Places of worship Act: જે કાયદાની જ્ઞાનવાપી મામલે સૌથી વધુ થઈ રહી છે ચર્ચા...ખાસ જાણો તેના વિશે
Trending Photos
Places of worship Act: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સિવિલ કોર્ટના આદેશ બાદ સરવે કરાવવામાં આવ્યો. સરવેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. આ મામલે અત્યાર સુધીમાં 2 રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યા છે. બંને રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સનાતન ધર્મના ચિન્હો મળ્યાનો દાવો કરાયો છે. અંજુમન ઈન્તઝામિયા મસ્જિદ કમિટીએ આ સરવે મામલે વારાણસી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે
મુસ્લિમ પક્ષનો આ આરોપ
મુસ્લિમ પક્ષે આરોપ લગાવ્યો છે કે સિવિલ કોર્ટનો સરવેનો આદેશ 1991ના ઉપાસના સ્થળ કાયદા (Places of worship Act 1991)નો ભંગ છે. આ કાયદા મુજબ ભારતમાં 15મી ઓગસ્ટ 1947ના રોજ જે ધાર્મિક સ્થળો જે સ્વરૂપે હતા તે જ સ્વરૂપે રહેશે. તેની સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. આ કાયદામાંથી ફક્ત અયોધ્યા મુદ્દાને બાકાત રખાયો હતો.
હિન્દુ પક્ષનું શું છે કહેવું
આ સમગ્ર મામલે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને પણ નિવેદન આપ્યું અને કહ્યું કે એક અરજીમાં આ કાયદાની કલમ 2,3, અને 4ને પડકારવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે આ ત્રણેય કલમો ભારતીય બંધારણની કલમ 14, 15, 21, 25, 26 અને 29નો ભંગ કરે છે. અરજી મુજબ આ તમામ આપણા બંધારણની મૂળ ભાવના અને પ્રસ્તાવનાની વિરુદ્ધ છે.
હિન્દુ પક્ષનું એમ પણ કહેવું છે કે કાયદામાં એવો ઉલ્લેખ છે કે જે પ્રાચીન અને ઐતિહાસિક જ્ગ્યા છે તેમના પર આ કાયદો લાગૂ નહીં થાય એટલે કે જો કોઈ જગ્યાનું ઐતિહાસિક મહત્વ છે તેને પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ નહીં લાવવામાં આવે. તેનો મુખ્ય હેતું એ હતો કે Archaeological Survey of India (ASI) દ્વારા તેને એન્સિયન્ટ મોન્યૂમન્ટ એન્ડ આર્કિયોલોજિકલ સાઈટ્સ એન્ડ રિમેન્સ એક્ટ 1958 હેઠળ પોતાના સંરક્ષણમાં લઈ સંરક્ષિત કરવામાં આવશે. આવામાં આ પ્રકારની જગ્યાઓને મંદિર કે મસ્જિદની જગ્યાએ ઐતિહાસિક ધરોહરની જેમ જોવામાં આવશે. જો કોઈ બિલ્ડિંગને 100 વર્ષ થઈ ગયા છે અને તેનું કોઈ ઐતિહાસિક મહત્વ છે તો તેને એએસઆઈ સંરક્ષિત કરી શકે છે. આ નિયમ મુજબ કાયદાના જાણકારોનું કહેવું છે કે મથુરા અને કાશીના મંદિરોના કેસ આ કાયદામાંથી બહાર થઈ જાય છે.
શું છે આ Places of worship Act 1991
1991માં તત્કાલિન પ્રધાનમંત્રી પીવી નરસિંહારાવ સરકારે પૂજા સ્થળ કાયદો અમલી કર્યો હતો. આ કાયદા મુજબ 15 ઓગસ્ટ 1997 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજા સ્થળને કોઈ અન્ય ધર્મના પૂજા સ્થળમાં ફેરવી શકાશે નહીં. જો કોઈ આમ કરવાની કોશિશ કરશે તો તેને એકથી ત્રણ વર્ષ સુધી જેલ કે દંડ થઈ શકે છે. અયોધ્યાનો કેસ તે સમયે કોર્ટમાં હતો એટલે કે તેને આ કાયદાથી બાકાત રાખવામાં આવ્યો હતો.
આ કાયદાની બે કલમો કહે છે કે જો 15 ઓગસ્ટ 1947ના રોજ કોઈ ધાર્મિક સ્થળના ચરિત્રમાં ફેરફારને લઈને કોઈ અરજી કે અન્ય કાર્યવાહી કોઈ કોર્ટ, ન્યાયાધિકરણ કે અન્ય પ્રાધિકરણમાં પેન્ડિંગ હોય તો તેને બંધ કરી દેવાશે. જ્યારે કાયદાની કલમ-3 કોઈ પૂજા સ્થળને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે કોઈ બીજા ધર્મના પૂજા સ્થળમાં ફેરવવા પર રોક લગાવે છે. એટલે સુધી કે કાયદાની કલમ 3 કોઈ પણ ધાર્મિક સંપ્રદાયના પૂજા સ્થળને પૂર્ણ કે આંશિક રીતે ધર્માંતરણને એક અલગ ધાર્મિક સંપ્રદાયના પૂજા સ્થળ કે એક જ ધાર્મિક સંપ્રદાયના એક અલગ ખંડમાં ફેરવવા પર રોક લગાવે છે.
કલમ 4(1) કહે છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ પૂજા સ્થળનું જે ચરિત્ર હતું તે તેવું જ રાખવાનું રહેશે. જ્યારે કલમ 4(2)ની જોગવાઈ તે કેસ અને અપીલો તથા કાયદાકીય કાર્યવાહીને રોકવાની વાત કરે છે જે પૂજા સ્થળ કાયદો લાગૂ થયાની તારીખ સુધી પેન્ડિંગ હતા. આ સાથે જ આ કલમ કોઈ પણ નવા કેસને દાખલ થવા ઉપર પણ રોક લગાવે છે. આ કાયદાની કલમ-5 કહે છે કે પૂજા સ્થળ કાયદો રામ જન્મભૂમિ સંલગ્ન કેસ પર લાગૂ થશે નહીં.
પૂજા સ્થળ કાયદાને પડકાર્યો
આ કાયદાને પડકારનારી ઓછામાં ઓછી બે અરજીઓ કોર્ટમાં વિચારણા હેઠળ છે. જેમાંથી એક અરજી લખનઉના વિશ્વ ભદ્ર પુજારી પુરોહિત મહાસંઘ અને કેટલાક અન્ય સનાતન ધર્મના લોકોએ કરી છે. બીજી અરજી ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. બંને અરજીઓ સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. અરજીકર્તાઓનું કહેવું છે કે આ કાયદો ન્યાયિક સમીક્ષા પર રોક લગાવે છે. જે બંધારણની પાયાની વિશેષતા છે. આ સાથે જ આ કાયદો એક મનમાની તર્કહીન કટ ઓફ તિથિ પણ લાગૂ કરે છે જે હિન્દુ, જૈન, બુદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓના અધિકાર ઓછા કરે છે. અશ્વિની ઉપાધ્યાયની અરજી પર માર્ચ 2021માં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી. જો કે કેન્દ્ર તરફથી હજુ સુધી જવાબ દાખલ કરાયો નથી.
અત્રે જણાવવાનું કે જુલાઈ 1991માં પણ જ્યારે કેન્દ્રમાં સરકાર આ કાયદો લાવી હતી ત્યારે સંસદમાં ભાજપે કાયદાનો વિરોધ કર્યો હતો. તે સમયે રાજ્યસભામાં અરુણ જેટલી અને લોકસભામાં ઉમા ભારતીએ આ મુદ્દો JPC સમક્ષ મોકલવાની માગણી કરી હતી.
અયોધ્યા કેસમાં ચુકાદો આવ્યા બાદ એકવાર ફરીથી મથુરા અને કાશી સહિત દેશભરના લગભગ 100 પૂજાસ્થળો પર મંદિર હોવાની દાવેદારી કરાઈ રહી છે. પરંતુ 1991ના કાયદાના પગલે કોર્ટમાં જઈ શકાતુ નથી.
કોર્ટમાં કેસ કેવી રીતે?
જ્ઞાનવાપી સાથે જ જોડાયેલા એક કેસમાં અરજીકર્તા અને વકીલ રંજના અગ્નિહોત્રી કહે છે કે 1991નો પૂજા સ્થળ કાયદો કોઈ ધર્મ સ્થળના ધાર્મિક સ્વરૂપને બદલવાની વાત કરતો નથી. જ્ઞાનવાપીનું ધાર્મિક સ્વરૂપ કહે છે કે 1947 પહેલા અહીં માતા શ્રૃંગાર ગૌરીની પૂજા દરરોજ થતી હતી. 1991 સુધી તેમની પૂજા થઈ રહી. અત્યારે પણ વર્ષમાં એકવાર તેમની પૂજા થાય ચે. હવે ત્યાં શિવલિંગ મળ્યું છે. કોઈ પણ સ્થાન પર નમાજ પઢવા માત્રથી તે સ્થાનનું ધાર્મિક સ્વરૂપ બદલાઈ જતું નથી. આ મામલે તેઓ અનેક તર્ક આપે છે. તેમનું કહેવું છે કે પૂજા સ્થળ કાયદો 1991માં બ્યો. તે પહેલા 1983 માં કાશી વિશ્વનાથ એક્ટ બની ચૂક્યો છે. તે સમગ્ર પરિસર કાશી વિશ્વનાથ એક્ટ હેઠળ સંચાલિત થાય છે. તેઓ કહે છે કે 1991નો એક્ટ એમ પણ કહે છે કે આ એક્ટ તે પરિસરો પર લાગૂ નહીં થાય જે કોઈ અન્ય એક્ટથી સંચાલિત થાય છે. એડવોકેટ અગ્નિહોત્રીના કહેવા પ્રમાણે આ બે મહત્વના આધાર પર અમારી અરજી સ્વીકારવામાં આવી છે.
બીજી બાજુ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે તેમની અરજી કોઈ ધર્મ સ્થળની દાવેદારી અંગે નથી. પરંતુ આ અરજીમાં દાવેદારી પર રોક લગાવનારા 1991ના કાયદાની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ કાયદો ભેદભાવપૂર્ણ અને મૌલિક અધિકારોનો ભંગ કરે છે. તેમની અરજીમાં કાયદાની કલમ 2, 3, 4ને રદ કરવાની માંગણી કરાઈ છે. અરજીકર્તાનું કહેવું છે કે આ કલમો 1192થી લઈને 1947 દરમિયાન આક્રમણકારો દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરાયેલી પૂજા સ્થળોને કાયદાકીય માન્યતા આપે છે.
અરજીમાં કહેવાયું છે કે આ એક્ટમાં રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે અને કાયદાના દાયરાથી અલગ રાખવામાં આવ્યું છે. પરંતુ કૃષ્ણ જન્મભૂમિને નહીં. જ્યારે રામ અને કૃષ્ણ બંને વિષ્ણુના અવતાર છે. આવામાં આ કાયદો બંધારણની કલમ 14 અને 15નો ભંગ કરે છે. જે તમામને સમાનતાનો અધિકાર આપે છે. અશ્વિની ઉપાધ્યાયના જણાવ્યાં મુજબ દેશમાં એવા 900 મંદિર છે જેમને 1192થી 1947 વચ્ચે તોડીને તેમની જમીન કબ્જાવી મસ્જિદ કે ચર્ચ બનાવી દેવાઈ. જેમાંથી 100 તો એવા છે કે જેમનો ઉલ્લેખ આપણા 18 મહાપુરાણોમાં છે. તેઓ કહે છે કે આ કાયદાનો બેસ 1947 રાખવામાં આવ્યો છે. જો આ પ્રકારે કોઈ બેસ બનાવવો જ હોય તો 1192નો બેસ હોવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે