New Labour Code: આનંદો...હવે અઠવાડિયામાં 3 દિવસ મળી શકે છે રજા, નવા ડ્રાફ્ટ પર સરકાર કરી રહી છે વિચાર
New Labour Code: આવનારા સમયમાં કર્મચારીઓના કામ કરવાના સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશમાં નવો લેબર કોડ આવવાનો છે, જે મુજબ કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસનો ઓફ મળી શકે છે.
Trending Photos
New Labour Code: આવનારા સમયમાં કર્મચારીઓના કામ કરવાના સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશમાં નવો લેબર કોડ આવવાનો છે, જે મુજબ કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસનો ઓફ મળી શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય ચાર નવા લેબર કોડને લાગુ કરવા માટે તેના સંબંધિત નિયમોને આ સપ્તાહે અંતિમ સ્વરૂપ આપી શકે છે.
આ લેબર કોડ લાગુ થયા બાદ દેશના શ્રમ બજારમાં સુધારાનો નવો દોર શરૂ થઈ જશે. ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ મળ્યા બાદ કર્મચારીઓને એક સપ્તાહમાં ચાર દિવસ કામ કરવાનો અને તેની સાથે ત્રણ દિવસની રજાનો વિકલ્પ પણ મળશે.
આ સાથે જ શ્રમ મંત્રાલય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશન તથા કલ્યાણ માટે એક નવું પોર્ટલ પણ તૈયાર કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આ પોર્ટલ જૂન મહિના સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા છે. આ પોર્ટલ પર અસંગઠનત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશન અને તેમના માટે અન્ય સુવિધાઓ પ્રદાન થઈ શકે છે. તેમાં કોન્ટ્રાક્ટ કે મુક્ત રીતે કામ કરનારા શ્રમિકો અને 'પ્લેટફોર્મ' શ્રમિકો જેવા કર્મીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજુ કરતી વખતે આપેલા ભાષણમાં આ પ્રકારના વેબ પોર્ટલનો ઉલ્લેખ કર્યો હતો.
1 એપ્રિલથી લાગુ થઈ શકે છે નવો લેબર કોડ
શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું કે નવા નિયમ બનાવવામાં આવી રહ્યા છે અને આશા છે કે આ કામને આવનારા સપ્તાહમાં જલદી પૂરું કરી લેવાશે. આ અંગે તમામ સંબધિત પક્ષો સાથે વિચાર વિમર્શ કરી લેવાયો છે. તેમણે કહ્યું કે મંત્રાલય જલદી એ સ્થિતિમાં હશે કે ચારેય નવા કોડને લાગુ કરી શકાય. તેમાં વેતન/મજૂરી કોડ, ઔદ્યોગિક સંબંધો પર કોડ, કામ વિશેષથી જોડાયેલી સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યસ્થળની દશાઓ (OSH) પર કોડ અને સામાજિક સુરક્ષા કોડ સામેલ છે. શ્રમ મંત્રાલયે ચારેય કોડ્સને એપ્રિલથી લાગુ કરી શકાય તેવી યોજના ઘડી છે.
જાણો નવા લેબર કોડમાં શું છે ખાસ
- જો કર્મચારી કોઈ દિવસ 8 કલાકથી વધુ કે પછી સપ્તાહમાં 48 કલાકથી વધુ કામ કરે તો પછી તેને ઓવરટાઈમનું મહેનતાણું સામાન્ય પગાર કરતા બમણું મળશે.
- નવા લેબર કોડના ડ્રાફ્ટમાં કર્મચારીઓના વર્કિંગ અવર્સને દિવસમાં 12 કલાક સુધી રાખવાનો પ્રસ્તાવ પણ રખાયો છે. જે મુજબ અઠવાડિયાના 48 કલાક કામ કરવાનું એટલે કે 4 દિવસ કામ કરવાનું અને 3 દિવસ રજા. તેમણે કહ્યું કે હવે કર્મચારીને 3 ચોઈસ રહેશે. અઠવાડિયામાં દિવસના 12 કલાક ચાર દિવસ કામ કરવાનું અને 3 દિવસ રજા, અઠવાડિયામાં દિવસના 10 કલાક પાંચ દિવસ કામ કરવાનું અને 2 દિવસ રજા, તથા દિવસના 8 કલાક પ્રમાણે 6 દિવસ કામ કરવાનું અને એક દિવસ રજા.
- ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સના નામ પર તૈયાર થયેલા કોડમાં સરકારે કંપનીઓને એક દિવસમાં 12 કલાક સુધી વર્કિંગ અવર્સ રાખવાની છૂટ આપવાની વાત કરી છે.
- ઓવરટાઈમના કેલ્ક્યુલેશનને લઈને પણ નિયમો નક્કી કરાયા છે. જો કોઈ કર્મચારી 15થી 30 મિનિટ સુધી કામ કરે તો પછી તેને 30 મિનિટ તરીકે કાઉન્ટ કરાશે.
જૂના 44 પ્રકારના કોડ્સને 4માં જ પતાવ્યા
શ્રમ મંત્રાલયે શ્રમ કાયદામાં સુધાર માટે કુલ 44 પ્રકારના જૂના શ્રમ કાયદાને ચાર કોડ્સમાં જ પતાવી દીધા. તે લાગુ કરવાની પ્રક્રિયાના છેલ્લા તબક્કામાં છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ મંત્રાલય આ કાયદાને એક સાથે લાગુ કરવા માંગે છે.
ચંદ્રાએ જણાવ્યું કે પોર્ટલ તૈયાર કરવાનું કામ ચાલુ છે અને તે જૂન સુધીમાં શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પોર્ટલ પર ટૂંકા સમયના કોન્ટ્રાક્ટ કે કામના આધાર પર સેવાઓ આપનારા કર્મીઓ, નિર્માણ ક્ષેત્રમાં કાર્યરત મજૂરો અને અન્ય રાજ્યોથી મજૂરી માટે આવનારા શ્રમિકો સંબંધિત સૂચનાઓ ભેગી કરવામાં આવશે. તેના પર આવા મજૂરોના રજિસ્ટ્રેશનની સુવિધા હશે. તેમને એક વર્ષ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા સંરક્ષણ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે