IPS Vivek Sahay: ગુજરાતના ડીજીપી અને આ રાજ્યના ડીજીપી બંને સગા ભાઈ, ખાસ જાણો તેમના વિશે
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના પોલીસ વડા રાજીવકુમારને ચૂંટણી પંચે આજે હટાવી દીધા અને હવે તેમની જગ્યાએ આઈપીએસ વિવેક સહાયને નિયુક્ત કરાયા છે. ચૂંટણી પંચે બંગાળમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થયાના લગભગ 48 કલાક બાદ રાજ્યના ડીજીપી રાજીવકુમારને પદેથી હટાવી દીધા. ખાસ જાણો તેમના પરિવાર વિશે.
Trending Photos
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના પોલીસ વડા રાજીવકુમારને ચૂંટણી પંચે આજે હટાવી દીધા હતા. તેમની જગ્યાએ આઈપીએસ વિવેક સહાયને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે બંગાળમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થયાના લગભગ 48 કલાક બાદ રાજ્યના ડીજીપી રાજીવકુમારને પદેથી હટાવી દીધા. અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની આ મોટી કાર્યવાહી કહી શકાય. ચૂંટણી પંચે બંગાળ સરકારની ભલામણને બાજુમાં મૂકતા રાજ્ય સરકારને સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રણ નામ મોકલવાનું કહ્યું હતું. સરકારે વિવેક સહાય, સંજય મુખરજી અને રાજેશકુમારના નામ આપ્યા હતા. જેમાંથી રાજ્ય સરકારે વિવેક સહાયને રાજ્યના ડીજીપી બનાવવા પર મહોર મારી.
કોણ છે વિવેક સહાય
વર્ષ 1988 બેચના આઈપીએસ અધિકારી વિવેક સહાય Director General and Commandant General, Home Guards તરીકે કાર્યરત હતા. વર્ષ 2021માં બંગાળના સીએમ મમતા બેનર્જીની સુરક્ષાનો ચાર્જ તેમની પાસે હતો તેમને સસ્પેન્ડ કરાયા હતા. તે વખતે ચૂંટણી દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી અને નંદીગ્રામથી ઉમેદવાર મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થયા હતા. તેમના પરિવારની વાત કરીએ મૂળ બિહારના એવા વિવેક સહાયને બીજા બે ભાઈઓ છે જેમાં તેઓ સૌથી મોટા છે. જ્યારે તેમનાથી નાના ભાઈ વિકાસ સહાય ગુજરાતના ડીજીપી તરીકે કાર્યભાર સંભાળે છે. જ્યારે અન્ય સૌથી નાના ભાઈ વિક્રમ સહાય 1992ની બેચના આઈઆરએસ છે. બે સગા ભાઈઓ એક જ સમયે અલગ અલગ રાજ્યોમાં ડીજીપી તરીકે કાર્યભાર સંભાળે તેવી કદાચ દેશના પોલીસ ઈતિહાસમાં પ્રથમ ઘટના કહી શકાય.
ગુજરાતના ડીજીપીના ભાઈ
ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમની પર સૌથી વધારે ભરોસો કરે છે એ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ખાસ ગણાય છે. કહેવાય છે કે વિકાસ સહાય એકદમ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી છે. ભલે ગુજરાત ક્રાઈમ બાબતે દેશમાં શાંતિપ્રિય રાજ્ય હોય પણ કેટલાક કેસોમાં મોખરે પણ છે. IPS વિકાસ સહાયના DGP બન્યા બાદ પરિસ્થિતિઓમાં ફેરફાર થયા છે પણ આજે પણ ગુજરાત એ સુરક્ષાની બાબતમાં સૌથી વધારે એલર્ટ રાજ્ય છે. રાજ્યના 6 IPSને પાછળ રાખીને ગુજરાતના DGP બનનારા વિકાસ સહાયની વાત કરીએ તો ધનબાદ બિહારના એક વેલએજ્યુકેટેડ પરિવારના દીકરાના હાથમાં આજે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની કમાન છે.
રાજ્ય સરકારે ગુજરાતના નવા DG તરીકે 6 IPS અધિકારીઓના નામ પેનલમાં મોકલ્યા હતા. જેમાં અતુલ કરવાલ રાજ્યના નવા DG બને એવી પ્રબળ શકયતા હતી. આ સિવાય વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર તથા શમશેર સિંહ, વિવેક શ્રીવાસ્તવનું નામ પણ પેનલમાં હતું. જેમાં વિકાસ સહાય પર સૌથી વધારે ભરોસો મૂકાયો હતો.
પોલીસકર્મીઓ તૈયાર કરવામાં સિંહફાળો
વિકાસ સહાય 1989ની બેચના અધિકારી છે, જેઓનું સૌ પ્રથમ પોસ્ટિંગ એ ગોધરામાં થયું હતું. એમની IPSની કામગીરીની વાત કરીએ તો 1999માં આણંદ એસપી બન્યા. 2001માં અમદાવાદ રુરલમાં એસપી તરીકે મૂકાયાં. એ સમયે ગોધરાકાંડમાં ઈજાગ્રસ્ત પણ થયા હતા. 2002માં અમદાવાદમાં જ ઝોન બે અને ત્રણના ડીસીપી તરીકે આગળ વધ્યાં 2004માં ટ્રાફિક ડીસીપી, 2005માં એડિશનલ ટ્રાફિક સીપી સુધી અમદાવાદમાં જ રહ્યાં. ત્યારબાદ 2007માં તેઓ એડિશનલ સીપી તરીકે સુરત પહોંચ્યા અને 2008માં જોઇન્ટ સીપી સુરત, 2009માં આઈજી, સિક્યુરિટી, 2010માં આઈજી સીઆઈડી અને આઈજી આઈબી તરીકે સુરતમાં જ ફરજ બજાવી હતી.
2016 સુધી રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યાં હતાં અને તે બાદ ઇન્ચાર્જ ડીજીપી નીમાયાં ત્યાં સુધી તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીના તાલીમ મહાનિર્દેશક તરીકે કામ કરી ચૂક્યાં છે. આમ સૌથી વધારે પોલીસ કર્મચારીઓ તેમની રાહબરી હેઠળ તૈયાર થયા છે. વિકાસ સહાયે સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે