અત્યાર સુધીનો સૌથી ખતરનાક છે કોરોનાનો નવો વેરિયન્ટ? WHO એ 'Omicron' નામ આપી નવા વેરિઅન્ટ પર શું કહ્યું?

વિશ્વ હેલ્થ ઓર્ગનાઈજેશન ( (World Health Organisation))એ કોરોનાના નવા રૂપ B.1.1529 ને 'વેરિયન્ટ ઓફ કંસર્ન' જાહેર કર્યો છે.

Updated By: Nov 27, 2021, 07:36 AM IST
 અત્યાર સુધીનો સૌથી ખતરનાક છે કોરોનાનો નવો વેરિયન્ટ? WHO એ 'Omicron' નામ આપી નવા વેરિઅન્ટ પર શું કહ્યું?

નવી દિલ્હી: વિશ્વ હેલ્થ ઓર્ગનાઈજેશન ( (World Health Organisation))એ કોરોનાના નવા રૂપ B.1.1529 ને 'વેરિયન્ટ ઓફ કંસર્ન' જાહેર કર્યો છે. એટલું જ નહીં, WHOએ આફ્રિકાના બોત્સ્વાનામાં સૌ પ્રથમ જોવા મળેલા આ પ્રકારને Omicron નામ આપ્યું છે. WHOએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના પર ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની એક બેઠક યોજાઈ હતી. તેમાં કોરોનાના નવા વેરિયન્ટ B.1.1.529 વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન જૂથે વેરિઅન્ટને 'વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન' તરીકે જાહેર કરવાની સલાહ આપી હતી. કોરોનાના અન્ય પ્રકારોની જેમ WHOએ તેને 'ઓમિક્રોન' નામ આપ્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટના સમાચાર આવ્યા બાદ લોકોનું ટેન્શન ફરીથી વધી ગયું છે. તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રકારના વાયરસથી કેટલું જોખમ છે? હું આને કેવી રીતે ટાળી શકું? રસી કેટલી અસરકારક છે? આવા તમામ પ્રશ્નોના જવાબ AIIMSના ડૉ.નવીત વિગ દ્વારા આપવામાં આવ્યા છે. ડૉ. નવીત એઈમ્સ દિલ્હીમાં કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ પણ છે. તેમણે કહ્યું કે નવું વેરિઅન્ટ વધુ ટ્રાન્સમિસિબલ હોવાનું માનવામાં આવે છે. એટલે કે, તે વધુ ઝડપથી ફેલાય છે. તે રોગપ્રતિકારક શક્તિને હરાવવામાં પણ વધુ કાર્યક્ષમ છે. તેમણે જણાવ્યું છે કે, 'આપણે સમજવું પડશે કે નવા વેરિઅન્ટ્સ આવતા રહેશે. આવી સ્થિતિમાં, સાર્વત્રિક રસીકરણ એટલે કે તમામ લોકો માટે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નવીતે સ્પષ્ટપણે બૂસ્ટર ડોઝની જરૂરિયાત જણાવી છે. તેમણે જણાવ્યું છે કે મોટી ઉંમરના લોકો અને વિવિધ પ્રકારના દર્દીઓને બૂસ્ટર ડોઝની જરૂર પડશે. ઉપરાંત, તેમને તાત્કાલિક અધ્યયનની જરૂર પડશે. કેવી રીતે બૂસ્ટર ડોઝ રસીની અસરકારકતામાં વધારો કરે છે તે માટે નવીતે ઈઝરાયેલનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં બૂસ્ટર ડોઝ પછી રસીની અસરકારકતા 40 ટકાથી વધીને 93 ટકા થઈ ગઈ છે.

અગાઉ, સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિન AIIMSના ડૉ. સંજય રાયે જણાવ્યું હતું કે, આ એક કોરોનાનો નવો વેરિયન્ટ છે. હવે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવી પડશે. આ વિશે બારીકાઈથી જોવાની જરૂર છે. અત્યારે આપણને ખબર નથી કે તે કેટલી હદે સંક્રમણ ફેલાવે છે. જો કે, એવી સંભાવના છે કે તે તમારી હાલની રોગ પ્રતિકારણ શક્તિને બાયપાસ કરી શકે છે. જો એમ હોય તો તે ગંભીર બાબત છે.

આફ્રિકામાં પ્રથમ વખત મળ્યો વેરિયન્ટ્સ
કોરોનાના નવા વેરિયન્ટ  B.1.1529 24 નવેમ્બરના રોજ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. WHOએ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં B.1.1.1.529 વેરિઅન્ટ સામે આવ્યા બાદ સંક્રમણમાં ભારે વધારો થયો છે.

નવા વેરિઅન્ટ પર WHOએ શું કહ્યું?
- WHOએ કહ્યું, આ વેરિયન્ટમાં ઘણા મ્યુટેશન છે, જેમાંથી ઘણા ચિંતાજનક છે.
- પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વેરિઅન્ટને કારણે ચેપ ફરી વધી શકે છે.
- દક્ષિણ આફ્રિકાના લગભગ તમામ પ્રાંતોમાં આ પ્રકારના કેસો વધી રહ્યા છે.
- જો કે, વર્તમાન કોરોના (SARS-CoV-2)ના પરીક્ષણની પદ્ધતિ દ્વારા આ પ્રકારને શોધી શકાય છે.

અમેરિકા અને યુરોપિયન દેશોએ આફ્રિકાની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો
કોરોનાના નવા વેરિઅન્ટને લઈને આવી રહેલા સમાચારો વચ્ચે અમેરિકા અને યુરોપિયન દેશોએ દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં આફ્રિકા અને આસપાસના દેશોમાંથી આવતા પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, બાઈડન પ્રશાસને પણ સોમવારથી દક્ષિણ આફ્રિકાની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. કેનેડાએ પણ છેલ્લા 14 દિવસમાં આફ્રિકાથી આવનારા નાગરિકોની કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમણે ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube