કમલનાથ બન્યા મધ્યપ્રદેશના નાથ, ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી લેવાયો નિર્ણય

દિવસભર ચાલેલી ભારે મથામણ બાદ મોડી રાત્રે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામની થઈ જાહેરાત, લોકોની આતુરતાનો આવ્યો અંત 

Updated By: Dec 13, 2018, 11:53 PM IST
કમલનાથ બન્યા મધ્યપ્રદેશના નાથ, ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી લેવાયો નિર્ણય
રાહુલ ગાંધીએ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેનો ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો.

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથ/જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાત્રે 10 કલાકે મળેલી ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં કમલનાથને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ અગાઉ, આજે સવારથી મોડી રાત સુધી દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રી પદના ચહેરા અંગે મેરાથોન બેઠક ચાલી હતી. જેમાં વરિષ્ઠ નેતાઓ સાથે મસલત કર્યા બાદ કમલનાથ નામ પર કળશ ઢોળાયો હતો. રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ નાયબ મુખ્યમંત્રી પદે નહીં રહે. 

ઉલ્લેખનીય છે કે, એવી ચર્ચા ચાલતી હતી કે કમલનાથને મુખ્યમંત્રી બનાવી લેવાયા બાદ જ્યોતિરાદિત્યને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. જોકે, તાજેતરની માહિતી પ્રમાણે કોંગ્રેસે કોઈને પણ નાયબ મુખ્યમંત્રી નહીં બનાવવાનો નિર્ણય લીધો છે. 

આ પ્રસંગે ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી મુખ્યમંત્રી પદે ચૂંટાયેલા કમલનાથે જણાવ્યું કે, "હું કોંગ્રેસને વિજેતા બનાવવા માટે મતદારોનો આભારી છું. તેમણે સમર્થન આપવા બદલ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તમામ ચૂંટાયેલા ધારાસભ્યોનો આભાર માન્યો હતો. " આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ આવતીકાલે રાજ્યપાલને મળ્યા બાદ શપથવિધી અંગેનો સમય અને તારીખ જણાવશે. આવતીકાલે તેઓ સવારે 10.30 કલાકે રાજ્યપાલને મળવા જવાના છે. 

'CM' પસંદ કરવામાં થોડો સમય તો લાગે છે, રાજસ્થાન કોંગ્રેસ એકજૂથ છેઃ અશોક ગેહલોત

ગઈકાલે મળેલી મધ્યપ્રદેશ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં કોઈ એક નામ પર સર્વસંમતિ ન સધાતાં અંતિમ નિર્ણય રાહુલ ગાંધી પર છોડવામાં આવ્યો હતો. જેને લઈને ગઈકાલે રાત્રે જ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ અને મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર સમિતિના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા એક સાથે જ દિલ્હી પહોંચ્યા હતા. આજે ગુરુવારે આખો દિવસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે બંને નેતાઓએ પોત-પોતાના દાવા રજૂ કર્યા હતા. 

ચંદ્રશેખર રાવ(KCR)એ લીધા તેલંગાણાના મુખ્યમંત્રી પદના શપથ

ત્યાર બાદ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વિશેષ બેઠક યોજી હતી. જેમાં વિસ્તૃત ચર્ચાને અંતે એક નામ પર સર્વસંમતિ સાધવામાં આવી હતી. આ બેઠક પછી રાહુલ ગાંધી, કમલનાથ અને જ્યોતિરાદિત્યની પક્ષના નેતાઓ સાથે ફરીથી સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં કમલનાથ નામ પર સંમતિ સાધવામાં આવી હતી. આ નિર્ણય લેવાયા બાદ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા તાત્કાલિક ભોપાલ આવવા માટે રવાના થયા હતા, જ્યાં મોડી રાત્રે 10 કલાકે મધ્યપ્રદેશના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવી હતી. 

કમલનાથનો પરિચય 
કમલનાથ મધ્યપ્રદેશના છિંદવાડા સંસદિય મતવિસ્તારમાંથી ચૂંટાતા આવ્યા છે. તેઓ સંસદના સૌથી સિનિયર નેતાઓમાંના એક ગણાય છે. કમલનાથ ગાંધી પરિવારના વફાદારોમાંના એક ગણાય છે અને તેમણે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી એમ ચાર ગાંધી સાથે કામ કર્યું છે. ઈન્દિરા ગાંધી તેમને પોતાનો ત્રીજો પુત્ર ગણાવતા હતા. 72 વર્ષના કમલનાથ 1980થી છિંદવાડા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. તેઓ છિંદવાડાથી 9 વખત લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે. કમલનાથે પોતાની 39 વર્ષની કારકિર્દીમાં અનેક કેન્દ્રીય મંત્રાલયોમાં કેબિનેટ મંત્રીનું પદ સંભાળ્યું છે અને તેઓ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે.