ગુજરાતના આ 2 ગામડા સહિત ભારતના આ 10 ગામડાની આન, બાન, શાન...શહેરોને પણ પછાડે દે
દેશના ગામડા સમૃદ્ધિના નવા રસ્તે નીકળી પડ્યા છે અને દુનિયાનું સૌથી અમીર ગામડું તો આપણા ગુજરાતમાં જ છે. ગામમાં શાળા, મેડિકલ સહિત દરેક સુવિધાઓ છે. જે એક મહાનગરમાં મળતી હોય છે.
Trending Photos
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 649,481 ગામ છે. દેશની હાલત પણ ગામની સ્થિતિ પર નિર્ભર કરે છે. દેશની આ નિર્ભરતાને આશાનું કિરણ દેખાડતા કેટલાક ગામ છે જે પોતાની મહેનત, ક્રિએટિવિટી, અને ઉત્સાહથી દેશના શહેરોનું ઘણું શીખવાડી શકે છે. જેમાં ગુજરાતના પણ બે ગામડા સામેલ છે. આ કઈક એવા ગામડા જેમાંથી કોઈ ગામડું પૈસે ટકે સદ્ધર છે તો ક્યાંકના રિવાજો કઈક અલગ જ છે.
દુનિયાનું સૌથી ધનિક ગામડું
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું માધાપર નામનું ગામ બેંકમાં થાપણો જમા કરાવવાના મામલે દુનિયામાં સૌથી અમીર ગામડાઓમાંથી એક છે. લગભગ 7600 ઘરોવાળા માધાપરમાં 17 જેટલી તો બેંકો છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ તમામ બેંકોમાં 92000 લોકોની આશરે 5000 કરોડ જેટલી થાપણ છે. માઘાપર કચ્છના મિસ્ત્રીઓ દ્વારા વસાવવામાં આવેલા 18 ગામોમાંથી એક છે. ગામની બેંકમાં સરેરાશ પ્રતિ વ્યક્તિ જમા રકમ લગભગ 15 લાખ રૂપિયા જેટલી છે.
આ ગામમાં દરવાજા નથી
મહારાષ્ટ્રના અહમદનગરમાં શનિ શિંગણાપુર નામનું એક નાનકડું ગામ છે. આ ગામ એ વાત માટે પણ પ્રસિદ્ધ છે કે આખા ગામમાં કોઈ પણ ઘરમાં દરવાજા નથી અને આમ છતાં ગામમાં ચોરી થતી નથી. ગામમાં રાષ્ટ્રીયકૃત યુકો બેંકની શાખાના દરવાજા ઉપર પણ તાળા નથી મારવામાં આવતા. એવી માન્યતા છે કે શનિદેવ દ્વારા સુરક્ષિત ગામમાં ચોર ચોરી કરતા નથી અને જો કોઈ પણ ચોરીનો પ્રયત્ન કરે તો તેને દંડ અવશ્ય મળે છે.
સાબરકાંઠાનું આ ગામ
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું પુંસરી ગામ પણ પ્રખ્યાત છે. જે વાઈફાઈથી લેસ છે. પાકા રસ્તાથી લેસ પુંસરી ગામ પંચાયત કોમ્પ્યુટરાઈઝડ છે. ગામમાં ઠેર ઠેર સ્પીકરો લાગેલા છે જેનાથી લોકોને જરૂરી સૂચના, ભજન અને જાહેરાતો સરળતાથી પહોંચી શકે. પુંસરી ગામમાં અટલ એક્સપ્રેસ નામની બસ સેવા પણ છે. ખાસ કરીને મહિલાઓ માટે બસ સેવાની સુવિધા અપાઈ છે. આ સાથે જ પુંસરીના બાળકો માટે પણ સ્કૂલ જવા માટે બસની વ્યવસ્થા કરાઈ છે.
હિવરે બજાર, અહમદનગર
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં વસેલું હિવરે બજાર ગામના લોકોએ પોતાનું ભાગ્ય પોતે જાતે લખ્યું છે. એક સમયે ગરીબી અને દુકાળ સામે ઝઝૂમી રહેલા હિવરે બજારને હવે કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે. 1200થી વધુ વસ્તીવાળા આ ગામમાં લગભગ 80 પરિવાર કરોડપતિ છે. આ ગામમાં હવે હરિયાળી અને પાણીની કોઈ કમી નથી. દૂર દૂરથી લોકો આ ગામની પ્રગતિ જોવા માટે આવે છે.
બધુવાર ગામ, નરસિંહપુર
મધ્ય પ્રદેશના નરસિંહપુરનું ગામ બધુવાર ગ્રામ સ્વરાજનું ઉત્તમ ઉદાહરણ છે. બધુવાર એક મોર્ડન ગામ છે જે એક વિક્સિત શહેર જેવું છે. બધુવારને જોઈને તમને એવું લાગશે કે તમે કોઈ કામમાં નહીં પરંતુ કોઈ પાર્કમાં છો. ચારેબાજુ હરિયાળી છે, ચમચમાતી સીમેન્ટની સડકો, ઘરે ઘરે ગોબર ગેસ, 100 ટકા વોટર હાર્વેસ્ટિંગ, મિની ઈનડોર સ્ટેડિયમ અને સ્વિમિંગ પૂલ ગામના વિકાસની ગાથા જણાવે છે. ગામમાં દરેક બાળક સ્કૂલે જાય છે.
મત્તુર કર્ણાટક
કર્ણાટકના શિમોગા જિલ્લામાં મત્તુર નામનું ગામ છે. જ્યાંની વસ્તી 5000 જેટલી છે. દરેક વ્યક્તિ સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે. મત્તુરના બાળકો, વૃદ્ધો, યુવાઓથી લઈને મહિલાઓ સુદ્ધા તમામ સંસ્કૃતમાં વાત કરે છે. બેંગ્લુરુથી લગભગ 320 કિમી દૂરઆવેલા આ મત્તુર ગામના શ્રીનિધિ કહે છે કે આ ગામની બોલચાલની ભાષા જ સંસ્કૃત છે.
માવલ્યાનોંગ- એશિયાનું સૌથી સ્વચ્છ ગામ
ભારત-બાંગ્લાદેશ બોર્ડરથી 90 કિમી દૂર આવેલું મેઘાલયનું માવલ્યાનોંગ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. આ ગામની સાક્ષરતા 100 ટકા છે. આ ગામમાં મોટાભાગે લોકો ફક્ત અંગ્રેજીમાં વાત કરે છે. ગામને આંતરરાષ્ટ્રીય સ્તર પર એશિયાના સૌથી સ્વચ્છ ગામનો પુરસ્કાર મળેલો છે. ટુરિસ્ટ માટે ગામમાં વોટરફોલ, લિવિંગ રૂટ બ્રિજ (ઝાડના મૂળિયાથી બનેલો બ્રિજ) અને બેલેસિંગ રોક્સ પણ છે.
પિપ્લાંત્રી ગામ
રાજસ્થાનનું પિપ્લાંત્રી ગામ પુત્રીના જન્મ પર ખુશીઓ ઉજવે છે. આ ગામમાં જ્યારે કોઈના ઘરે પુત્રી જન્મે છે ત્યારે માતા પિતા 111 ઝાડ લગાવીને પુત્રી જન્મની ખુશીઓ મનાવે છે. ગામમાં લોકો ફાળો ભેગો કરીને 21000 રૂપિયા જમા કરી બાળકીના નામે બેંકમાં જમા કરાવે છે. પુત્રી જન્મ થાય તો ગ્રામ પંચાયત તરફથી પણ 10,000 ની રકમ પુત્રીના નામે જમા કરાવવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત પિપ્લાંત્રી ગામના પૂર્વ સરપંચ શ્યામ સુંદર પાલીવાલે પુત્રીની યાદમાં શરૂ કરી હતી.
જોડકા બાળકોનું ગામ
દુનિયામાં 7 લોકો બિલકુલ એકજેવી શકલના જન્મ છે એવું કહેવાય છે. પરંતુ જો તમે કેરળના કોદિન્હી ગામમાં હોવ તો તમને એક જેવા બે લોકો મળી જશે. કેરળના આ ગામની ખાસિયત એ છે કે આ ગામમાં જોડકા બાળકો વધુ જોવા મળે છે. કેરળના કોદિન્હી ગામમાં જો 1000 મહિલાઓ માતા બને તો તેમાંથી 45 જોડકા બાળકો હોય છે. આંતરરાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ 700 ટકા વધુ છે. હાલ કોદિન્હીમાં 2000 પરિવારમાં 220થી વધુ જોડ઼કા બાળકો છે.
આત્મનિર્ભર ગામ
બિહારના જહાનાબાદ જિલ્લામાં બોધગયા પાસે આવેલા ધરનાઈ ગામમાં થોડા સમય પહેલા વીજળી નહતી. ત્યારબાદ ગામવાળાઓએ હાથમાં કમાન લીધી અને ગ્રીનપીસની મદદથી એક સોલર પાવર્ડ માઈક્રો ગ્રિડની સ્થાપના કરી. ગામના 450 ઘર અને 50 કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને 24 કલાક વીજળી મળવા લાગી. ગામમાં લગભગ 2400 લોકો છે. જે ઉર્જાની જરૂરિયાતો મામલે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે. ગામડાના બાળકોએ અભ્યાસ માટે હવે દિવસ ઉગવાની રાહ જોવી પડતી નથી. ગામડામા રસ્તાઓ પર પૂરતી રોશની પણ છે. જેના કારણે મહિલાઓ રાતે પણ ઘરની બહાર નીકળી શકે છે.
પાતાળકોટ ગામ
મધ્ય પ્રદેશના છિંદવાડામાં આવેલા સતપુડાની પહાડીઓથી ઘેરાયેલા પાતાળકોટ ગામને સાચા અર્થમાં આત્મનિર્ભર ગામ કહી શકાય. લોકો જીવન જીવવા માટે દરેક વસ્તુ પોતે જ વાવે છે. ગામમાં આદિવાસી જનજાતિ ભરિયાના લોકો રહે છે. કેટલાય વર્ષોથી તેમના જીવવવાનો એક અલગ તરીકો છે અને તેઓ બજારમાંથી કશું ખરીદતા નથી. હાલમાં જ આ ગામ વિશે દુનિયાને જાણવા મળ્યું છે. ગાઢ જંગલો વચ્ચે આ ગામ થોડા સમય સુધી ભારતના નક્શામાં પણ ઓળખી શકાતું નહતું.
માધોપટ્ટી
યુપીના જૌનપુરના સિકોની બ્લોકમાં માધોપટ્ટી ગામમાં ફક્ત IAS-IPS જ જન્મે છે એવું કહી શકાય. 75 ઘરવાળા આ ગામના 47 આઈએએસ ઓફિસરો દેશના અલગ અલગ રાજ્યોમાં સેવા આપે છે. આ ગામના કેટલાક લોકો વૈજ્ઞાનિક તો કેટલાક લોકો ભાભા અને વિશ્વ બેંક સુદ્ધામાં કામ કરે છે. વર્ષ 1914માં આ ગામના મુસ્તફ હુસૈન પીસીએસ અધિકારી પસંદ થયા હતા. તેના 38 વર્ષ બાદ વર્ષ 1952માં ઈન્દુ પ્રકાશ સિંહનું આઈએફએસમાં સિલેક્શન થયું. ત્યારબાદ તો આ ગામમાં અધિકારી બનવા માટે લાઈન લાગવા લાગી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે