સરકારે કહ્યું - 'પ્રાઇવેટ કંપની પાસેથી ખરીદી લો VVPAT મશીન', ચૂંટણી પંચે કર્યો સ્પષ્ટ ઇનકાર
2019ની લોકસભાની ચૂંટણીમાં વીવીપીએટીની તંગી ન સર્જાય એ માટે સરકારે પ્રાઇવેટ કંપની પાસેથી ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : 2019ના વર્ષમાં થનાર લોકસભાની ચૂંટણીમાં વોટર વેરીફિએબલ પેપર ઓડિટ ટેલ (વીવીપીએટી)ની તંગી ન સર્જાય એ માટે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને એને પ્રાઇવેટ કંપની પાસેથી ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો જોકે ચૂંટણી પંચે સરકારના આ વિકલ્પને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે પ્રાઇવેટ કંપની પાસેથી વીવીપીએટી ખરીદવાનો કેન્દ્નનો વિકલ્પ યોગ્ય નથી અને આમ કરવાથી જનતાના વિશ્વાસને ઠેસ પહોંચી શકે છે. આ સંજોગોમાં વીવીપીએટીને એવી જ પબ્લિક કંપની બનાવશે જે એને પહેલાંથી બનાવી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર પ્રમાણે વીવીપીએટીને લગતી આ જાણકારીનો ખુલાસો જાહેરહિતની અરજી મારફતે થયો છે. 2016ના જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં કાયદા મંત્રાલય તરફથી આ મામલે ચૂંટણી પંચને ત્રણ કાગળ મોકલવામાં આ્વ્યા હતા. આના જવાબમાં 19 સપ્ટેમ્બર, 2016માં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ યોગ્ય નથી. પંચે સ્પષ્ટતા કરી છે કે પ્રાઇવેટ કંપનીને વીવીપીએટી જેવો ઇવીએમ મશીનના મહત્વનો હિસ્સો બનાવવાનું અત્યંત સંવેદનશીલ કાર્ય સોંપી ન શકાય.
ભારતમાં શરૂઆતથી જ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને વીવીપીએટી પબ્લિક સેક્ટરના યુનિટ એવા બેંગ્લુરુ ખાતેના ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) અને હૈદરાબાદ સ્થિત ઇલેકટ્રોનિક્સ ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઇસીઆઇએલ) દ્વારા બનાવવામાં આવે છે. ચૂંટણી પંચે વધારાના વીવીપીએટી યુનિટ આ કંપનીઓ પાસે જ બનાવાય એવી ડિમાન્ડ કરી છે. નોંધનીય છે કે 2013માં ચૂંટણી પંચે તમામ પોલ પેનલમાં વીવીપીએટીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય. હિમાચલ અને ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે આ નિર્દેશનું પાલન કરીને ઇવીએમ સાથે વીવીપીએટીનો ઉપયોગ કર્યો હતો. જોકે ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષે થયેલી બીજેપીની જીત પછી વીવીપીએટીની સત્યતા પર સવાલ ઉભા થયા છે. મળતી માહિતી પ્રમાણે 2019માં લોકસભાની ચૂંટણી માટે બીઇએલ અને ઇસીઆઇએલને લગભગ 14 લાખ વીવીપીએટી બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે