નુપુર શર્માને ખુબ ફટકાર લગાવનારા જસ્ટિસ જેબી પારડીવાલાનું છે ગુજરાત કનેક્શન, ખાસ જાણો તેમના વિશે

નુપુર શર્માની અરજી પર સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલા સામેલ હતા. કોર્ટે દેશનો માહોલ ખરાબ કરવા માટે નુપુર શર્માને જવાબદાર ઠેરવ્યા અને તેમને જાહેરમાં માફી માંગવાનું પણ કહ્યું.

નુપુર શર્માને ખુબ ફટકાર લગાવનારા જસ્ટિસ જેબી પારડીવાલાનું છે ગુજરાત કનેક્શન, ખાસ જાણો તેમના વિશે

નવી દિલ્હી: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા નુપુર શર્માની શુક્રવારે સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલે અલગ અલગ રાજ્યોમાં થયેલી એફઆઈઆર બાદ રાહત માટે નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. નુપુરે આગ્રહ કર્યો હતો કે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ નુપુર શર્માએ અરજી પાછી ખેંચી લીધી. કોર્ટે એમ પણ કહ્યું કે દેશમાં આજે જે પણ સ્થિતિ છે તેના માટે નુપુર શર્માનું નિવેદન જવાબદાર છે. 

નુપુર શર્માની અરજી પર સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલા સામેલ હતા. કોર્ટે દેશનો માહોલ ખરાબ કરવા માટે નુપુર શર્માને જવાબદાર ઠેરવ્યા અને તેમને જાહેરમાં માફી માંગવાનું પણ કહ્યું. જસ્ટિસ સૂર્યકાંત પોતાના આકરા તેવર માટે જાણીતા છે અને આ અગાઉ પણ તેઓ અનેક કેસમાં કડક વલણ અપનાવી ચૂક્યા છે. જ્યારે જસ્ટિસ પારડીવાલા પારસી સમુદાયમાંથી આવે છે અને તેમનું ગુજરાત સાથે કનેક્શન છે. તેમણે કહ્યું હતું કે ઉદયપુરની ઘટના માટે નુપુર શર્માનું નિવેદન જવાબદાર છે. 

કોણ છે જસ્ટિસ પારડીવાલા
જસ્ટિસ પારડીવાલાનાનું આખું નામ જમશેદ બરજોર પારડીવાલા છે અને તેમનો જન્મ 12મી ઓગસ્ટ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. ગુજરાતમાં તેમનો શરૂઆતનો અભ્યાસ કોન્વેન્ટ સ્કૂલમાં થયો હતો. 1985માં જે પી આર્ટ્સ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી લીધી.  વર્ષ 1988માં વલસાડ સ્થિત કે એમ લો કોલેજમાંથી તેમણે લોની ડિગ્રી લીધી. બીજા જ વર્ષ 1989માં તેમણે વલસાડમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી અને ત્યારબાદ 1990માં અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. 1994થી 2000 સુધી તેઓ ગુજરાત  બાર કાઉન્સિલના સભ્ય રહ્યા. તેમને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ડિસિપ્લિનરી કમિટીના નોમિનેટેડ સભ્ય તરીકે પણ નિયુક્ત કરાયા હતા. 

વર્ષ 2002માં તેમને ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2011માં તેમને ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત કરાયા અને 2013માં સ્થાયી જજ બન્યા. ત્યારબાદ કોલેજિયમ સિસ્ટમથી તેઓ 9મી મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. જેબી પારડીવાલા જ્યારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા ત્યારે જજ તરીકેની તેમની કેટલીક ટિપ્પણીઓ એવી હતી જે ખુબ ચર્ચામાં આવી હતી. કોવિડકાળ દરમિયાન કરાયેલી ટિપ્પણી તેમાંથી એક છે.

પારસી સમુદાયમાંથી આવનારા તેઓ છઠ્ઠા જજ છે. તેમના પરદાદા નવરોજજી ભીકાજી પારડીવાલા અને દાદાજી કાવાસજી નવરોજજી પારડીવાલા પણ વકીલાત કરતા હતા. પિતા બુર્જોર કાવાસજી પારડીવાલા પણ તેમના પિતાને પગલે 1955માં વલસાડ બારમાં સામેલ થયા. જો કે બાદમાં તેઓ કોંગ્રેસમાંથી વિધાયક બન્યા. ડિસેમ્બર 1989થી માર્ચ 1990 સુધી તેમણે 7મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું. 

જાણો જસ્ટિસ સૂર્યકાંત વિશે
જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના જજ છે. આ અગાઉ તેઓ હાઈકોર્ટના પણ જજ રહી ચૂક્યા છે. તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. હરિયાણાના હિસારમાં 10 ફેબ્રુઆરી 1962ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનો શરૂઆતનો અભ્યાસ હિસારથી થયો હતો. આગળના અભ્યાસ માટે તેઓ બહાર ગયા. વર્ષ 1984માં હરિયાણાના રોહતક સ્થિત મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીથી તેમણે કાયદાના ડિગ્રી લીધી. ત્યારબાદ તેઓ હિસાર પાછા ફર્યા અને ત્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. જુલાઈ 2000માં જસ્ટિસ સૂર્યકાંતને હરિયાણાના મહાધિવક્તા બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ લગભગ 4 વર્ષ પછી જાન્યુઆરી 2003માં તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા. તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં પણ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટની 5 સદસ્યવાળી કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવા માટે તેમના નામની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. 

અત્રે જણાવવાનું કે નુપુર શર્માએ ટીવી ચેનલની એક ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ દેશભરમાં તેમનો વિરોધ થયો અને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા. અનેક જગ્યાએ હિંસા પણ થઈ. આ ટિપ્પણીની ગૂંજ અન્ય દેશોમાં પણ જોવા મળી. ત્યારબાદ ભાજપે પણ કડકાઈ દેખાડતા નુપુર શર્માને  ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હતા. નુપુર શર્મા વિરુદ્ધ દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ હતી. હવે આ ફરિયાદો વિરુદ્ધ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીઓેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી સાથે નુપુરે એમ પણ કહ્યું હતું કે તેમને સતત મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. 

સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીની મહત્વની વાતો...

1. પયગંબર મોહમ્દમ પર ટિપ્પણી મામલે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી. તેમનું કહેવું હતું કે તેમને સતત હત્યા અને રેપની ધમકી મળી રહી છે. આવી સ્થિતિમાં તેમના માટે તપાસમાં સહયોગ માટે અલગ અલગ શહેરોમાં જવું શક્ય નથી. સુપ્રીમે પયગંબર મોહમ્મદ પર કરાયેલી ટિપ્પણી મામલે નારાજગી વ્યક્ત કરી. કહ્યું કે તેમની ટિપ્પણીએ દેશભરમાં  ભાવનાઓ ભડકાવી છે. 

2. સુપ્રીમે નુપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમે કહ્યું કે તેમણે અને તેમના નિવેદને દેશમાં આગ લગાવી દીધી છે. ટીવી ચેનલ અને નુપુર શર્માએ આવા મામલા સંલગ્ન એવા કોઈ પણ એજન્ડાને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં જે કોર્ટમાં વિચારણા હેઠળ છે. 

3. નુપુર શર્મા તરફથી વરિષ્ઠ વકીલ એડવોકેટ મનિનંદર સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેમણે ટિપ્પણી માટે માફી માંગી અને ટિપ્પણીઓને પાછી પણ લીધી છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માને માફી માંગવામાં અને નિવેદન પાછું ખેંચવામાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. 

4. સુપ્રીમ કોર્ટે ઉદયપુરવાળી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. કહ્યું કે ઉદયપુર સહિત દેશભરમાં જે થયું તે બધા માટે નુપુર જવાબદાર છે. તેમની ટિપ્પણી બધાની સુરક્ષા માટે જોખમ બની ગઈ છે. અત્રે જણાવવાનું કે ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. કન્હૈયાલાલના પુત્રએ ભૂલથી ફેસબુક પર નુપુરના સમર્થનવાળી પોસ્ટ કરી હતી. હાલ હત્યાના બંને આરોપીઓની ધરપકડ થઈ છે. 

5. સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે નુપુરને જીવનું જોખમ છે. જેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તેમને ખતરો છે કે તેઓ સુરક્ષા માટે ખતરો બની ગયા છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પ્રકારે સમગ્ર દેશમાં ભાવનાઓને ભડકાવવામાં આવી, દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તેઓ જવાબદાર છે. સુપ્રીમે કહ્યું કે તેમણે તથા તેમની જીભે સમગ્ર દેશમાં આગ લગાવી દીધી છે. તેમનો (લોકોનો) આ ગુસ્સો આ જ કારણે હતો. 

6 કોર્ટે કહ્યું કે અમે ડિબિટ જોઈ છે. તેમને ભડકાવવાની કોશિશ થઈ. પરંતુ ત્યારબાદ તેમણે જે કઈ  કહ્યું તે શરમજનક છે. તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. 

7. આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસે જે કઈ કર્યું તેના પર અમારું મોઢું ન ખોલાવો. તેમણે હવે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવું જોઈએ. આ ટિપ્પણી તેમનું ઘમંડી વલણ દર્શાવે છે. જો તેઓ કોઈ પાર્ટીના પ્રવક્તા છે તો તેમને કઈ પણ કહેવાનો હક મળી જશે? નુપુરના વકીલ મનિન્દર સિંહે જ્યારે કહ્યું કે એંકરના સવાલ પર તેમણે જવાબ આપ્યો તો કોર્ટે ક હ્યું કે આવા સંજોગોમાં તો એંકર ઉપર પણ કેસ ચાલવો જોઈએ. કોર્ટની કડક ટિપ્પણી બાદ નુપુર શર્માએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news