Election 2022: ઉત્તર પ્રદેશની 59 અને પંજાબની 117 સીટો પર મતદાન પૂર્ણ

પંજાબમાં તમામ 117 અને ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. 

Election 2022: ઉત્તર પ્રદેશની 59 અને પંજાબની 117 સીટો પર મતદાન પૂર્ણ

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની તમામ 117 અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં રાજ્યના 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે છ કલાકે આ બંને રાજ્યમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે પંજાબમાં સાંજે પાંચ કલાક સુધી 63.44 ટકા મતદાન થયું છે. તો ઉત્તર પ્રદેશમાં સાંજે 6 કલાક સુધી 58.52 ટકા મતદાન થયું છે. અત્યાર સુધી સૌથી વધુ મતદાન યુપીના લલિતપુરમાં થયું, જ્યાં 67.37 ટકા લોકોએ મતદાન કર્યું છે. ઘણી જગ્યાએ મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી. તો બપોર બાદ ઘણા લોકો મત આપવા પહોંચ્યા હતા. બંને રાજ્યોમાં છેલ્લે કેટલા ટકા મતદાન નોંધાયુ તેના સત્તાવાર આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે. 

પંજાબ અને ઉત્તર પ્રદેશમાં બપોરે ત્રણ કલાક સુધી 49.31 ટકા મતદાન થયું હતું. ભારતીય ચૂંટણી પંચે આ જાણકારી આપી હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 48.81 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પંજાબમાં રવિવારે બપોરે 3 વાગ્યા સુધી 49.81 ટકા મતદાન નોંધાયું હતું. આ પછી, મોટાભાગના સ્થળોએ મતદાનની ઝડપ વધી અને પછીના બે કલાકમાં આ આંકડો ઘણો પહોંચી ગયો. તમામ સ્થળોએ સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી.

ઉત્તર પ્રદેશમાં સાંજે છ કલાક સુધી થયેલા મતદાનના આંકડા
હાથરસઃ 60% મતદાન
કાનપુરઃ 53.82% મતદાન
ઔરૈયાઃ 57.42% મતદાન
ફરુખાબાદ: 57.01% મતદાન
હમીરપુર: 58.05% મતદાન
ઝાંસીઃ 57.52% મતદાન
જાલૌન: 59.93% મતદાન
કન્નૌજ: 60.20% મતદાન
લલિતપુરઃ 67.37% મતદાન
મહોબા: 64.47% મતદાન
મૈનપુરી: 61.51% મતદાન
ફિરોઝાબાદ: 57.35% મતદાન
ઈટાવાઃ 58.33% મતદાન
કાસગંજઃ 59.18% મતદાન
એટાઃ 63.58% મતદાન

પંજાબમાં આ દિગ્ગજો પર રહેશે બધાની નજર
પંજાબ વિધાનસભાની 117 સીટો પર કુલ 1304 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે, જેમાં 93 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. પંજાબમાં આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ-બસપા ગઠબંધન, ભાજપ-પીએલપી-શિઅદ (સંયુક્ત) અને વિવિધ કિસાન સંગઠનોની રાજનીતિક પાર્ટી સંયુક્ત સમાજ મોર્ચા વચ્ચે બહુકોણીય મુકાબલો છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ભગવંત માન, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પ્રકાશ સિંહ બાદલ, શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ સહિત મુખ્ય ચહેરા મેદાનમાં છે. 10 માર્ચે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news