Jayalalithaa Birth Anniversary: અભિનેત્રીમાંથી બન્યા નેતા, આખું જીવન એક જ રંગની પહેરી સાડી, જાણો અજાણી વાતો

Jayalalithaa Birth Anniversary: એવું પણ કહેવાય છે કે જયલલિતા કપડાં અને ઘરેણાની ખુબ શોખીન હતા. તેઓ હંમેશા રાજસી ઠાઠમાઠમાં રહેતા હતા. તેમના કબાટમાં ઘરેણા અને સાડીઓ ભરપૂર રહેતા હતા. એવું કહેવાય છે કે જ્યારે કરુણાનીધિ સત્તા પર આવ્યા ત્યારે જયલલિતાના ઘરે દરોડા પડ્યા હતા. તે સમયે 750 જોડી સેન્ડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું , સાડા દસ હજાર સાડીઓ, 91 ઘડિયાળ, 44 એસી અને 19 કાર જેટલો સામાન મળ્યો હતો.

Jayalalithaa Birth Anniversary: અભિનેત્રીમાંથી બન્યા નેતા, આખું જીવન એક જ રંગની પહેરી સાડી, જાણો અજાણી વાતો

Jayalalithaa Birth Anniversary: તામિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી 1949ના રોજ થયો હતો. તેમને જોઈને કોઈએ ભાગ્યે જ વિચાર્યું હશે કે આ છોકરી એકદિવસ ફિલ્મોમાં નામ રોશન કરશે અને રાજકારણમાં સિતારો ચમકાવશે. જયલલિતાએ પોતાના જીવનમાં ઘણું જોયું અને તમામ એવી ચીજો ઝેલી જેની સાથે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ભાગ્યે જ ઝઝૂમતો હશે. જ્યારે જયલલિતા માત્ર બે વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ તેમને જબરદસ્તીથી ફિલ્મી દુનિયામાં મોકલી દેવાયા. અભિનયના દમ પર જયલલિતાએ એ રીતે પગ જમાવ્યા કે તેઓ તમિલ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ગણાવવા લાગ્યા. આ ઉપરાંત તેમણે બોલીવુડમાં ધર્મેન્દ્ર સાથે એક ફિલ્મ પણ કરી હતી. 

જયલલિતાએ સેટ કર્યો નવો ટ્રેન્ડ
જયલલિતાએ અભિનયની શરૂઆત અંગ્રેજી ફિલ્મથી કરી હતી. પહેલા તેમણે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું અને ત્યારબાદ તમિલ સિનેમા તરફ વળ્યા. તે દૌરમાં જયલલિતા પહેલા એવા અભિનેત્રી હતા જેમણે સ્કર્ટ પહેરીને એક્ટિંગ કરી હતી. તેમને તમિલનાડુમાં આયર્ન લેડી અને તમિલનાડુના માર્ગારેટ થેચર પણ કહેવામાં આવ્યા હતા. 

એમજીઆર સાથે જોડી
તમિલ સિનેમામાં ધીરે ધીરે જયલલિતાનું નામ લોકોને મોઢે ચડી ગયું. આ એ સમય હતો જ્યારે એમજીઆર એટલે કે એમજી રામચંદ્રનના સંપર્કમાં તેઓ આવ્યા. બંનેની જુગલબંદી કઈક એવી હતી કે એમજીઆરની ફિલ્મો જયલલિતા વગર અધૂરી રાખી હતી. હકીકતમાં 1965 થી 1972 સુધી જયલલિતાએ વધુ ફિલ્મો એમજીઆર સાથે જ કરી. 

જીવનભર લગ્ન ન કર્યા
જયલલિતા જીવનભર અપરણિત રહ્યા. જો કે એમજીઆર સાથે તેમનું નામ જરૂર જોડાયું હતું. એવું કહેવાય છે કે એમજીઆર અને જયલલિતાનો સંબંધ ખુબ જ આત્મીય સંબંધ હતો. બંને ખુલીને ક્યારેય સામે આવ્યા નહીં. પરંતુ તેમના સંબંધ વિશે હંમેશા વાતો થતી રહી. ત્યારબાદ તેઓ એમજીઆરના રાજકીય ઉત્તરાધિકારી પણ બન્યા. 

છ વાર બન્યા તામિલનાડુના મુખ્યમંત્રી
 1987માં જ્યારે એમજીઆરનું નિધન થયું ત્યારે  જયલલિતા ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા હતા. તેમના આ પગલાંથી અન્નાદ્રમુક બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક જૂથના નેતા એમજીઆરના વિધવા જાનકી રામચંદ્રન બન્યા. જ્યારે બીજા જૂથના નેતા પર જયલલિતાનો કબજો હતો. અભિનય બાદ રાજકારણમાં પણ જયલલિતાએ સારું કામ કર્યું ને છ વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના તમામ નિર્ણયોને આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ રેકોર્ડબ્રેક છ વાર તમિલાનાડુના મુખ્યમંત્રી બન્યા. 

વિધાનસભામાં ખેંચાઈ હતી સાડી
રાજકીય દંગલમાં એક સમય એવો આવ્યો કે જ્યારે વિધાનસભામાં જયલલિતાની સાડી સુદ્ધા ખેંચાઈ હતી. આ ઘટના પાછળ કરુણાનીધિનો હાથ હોવાનું કહેવાયું હતું. એવું કહેવાય છે કે આ ઘટનાની સરખામણી જયલલિતાએ દ્રૌપદીના ચીરહરણ સાથે કરી હતી. આ સાથે જ તેમણે કસમ ખાધી હતી કે તેઓ મુખ્યમંત્રી બનીને જ વિધાનસભામાં પગ મૂકશે. ત્યારબાદ જયલલિતા અને કરુણાનીથિ એકબીજાના કટ્ટર વિરોધી બની ગયા. તેમણે એક બીજાને નીચા દેખાડવાની એક તક છોડી નહીં. 

કપડાં ઘરેણાના શોખીન
એવું પણ કહેવાય છે કે જયલલિતા કપડાં અને ઘરેણાની ખુબ શોખીન હતા. તેઓ હંમેશા રાજસી ઠાઠમાઠમાં રહેતા હતા. તેમના કબાટમાં ઘરેણા અને સાડીઓ ભરપૂર રહેતા હતા. એવું કહેવાય છે કે જ્યારે કરુણાનીધિ સત્તા પર આવ્યા ત્યારે જયલલિતાના ઘરે દરોડા પડ્યા હતા. તે સમયે 750 જોડી સેન્ડલ, 800 કિલો ચાંદી, 28 કિલો સોનું , સાડા દસ હજાર સાડીઓ, 91 ઘડિયાળ, 44 એસી અને 19 કાર જેટલો સામાન મળ્યો હતો. ત્યારબાદ તેમના પર આવકથી વધુ સંપત્તિનો આરોપ લાગ્યો હતો. 

એક જ રંગની સાડી
એવું કહેવાય છે કે જયલલિતા પાસે આમ તો હજારો સાડીઓનું કલેક્શન હતું પરંતુ તે હંમેશા એક ખાસ રંગની સાડી પહેરતા હતા. હકીકતમાં જયલલિતા મોટાભાગે લીલા રંગની સાડી જ પહેરતા હતા. જેની બોર્ડર લાલ રંગની રહેતી હતી. તેઓ તેમના જીવનમાં મહત્વના સમયે આ જ રંગની સાડીમાં જોવા મળ્યા. એટલે સુધી કે તેમને જ્યારે અંતિમ વિદાય અપાઈ ત્યારે પણ તેઓને લીલા રંગની સાડી જ પહેરાવવામાં આવી હતી. 

તમિલનાડુમાં બન્યા અમ્મા બ્રાન્ડ
તમિલનાડુમાં જયલલિતાની લોકપ્રિયતા એટલી વધુ હતી કે તેમના નામને જ લોકોએ બ્રાન્ડ બનાવી લીધી હતી. જયલલિતાએ ગરીબો માટે અમ્મા કેન્ટીન શરૂ કરી હતી. જ્યાં ખુબ જ ઓછા ભાવે ભોજન મળતું હતું. ત્યારબાદ અમ્મા મિનરલ વોટર, અમ્મા શાકની દુકાન, અમ્મા ફાર્મસી, અને અમ્મા સીમેન્ટ પણ બજારમાં આવ્યું. જેના ભાવ ખુબ ઓછા રહેતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news