યાદગાર દિવસને આડે હવે ગણતરીના કલાકો બાકી, રામ મંદિરને ફૂલો અને લાઈટિંગનો શણગાર

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભરપૂર રોનક છે. રામ મંદિર રંગબેરંગી રોશનીથી જગમચી રહ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે.
 

યાદગાર દિવસને આડે હવે ગણતરીના કલાકો બાકી, રામ મંદિરને ફૂલો અને લાઈટિંગનો શણગાર

અયોધ્યાઃ અયોધ્યા નગરી આમ તો છેલ્લા ઘણા સમયથી રામમય બની ચૂકી છે, પણ પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલાં માહોલ અનોખો છે. રામ મંદિરને ફૂલો અને લાઈટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. આમંત્રિતો આવવાના શરૂ થઈ ગયા છે. સલામતી માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરાઈ છે.

એ ઘડી હવે દૂર નથી જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામલલાની પ્રતિમાના દર્શન આખી દુનિયા કરી ચૂકી છે, હવે પ્રતિમામાં પ્રાણ પૂરાય તેની રાહ જોવાઈ રહી છે. 

22 ડિસેમ્બર 2024ના રોજ દેશ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે...આ યાદગાર દિવસને આડે હવે ગણતરીના કલાકો બાકી છે... ત્યારે રામ મંદિર આ અવસર માટે તૈયાર છે. મંદિરને શિખરથી લઈને ભોંયતળિયા સુધી ફૂલથી શણગારવામાં આવ્યું છે...રંગબેરંગી ફૂલોથી મંદિરની સુંદરતામાં વધારો થયો છે...

મંદિરની અંદરના દ્રશ્યો પણ અદભૂત છે. સફેદ રંગના માર્બલ અને ફૂલોના સંગમથી મંદિર દીપી ઉઠ્યું છે. મંદિરમાં લાઈટિંગનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. દૂરથી જોતાં મંદિરનો નજારો અદભૂત લાગે છે.. પ્રાણ પ્રતિષ્ઠા સુધી મંદિરનું આ મનમોહક સ્વરૂપ જોઈ શકાશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 20, 2024

આ દ્રશ્યો રામ મંદિર પરિસરના મુખ્ય ગેટના છે. જ્યાં દિવાલો અને છતને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. યાત્રિકોથી વધુ પોલીસના જવાનો નજરે પડે છે. આ જ દરવાજામાંથી આમંત્રિકો સોમવારે મંદિર પરિસરમાં પ્રવેશ કરશે.

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં મંદિર પરિસરમાં જુદા જુદા અનુષ્ઠાન ચાલી રહ્યા છે, ત્યારે શનિવારે મંદિર માટે વાસ્તુ પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન રામલલાની પાલખી યાત્રા પણ યોજવામાં આવી..

આમંત્રિતોના અયોધ્યા પહોંચવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અભિનેત્રી કંગના રનૌત પણ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે દુનિયા માટે રામ મંદિરનું મહત્વ વેટિકન સિટી જેટલું હોવાનું ગણાવ્યું છે.
 
અયોધ્યાની સુરક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે...25 હજારથી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો તેમજ કમાન્ડો જમીન, આકાશ અને સરયૂ નદી પર બાજનજર રાખીને બેઠા છે.

રામ મંદિર પરિસરની સુરક્ષા માટે યુપી પોલીસે ડ્રોન અને એન્ટી ડ્રોન સિસ્ટમની મદદ લીધી છે...પોલીસે તૈયાર કરેલા ગરુડ નામના ડ્રોનની ખાસિયત એ છે કે તેનાથી લોકોને સંબોધન પણ કરી શકાય છે.

22મી જાન્યુઆરી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે.  તેઓ સવારે 10 વાગીને 25 મિનિટે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ 10.55 કલાકે રામજન્મભૂમિ મંદિર જશે. બપોરે 12 વાગીને 5 મિનિટે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા શરૂ થશે, જે 12 વાગીને 55 મિનિટ સુધી ચાલશે. આ અનુષ્ઠાનમાં હાજરી આપ્યા  બાદ પીએમ કાર્યક્રમ સ્થળે મંચ પર પહોંચશે. 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. બપોરે 2 વાગીને 10 મિનિટે પીએમ કુબેર ટીલા પરના શિવ મંદિરના દર્શન અને પૂજા કરશે. અઢી વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news