J&K: પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ વધુ એક આતંકી અથડામણમાં ઠાર

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં કાશ્મીરના પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ વધુ એક આતંકી નાવીદ જટ્ટને ઠાર કરાયો છે.

J&K: પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ વધુ એક આતંકી અથડામણમાં ઠાર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં કાશ્મીરના પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ વધુ એક આતંકી નાવીદ જટ્ટને ઠાર કરાયો છે. આ ઉપરાંત એક અન્ય આતંકીનો પણ ખાતમો કરાયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ આજે સવારે સુરક્ષાદળોએ બડગામના કઠપોરા વિસ્તારમાં સર્ચ અને ઘેરાબંધી અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું. સુરક્ષાદળોએ તેનો જવાબ આપ્યા બાદ અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષા કારણોસર પ્રશાસને બડગામમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ  કરાવી દીધી છે.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોમાં અનંતનાગમાં થયેલી અથડામણમાં પણ સુરક્ષાદળોએ સુજાત બુખારીની હત્યામાં સામેલ એક આતંકીને ઠાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ આતંકીની ઓળખ આઝાદ અહેમદ મલિક  ઉર્ફે ડોડા તરીકે કરી હતી. આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ અલગ અથડામણોમાં મંગળવારે 3 આતંકીઓને ઠાર કરાયા. 

આ અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. મળતી માહિતી મુજબ કુલગામના રેડવાની વિસ્તારમાં અડધી રાતે શરૂ થયેલી અથડામણમાં બે આતંકીઓ ફસાયા હતાં. ત્યારબાદ સુરક્ષાદળોએ પોલીસ  સાથે આ અભિયાન શરૂ કર્યું હતું. સોમવારે મોડી રાતે લગભગ 2 વાગે રેડવાની ગામના આ વિસ્તારમાં એક મકાનમાં છૂપાયેલા આતંકીઓએ પેટ્રોલિંગ ટુકડી પર ફાયરિંગ કર્યુ હતું. સુરક્ષાદળોએ તત્કાળ જવાબી કાર્યવાહી કરી. મોડી રાતે શરૂ થયેલી આ અથડામણ મંગળવારે સવારે 9 વાગ્યા સુધી ચાલી.

આ અથડામણમાં સુરક્ષાદળની પેટ્રોલિંગ ટુકડીનો એક જવાન અને સીઆરપીએફનો એક ઓફિસર સહિત 3 લોકો ઘાયલ થયા હતાં. ફાયરિંગમાં સેનાનો જવાન ગંભીર રીતે  ઘાયલ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news