જર્મનીની ઈરીના ભારત આવીને કેવી રીતે બની ગઈ 'મીરાંબાઈ', જાણો રસપ્રદ કહાની
જર્મનીથી ભારતના પ્રવાસે આવેલી યુવતી ઈરીનાને એવી કૃષ્ણ ધૂન લાગી અને તે આધુનિક યુગની મીરાબાઈ તરીકે ઓળખાવા લાગી. ઇરીનાએ સન્યાસી જીવન સ્વીકારી કૃષ્ણને અતિ પ્રિય એવી ગાયોની સેવામાં જીવન કર્યુ અર્પણ. ભારતમાં જન્મી અને મૃત્યુ પર્યાત જે જ્ઞાનને લોકો નથી મેળવી શકતા તે જ્ઞાન મેળવવા ઈરીનાએ ભારતમાં વસવાનો નિર્ણય કર્યો. ઇરીનાનાં સન્યાસી જીવનની શરૂઆતની કહાની પણ તેટલી જ રસપ્રદ છે. ભારત સરકાર પણ તેમની સમાજસેવા અને કૃષ્ણ ભક્તિથી પ્રભાવિત થઈ હતી. તો જાણે કેવી રહી ઈરીનાની ભારતમાં પ્રવાસીથી સન્યાસીની સફર.
Trending Photos
ક્રિતિકા જૈન, અમદાવાદઃ જર્મનીના બર્લિન શહેરમાં જન્મેલી ફ્રેડરિક ઈરીના બ્રુનિંગ 20 વર્ષની વયે જ્યારે ભારત ભ્રમણ માટે નીકળી ત્યારે તેણે સ્વપ્ને પણ નહતું વિચાર્યુ કે તે ભારતની જ થઈને રહી જશે. તેણે ક્યારેય નહતું વિચાર્યું કે તે ઈશ્વરની શોધમાં સન્યાસ લઈ ભારતમાં રહી બીમાર, વિકલાંગ ગાયોની સેવા કરી ગુજરાન ચલાવશે. આ મહિલા અન્ય કોઈ નહી પણ મથુરામાં રહી રાધાકુંડમાં સુરભિ ગૌસેવા નિકેતન ચલાવનારા પદ્મશ્રી સુદેવી દાસી છે જેમણે કૃષ્ણભક્તિમાં લીન થઈ સન્યાસ જીવન ધારણ કર્યું અને ત્યારબાદ વિકલાંગ, તરછોડાયેલી, બીમાર અને ઈજાગ્રસ્ત ગાયોની સેવા કરવાનું પાવન કાર્ય શરૂ કર્યું.
ભારતમાં ઈશ્વરને શોધવા નીકળેલા ઈરીનાની દુનિયા, તેમનો ધર્મ અને નામ પણ બદલાઈ ગયું. ઇરીનામાંથી હવે તેઓ સુદેવી દાસી બની ગયા. ગૌ સેવામાં જીવન સમર્પિત કરનાર સુદેવી દાસીને લોકો 'હજાર બછડોં કી મા' તરીકે પણ ઓળખે છે. સુદેવી દાસીને પણ આ નામથી ઓળખાવવું પસંદ છે. ભગવદગીતા, વેદાંત, ઉપનિષદનું જ્ઞાન પણ ધરાવે છે સુદેવી દાસી.
ઈરીનાથી સુદેવી દાસી બનવા સુધીનો માર્ગ રહ્યો કઠિન
આ રસપ્રદ અને પ્રેરણાદાયી વાત 1978ની છે જ્યારે જર્મનીની 20 વર્ષીય ફ્રેડરિક ઈરીના ભારત ફરવા માટે આવી. તે સમયે ફ્રેડરિક ઈરીનાના પિતા ભારતમાં જર્મનીના રાજદૂત હતા. ભારતના અનેક રાજ્યોમાં ફરતા-ફરતા ઈરીના કૃષ્ણજન્મભુમિ મથુરા વૃંદાવન પહોંચ્યા. ત્યાં તેમણે ઈજાગ્રસ્ત વાછરડાને રસ્તાની બાજુમાં કચરાની જેમ નાખી દીધેલી સ્થિતિમાં જોયા. વાછરડાની આવી સ્થિતી જોતા તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે વાછરડાની યોગ્ય સારવાર શરૂ કરી. કૃષ્ણ ભૂમિ મથુરામાં ઈરીનાને કૃષ્ણભક્તિની તો એવી ધુન લાગી કે તેમને પ્રભુ ભક્તિ અને ગાયોની સેવા કરવી જ જીવનનો ધ્યેય લાગ્યો અને આ રીતે ઇરિના સન્યાસ ધારણ કરી સુદેવી દાસી બન્યા. ભગવદગીતામાં જીવનનો સાર મળશે તેવી આશા સાથે ગીતાનું વાંચન શરૂ કર્યું. એક ગાયના લાલન-પાલનથી શરૂ કરી ગૌસેવાની સફર જે આજદિન સુધી અવિરત ચાલી રહી છે.
ઘર, સુખ-સુવિધા છોડનાર ઈરીનાના પરિજનો પણ રહી ગયા આશ્ચર્યચકિત
સામાન્યરીતે દરેક માતા-પિતા પોતાના બાળકોને સારુ શિક્ષણ આપવા પ્રયાસ કરતા રહે છે. તેવી જ રીતે સુદેવી દાસીના માતા-પિતા પણ ઈચ્છતા હતા કે સુદેવી દાસી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. પરંતુ જ્યારે માતા-પિતાને સુદેવી દાસીના નિર્ણય વિશે ખબર પડી ત્યારે તેમને ખુબ જ આઘાત લાગ્યો. સુદેવી દાસી તેમના નિર્ણયમાં અડીખમ હતા અને તેમની તો એક માત્ર ઈચ્છા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની હતી. ઈશ્વરના દર્શન કરવા માંગતા સુદેવી દાસીને મથુરામાં આવીને જ્ઞાન થયું કે ભારત એકમાત્ર ભુમિ છે જ્યાં તેમને ઈશ્વરીય જ્ઞાન મળશે. ભારતના વિવિધ શાસ્ત્રો અને ભગવદગીતમાં તેમને અતુટ વિશ્વાસ જાગ્યો. આજના સમયમાં લોકો રૂપિયા, ઘર, ગાડીની પાછળ ભાગતા હોય છે. પરંતુ ભગવાનને જાણવાનો, તેમને મળવાનો અને ખુદને ઓળખવાની ઈચ્છા ભાગ્યે જ લોકોમાં જોવા મળે છે. જે જ્ઞાન મેળવવા માંગે છે તે જ્ઞાન ઋષિમુનિઓના તપથી પાવન થયેલી ભારત દેશની ભૂમિમાં જ મળી શકે છે તે વાત સુદેવી દાસી સમજી ગયા હતા. આ રીતે આધુનિક યુગના મીરાબાઈ બની કૃષ્ણ ભક્તિ કરી ગૌ સેવાના ભગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.
માનવતાનું અદ્ભુત ઉદાહરણ આપતી ગૌશાળાની અનોખી પરંપરા
મથુરામાં રહી સુદેવી દાસી 3 એકર જમીનને ભાડે રાખી 2 હજારથી પણ વધુ ગાયોનું ભરણ-પોષણ કરી રહી છે. ગાયોની નિસ્વાર્થ સેવા માટે વર્ષ 2019માં સુદેવી દાસીને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરાયા. સુદેવી દાસીની ગૌશાળામાં 9 લોકો ગાયોની દેખરેખ સહિત ઈલાજનું કામ પણ કરે છે. ગૌશાળા કેટલીક પરંપરા એવી છે જે લોકોને માનવતાનો પાઠ શીખવે છે. જેમકે ગોશાળામાંથી દુધ ક્યારેય વેચવામાં નથી આવતું પરંતુ જ્યારે કોઈ ગાય મૃત્યુ પામે તો તેના વાછરડા માટે બહારથી દુધની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે ગર્ભવતી ગાય વાછરડાને જન્મ આપે ત્યારે 5 દિવસ પછી તે ગાયએ આપેલા દુધની ખીર બનાવવામાં આવે છે અને પ્રથમ ભોગ ગાયની સારસંભાળ રાખનાર વ્યક્તિને ધરવામાં આવે છે.
સુદેવી દાસીએ સમજાવ્યું મનુષ્ય અને અબોલ પશુઓ વચ્ચે અંતર
સુદેવી દાસીનું માનવું છે કે, મનુષ્ય જેમ ખાવા-પીવા માટે મહેનત કરે છે અને કમાય છે તેવી જ રીતે પશુઓ પણ ગુજરાન ચલાવવા મહેનત કરે જ છે. તો પછી મનુષ્ય અને જાનવરોમાં અતંર શું રહી જાય? સાચો માનવી એ જ છે જે અન્યની પીડા સમજે અને તેમની તકલીફને દુર કરે, જરૂરિયાતમંદની સહાય કરવી તે જ દરેક મનુષ્યનું કર્તવ્ય છે.
સુદેવી દાસી જીવનમાં નાસીપાસ તો થયા પરંતુ હાર્યા નહી
કેટલીય વખત સુદેવી દાસી જવાનીના સમયમાં નાસીપાસ પણ થયા. તેમને પાછા જર્મની જવાની
ઈચ્છા થઈ. કોઈપણ જગ્યાએ એક યુવતીએ એકલા રહેવું સરળ નથી અને એ પણ કોઈ અજાણ્યા દેશમાં જ્યાં કોઈની સાથે ઓળખાણ ન હોય. પંરતુ જેમ-જેમ સમય પસાર થયો ગયો તેમ સુદેવી દાસી અહીંની રીતભાતમાં ઢળી ગયા અને હવે શાંતિપૂર્ણ રીતે જીવન જીવી રહ્યા છે. સુદેવી દાસીનું માનવું છે કે, વ્રજ ભૂમિ ભગવાનની ધરતી છે. આ ધરતી પર અદ્રશ્ય શક્તિ છે જે આ ધરતીના પાવન અને શાંતિપુર્ણ માહોલને જાળવી રાખે છે.
હજારો ગાયોને સાચવવું સુદેવી દાસી માટે કેમ અઘરું બન્યું?
સુરભિ ગૌસેવા નિકેતન ચલાવતા સુદેવી દાસીને ગૌશાળા ચલાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 3 એકર જમીન પણ ગાયોની સારસંભાળ માટે ઓછી પડતી હોય છે ત્યારે ગાયોની સેવા માટે કેટલીય સંસ્થા આગળ આવી ડોનેશન આપે છે પરંતુ સરકાર તરફથી તેમને મદદ નથી મળતી. ગૌશાળામાં લોકો માત્ર રૂપિયા કમાવાના ઈરાદા સાથે આવતા હોય છે. સેવા કરવાની ભાવના સાથે લોકો કામ કરતા ન હોવાથી ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની જાય છે. કામ કરવામાં પણ કયારેક મદદનીશો બાંધછોડ કરી લે છે જે સુદેવી દાસીને જરાપણ પસંદ નથી અને એટલે જ તેમને અહી ગૌશાળા સાચવવામાં પણ મુશ્કેલી પડે છે. ગાયના મૃત્યુ પછી ગો સમાધિ માટે જગ્યા ન મળતી હોવાથી પણ સુદેવી દાસીને હાલાકી ભોગવવી પડે છે.
ઈશ્વરની શોધમાં સન્યાસી સુદેવી દાસીની સમજને ભારતીય પણ ટક્કર ન આપી શકે
પાછલા જન્મમાં ભારત સાથે કંઈક કનેક્શન હોય તેવું સુદેવી દાસીને લાગે છે અને એટલે જ ભારતમાં સુદેવી દાસીને પોતીકાપણું લાગ્યું. ઈશ્વરને સાક્ષાત્કાર કરવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાએ સુદેવી દાસીને ભારતીય બનાવી દીધા. પરંતુ આજના યુગમાં ભગવાનના સાક્ષાત દર્શન કરવા ખુબ અઘરા છે તેવું જાણવા છતાં તેમણે આ રસ્તો અપનાવી ઈશ્વરને જોવાની ઈચ્છા પર આગળ વધવાનું નક્કી કર્યું. ઈશ્વરના સાક્ષાત્કાર આ જન્મમાં થાય કે તે પછીના જન્મમાં થાય પરંતુ સુદેવી દાસીએ કર્મની શરૂઆત કરી દીધી. સુદેવી દાસી ને વિશ્વાસ છે કે જે જ્ઞાન પ્રાપ્તિની દિશામાં પ્રયત્નશીલ રહે છે તેને એક દિવસ જ્ઞાન જરૂરથી મળે છે શરત માત્ર એટલી છે કે, પ્રયત્નમાં સહેજ પણ કચાશ ન રહેવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે