ICRISAT 50th Anniversary:બદલાયેલા ભારતનું એક મહત્વપૂર્ણ પક્ષ છે ડિજિટલ એગ્રીકલ્ચર: પીએમ મોદી

દેશ અને ICRISAT માટે પણ આગામી 25 વર્ષનાં મહત્વને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ નવાં લક્ષ્યો અને તેના માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિને મદદ કરવામાં તેમના યોગદાન માટે ICRISATની પ્રશંસા કરી હતી. 

ICRISAT 50th Anniversary:બદલાયેલા ભારતનું એક મહત્વપૂર્ણ પક્ષ છે ડિજિટલ એગ્રીકલ્ચર: પીએમ મોદી

ICRISAT 50th Anniversary:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હૈદરાબાદના પાટનચેરુમાં ઈન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસની મુલાકાત લીધી હતી અને ICRISATની 50મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ICRISATની પ્લાન્ટ પ્રોટેક્શન પર ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ ફેસિલિટી અને ICRISATની રેપિડ જનરેશન એડવાન્સમેન્ટ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 

આ બે સુવિધાઓ એશિયા અને સબ-સહારન આફ્રિકાના નાના ખેડૂતોને સમર્પિત છે. પ્રધાનમંત્રીએ ICRISAT ના ખાસ ડિઝાઇન કરેલા લોગોનું પણ અનાવરણ કર્યું હતું અને આ પ્રસંગે જારી કરાયેલ સ્મારક સ્ટેમ્પનું પણ વિમોચન કર્યું હતું. તેલંગાણાનાં રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર અને જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ વસંત પંચમીના શુભ અવસરની નોંધ લીધી અને ICRISATને 50 વર્ષ પૂરાં થવા માટે અભિનંદન પાઠવ્યાં હતાં. દેશ અને ICRISAT માટે પણ આગામી 25 વર્ષનાં મહત્વને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ નવાં લક્ષ્યો અને તેના માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિને મદદ કરવામાં તેમના યોગદાન માટે ICRISATની પ્રશંસા કરી હતી. 

તેમણે પાણી અને જમીન વ્યવસ્થાપન, પાકની વિવિધતામાં સુધારો, ખેતીની વિવિધતા અને પશુધન એકીકરણમાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે ખેડૂતોને તેમનાં બજારોની સાથે એકીકૃત કરવા અને આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કઠોળ અને ચણાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના તેમના સર્વગ્રાહી અભિગમની પણ પ્રશંસા કરી હતી. “તમારા સંશોધન અને ટેકનોલોજીએ ખેતીને સરળ અને ટકાઉ બનાવવામાં મદદ કરી છે,”  એમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત એ લોકો છે જે ઓછા સંસાધનો સાથે વિકાસની અંતિમ પગથિયે છે. તેથી જ, પ્રધાનમંત્રીએ આબોહવા પરિવર્તન પર વિશેષ ધ્યાન આપવા માટે વિશ્વને ભારતની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓ પર્યાવરણ માટે જીવન-જીવનશૈલી; પી3- પ્રો પ્લેનેટ પીપલ મૂવમેન્ટ્સ અને 2070 સુધીમાં ભારતનાં નેટ શૂન્ય લક્ષ્ય વિશે વાત કરી હતી. “પ્રો પ્લેનેટ પીપલ એ એક ચળવળ છે જે દરેક સમુદાયને, દરેક વ્યક્તિને આબોહવા પડકારનો સામનો કરવા માટે આબોહવાની જવાબદારી સાથે જોડે છે. આ માત્ર શબ્દો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભારત સરકારના કાર્યોમાં પણ પ્રતિબિંબિત થાય છે.”

દેશના 15 એગ્રો-ક્લાઈમેટિક ઝોન્સ અને 6 ઋતુઓનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ભારતીય કૃષિના પ્રાચીન અનુભવનાં ઊંડાણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ધ્યાન દોર્યું કે ભારતનું ધ્યાન તેના ખેડૂતોને આબોહવા પડકારથી બચાવવા માટે 'બેક ટુ બેઝિક' અને 'માર્ચ ટુ ફ્યુચર' પર છે. "અમારું ધ્યાન અમારા 80 ટકાથી વધુ ખેડૂતો પર છે જેઓ નાના છે અને તેમને અમારી સૌથી વધુ જરૂર છે."

તેમણે બદલાતા ભારતનાં બીજા પરિમાણ- એટલે કે ડિજિટલ એગ્રિકલ્ચર નો ઉલ્લેખ કર્યો હતો જેને તેમણે ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રતિભાશાળી ભારતીય યુવાનો આમાં મોટો ફાળો આપી શકે છે. તેમણે પાકની આકારણી, જમીનના રેકોર્ડનું ડિજિટાઈઝેશન, ડ્રોન દ્વારા જંતુનાશકો અને પોષક તત્ત્વોનો છંટકાવ જેવા ક્ષેત્રોને સૂચિબદ્ધ કર્યા હતા જે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધતો ઉપયોગ જોઈ રહ્યા છે. "ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા માટે ભારતના પ્રયાસો અથાક રીતે વધી રહ્યા છે."

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે અમૃત કાળમાં ભારત ઉચ્ચ કૃષિ વૃદ્ધિની સાથે સમાવેશી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કૃષિ ક્ષેત્રની મહિલાઓને સ્વ-સહાય જૂથો દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. “કૃષિમાં વસ્તીના મોટા ભાગને ગરીબીમાંથી બહાર કાઢીને વધુ સારી જીવનશૈલી તરફ લઈ જવાની ક્ષમતા-સંભાવના છે. આ અમૃત કાળ ભૌગોલિક રીતે મુશ્કેલ વિસ્તારોના ખેડૂતોને નવા માધ્યમો પણ પૂરાં પાડશે," એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત બેવડી રણનીતિ પર કામ કરી રહ્યું છે. એક તરફ જળ સંરક્ષણ અને નદીઓનાં જોડાણ દ્વારા જમીનનો મોટો હિસ્સો સિંચાઈ હેઠળ લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ મર્યાદિત સિંચાઈ ધરાવતા વિસ્તારોમાં સૂક્ષ્મ સિંચાઈ દ્વારા પાણીના ઉપયોગની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટેનું રાષ્ટ્રીય મિશન ભારતના નવા અભિગમને દર્શાવે છે. આ મિશનનો હેતુ પામતેલનો વિસ્તાર 6 લાખ હેક્ટર સુધી વધારવાનો છે. "આનાથી ભારતીય ખેડૂતોને દરેક સ્તરે મદદ મળશે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે", એમ પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું. 

તેમણે 35 મિલિયન ટનની કોલ્ડ ચેઇન સ્ટોરેજ ક્ષમતા અને 1 લાખ કરોડ રૂપિયાના એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના જેવા પાક પછીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે લીધેલાં પગલાંની વિગતો પણ આપી હતી. ભારત એફપીઓ અને કૃષિ મૂલ્ય સાંકળની સ્થાપના પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. "અમે નાના ખેડૂતોને હજારો એફપીઓઝમાં સંગઠિત કરીને એક સતર્ક અને શક્તિશાળી બજાર દળ બનાવવા માગીએ છીએ."

પ્રધાનમંત્રીએ  કહ્યું કે ભારતનું લક્ષ્ય માત્ર ખાદ્યાન્ન ઉત્પાદનમાં વધારો કરવાનું જ નથી. વિશ્વના મોટા ખાદ્ય સુરક્ષા કાર્યક્રમમાંના એકને ચલાવવા માટે ભારત પાસે પૂરતું વધારાનું અનાજ છે. “અમે ખાદ્ય સુરક્ષા અને સાથે સાથે પોષણ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. આ વિઝન સાથે, અમે છેલ્લાં 7 વર્ષમાં ઘણી બાયો-ફોર્ટિફાઇડ જાતો વિકસાવી છે.”

ICRISAT એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે એશિયા અને સબ-સહારણ આફ્રિકામાં વિકાસ માટે કૃષિ સંશોધન કરે છે. તે ખેડૂતોને પાકની સુધારેલી અને વર્ણસંકર જાતો આપીને મદદ કરે છે અને સૂકી ભૂમિના નાના ખેડૂતોને આબોહવા પરિવર્તન સામે લડવામાં પણ મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news