રામનગરીમાં ત્રેતા યુગ જેવી દિવાળીની તૈયારી, સરયુ કાંઠે 21 લાખ દીવડાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

દીપોત્સવની સાથે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ પણ પૂરજોરમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ થનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં નિર્ધારિત કામો પૂરા કરવામાં આવી રહ્યા છે. 

રામનગરીમાં ત્રેતા યુગ જેવી દિવાળીની તૈયારી, સરયુ કાંઠે 21 લાખ દીવડાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

અયોધ્યાઃ અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરના લોકાર્પણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભગવાન રામની આ નગરીમાં આ વખતે દિવાળીની રોનક સૌથી અલગ હશે. સરયુ નદીના ઘાટ પર લાખોની સંખ્યામાં દીવડાનો નવો વિશ્વવિક્રમ રચાશે. આ માટે 25 હજાર સ્વયંસેવકો કામે લાગ્યા છે. સમગ્ર અયોધ્યાને રોશનીથી શણગારવામાં આવી છે. કેવી છે અયોધ્યામાં દિપોત્સવની તૈયારીઓ, જોઈએ આ અહેવાલમાં.

દિવાળી અને અયોધ્યા એકબીજાનો પર્યાય છે...ત્રેતા યુગમાં લંકા પર વિજય મેળવીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા, ત્યારે અયોધ્યાવાસીઓએ દીપક પ્રજવલિત કરીને તેમનું સ્વાગત કર્યું હતું. અયોધ્યાનો ઉજાસ સમય જતાં દિવાળી રૂપે દુનિયાભરમાં ફેલાયો.

છેલ્લા 6 વર્ષથી ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરે છે. આ વર્ષે સાતમો દીપોત્સવ સૌથી ખાસ હશે. 2022માં દિવાળી પર અયોધ્યામાં 15 લાખ 76 હજાર દિવા પ્રજવલિત કરાયા હતા. ત્યારે આ વર્ષે સરયુ નદીના 51 ઘાટ પર એક સાથે 21 લાખ દીવડા પ્રજવલિત કરવાનો નવો રેકોર્ડ સ્થાપિત થશે. એક સમયે એક સાથે 21 લાખ દિવા પ્રજવલિત જોઈ શકાય તે માટે કુલ 24 લાખ દીવા પ્રજવલિત કરાશે. દીવડાના આ આંકડાનો ઉલ્લેખ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે. આ સમગ્ર કામગીરીની જવાબદારી 25 હજાર વોલન્ટિયરને સોંપાઈ છે. તેઓ દિવડા પ્રજવલિત કરવા એક લાખ લીટર સરસવના તેલનો ઉપયોગ કરશે. 

આટલું જ નહીં, ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ સરયુના ઘાટ પર પ્રજવલિત દીવડાની વચ્ચે રામ મંદિર અને શ્રી રામની આકૃતિ પણ તૈયાર કરશે. જો કે સરયુના જે ઘાટ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યાં તેલ વિનાના દિવડા પ્રજવલિત કરાશે.

11મી નવેમ્બરના દિપોત્સવ માટે 8 નવેમ્બરથી વોલન્ટિયર્સ ઘાટ પર દિવડા સજાવવાનું કામ કરી દેશે. 10મી તારીખ સુધી દીવડામાં તેલ ભરી દેવાશે. ગ્રીન આતશબાજી અને લેઝર શો થી સરયૂના તટની રોનક કંઈક ઓર હશે. અયોધ્યામાં વહીવટી તંત્ર અત્યારે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં કામ લાગ્યું છે. માર્ગો, ઘાટ, કુંડ, મઠ અને મંદિરો પર રંગબેરંગી લાઈટિંગનો ઝગમગાટ જોઈ શકાય છે. રામનગરીને ત્રેતા યુગ જેવો શણગાર કરાયો છે. 

અયોધ્યામાં આ વખતના દિપોત્સવના અન્ય આકર્ષણો પર નજર કરીએ તો અહીં વિશ્વની સૌથી મોટી સ્ક્રીન પર લેઝર શૉનું આયોજન કરાશે. સરયુની જલધારામાં વોટર લાઈટિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. દીપોત્સવમાં જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઝલક જોવા મળશે. રામકથા પર આધારિત 7 ઝાંખીઓ પણ તૈયાર કરાઈ છે. અયોધ્યામાં કુલ 18 ઝાંખીઓની શોભાયાત્રા નીકળશે, જે રામકથા પાર્ક સુધી જશે. 22 રાજ્યોના 1500 લોકકલાકારો રામકથા રજૂ કરશે. રશિયા, શ્રીલંકા અને નેપાળના 300 કલાકારો અહીં પહોંચશે. વિશાળ એલઈડી સ્ક્રીનને પાંચ વર્ષ માટે જાળવી રાખવામાં આવશે.

હવે જાન્યુઆરી સુધી દેશમાં અયોધ્યા ચર્ચામાં રહેશે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2024ના દીપોત્સવની ભવ્યતાનો અંદાજ માંડી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news