ડ્રેગનની નવી ચાલ પણ જનરલ રાવતે આપ્યો સણસણતો જવાબ
નવી તસવીરોમાં ચીનની ચાલબાજી સ્પષ્ટ નજરે ચડી રહી છે
- ડોકલામમાં 5 મહિના પહેલાં 70 દિવસ સુધી ભારત અને ચીનની સેના હતી સામસામે
- જનરલ રાવતના દાવા પ્રમાણે સેનામાં નથી કોઈ ગંભીર સમસ્યા
- કોઈપણ પરિસ્થિતિ માટે સેના તૈયાર હોવાનો બિપિન રાવતનો દાવો
Trending Photos
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિસ્તાર મામલે છેલ્લા કેટલાક દિવસથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં હવે 'ડ્રેગન'ની નવી ચાલ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ચીન હવે આ વિસ્તારમાં સૈન્ય શિબિરનું નિર્માણ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે અનેક સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે કે ચીન વિવાદીત વિસ્તારમાં સૈન્ય છાવણી બનાવી રહ્યું છે. આ તસવીર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભુટાન જે વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે એ વિસ્તારમાં ચીને નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. નોંધનીય છે કે ડોકલામામાં 5 મહિના પહેલાં 70 દિવસ સુધી ચીન અને ભારતની સેના સામસામે હતી.
દેખાય છે બે હેલિપેડ
નવી તસવીરોમાં ચીનના એક અન્ય નિર્માણ સ્થળ પણ ખીણ જેવી રચના જોવા મળી છે. આ તમામ જગ્યા પર સૈન્ય સંરચના તેમજ પરિસર દેખાય છે. આ સિવાય Hના નિશાન સાથે બે હેલિપેડ પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે્. આ નવા ડેવલપમેન્ટ મામલે ભારતના આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે 'ચીને કેટલાક નિર્માણ કર્યા છે પણ મોટાભાગના હંગામી છે. હાલમાં ત્યાં ભારે ઠંડી છે. આ સંજોગમાં સૈન્ય પરત ફરી રહ્યું હોવા છતાં આ નિર્માણ સ્થાયી હોય તો કોઈપણ અંદાજ લગાવી શકે છે કે ઠંડી ઓછી થયા પછી તેઓ પરત ફરશે અથવા તો ભારે ઠંડીના કારણે તેઓ ઉપકરણ પરત લઈ જઈ શક્યા નથી.'
નથી 'ગંભીર સમસ્યા'
આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું છે કે ડોકલામ મામલે સૈન્ય માટે 'ગંભીર સમસ્યા' ઉભી નથી થઈ. તેમણે જણાવ્યું છે કે 'આ મામલે ભારત અને ચીન વચ્ચે નિયમિત વાતચીત થાય છે અને સૌહાર્દ જળવાયેલું છે. કોઈ કટોકટી ઉભી થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા ભારતીય સેના તૈયાર જ છે. ડોકલામમાં ભારતીય સેનાની હાજરી પણ છે અને જો કંઈ પણ થશે તો અમે એમનો સામનો કરી શકીશું. જોકે હાલમાં ભારત અને ચીન વચ્ચે ડોકલામ મામલે પ્રવર્તી રહેલા તણાવમાં ઘટાડો થયો છે.'
(ઇનપુટ ભાષામાંથી પણ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે