Farmers Protest: ખેડૂતો 30 જાન્યુઆરીએ ઉજવશે સદ્ભાવના દિવસ, કરશે ઉપવાસ
ખેડૂત સંગઠનોના નેતાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતો 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર સદ્ભાવના દિનની ઉજવણી કરશે અને એક દિવસીય ઉપવાસ કરશે
Trending Photos
નવી દિલ્હી: ખેડૂત સંગઠનોના નેતાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતો 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર સદ્ભાવના દિનની ઉજવણી કરશે અને એક દિવસીય ઉપવાસ કરશે. ખેડૂત નેતાઓએ દિલ્હીની સિંઘુ સરહદ પર એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે સવારે 9 થી સાંજના 5 સુધી ઉપવાસ રાખવામાં આવશે. તેમણે દેશની જનતાને ખેડૂતો સાથે જોડાવાની અપીલ કરી.
ભાજપ પર સાધ્યું નિશાન
ખેડૂત નેતાઓએ કેન્દ્રમાં શાસક ભાજપને પણ નિશાન સાધ્યું અને આક્ષેપ કર્યો હતો કે કૃષિ કાયદાઓ વિરુદ્ધ 'શાંતિપૂર્ણ' આંદોલનને 'બરબાદ' કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'આ કિસાન આંદોલનને નષ્ટ કરવાનું શાસક ભાજપનું કાવતરું હવે સામે આવ્યું છે.' ખેડૂત નેતાઓએ એવો દાવો પણ કર્યો હતો કે પોલીસે ગુરુવારે રાત્રે ગાજીપુર સરહદ પરથી ખેડૂત નેતા રાકેશ ટીકેતને હટાવવાના કથિત પ્રયાસ બાદ તમામ પ્રમુખ પ્રદર્શન સ્થળો- ગાજીપુર, સિંઘુ અને ટીકરીમાં આંદોલનકારીઓની સંખ્યા વધી રહી છે.
સંગઠનોએ ખેડૂતોને દિલ્હીની સરહદોની મુલાકાત માટે એકત્રીત કરવાનું શરૂ કર્યું
ખેડૂત સંગઠનોએ શુક્રવારે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને દિલ્હીની સરહદો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે એકત્રીત કરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, શિરોમણી અકાલી દળ અને ઇનેલો જેવા રાજકીય પક્ષોએ પણ ખેડૂતોને ટેકો આપવાની ઘોષણા કરી. ખેડૂત આગેવાનોએ દાવો કર્યો હતો કે, જીંદ, હિસાર, ભિવાની અને રોહતક સહિત હરિયાણાના ઘણા ભાગોના ખેડૂતોએ કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં જોડાવા માટે દિલ્હીની સરહદો તરફ જવાનું શરૂ કર્યું છે. આ લોકોનું કહેવું છે કે ખેડૂત નેતાઓ સામે સરકારના પગલાથી તેમનું આંદોલન નબળું નહીં પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે