ચિંતાની વાત ન હોય પરંતુ વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશનથી વેરિએન્ટ કેટલો જોખમી બની શકે છે તેને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન ચિંતિત છે. WHO એ કહ્યું કે ભારતમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસોના કારણે જ દક્ષિણ-પૂર્વ એશિયામાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. WHO ના જણાવ્યાં મુજબ ગત એક સપ્તાહની અંદર ભારતમાં કોવિડના કેસની સંખ્યામાં 150 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. 23 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહમાં કોરોનાના 15,94,160 નવા કેસ નોંધાયા. જ્યારે તેના પહેલાના સપ્તાહનો આ આંકડો 6,38,872 હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા INSACOG એ સ્પષ્ટપણે કહ્યું કે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કમ્યુનિટી સ્પ્રેડ થઈ ચૂક્યું છે અને દેશના અનેક શહેરોમાં પણ ઓમિક્રોનના કેસ વધશે. અત્રે જણાવવાનું કે ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના નવા 3,06,064 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી એક દિવસમાં 439 લોકોએ જીવ ગુમાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે