PM Modi : ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે
બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમ 2019 માં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતની સિધ્ધિ ગાથા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ભારત ઝડપથી વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે. ન્યૂ ઇન્ડિયામાં વેપાર પર ભાર મુકાઇ રહ્યો છે. ભારત પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં અર્થવ્યસ્થાને 5 ટ્રિલીયન સુધી લઇ જવાશે. ભારતે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા માટે દેશભરમાં એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્લૂમબર્ગ બિઝનેસ ફોરમમાં મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને અહીં ભારત દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારતમાં રોકાણ માટે ઉજળી તકો છે અને ભારત રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ દેશ હોવાનું જણાવ્યું છે. સરકાર ભારતમાં વ્યાપાર અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના શક્ય તમામ પગલાં લઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, ભારત આગામી દિવસોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 1.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે, જેથી ભારતમાં બિઝનેસ માટે આવતી કંપનીઓને વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બને.
બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમ 2019 માં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતની સિધ્ધિ ગાથા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ભારત ઝડપથી વિકાસની ગતિમાં આગળ વધી રહ્યું છે. ન્યૂ ઇન્ડિયામાં વેપાર પર ભાર મુકાઇ રહ્યો છે. ભારત પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં અર્થવ્યસ્થાને 5 ટ્રિલીયન સુધી લઇ જવાશે.
પીએમ મોદીએ કહ્યું કે, "અમારી સરકારમાં માળાખાગત ક્ષેત્રમાં જેટલો વિકાસ અને જેટલું રોકાણ થયું છે તેટલું અગાઉ ક્યારેય થયું નથી. આગામી સરકાર માળખાગત સુવિધાઓના ક્ષેત્ર પાછળ 100 લાખ કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણો લાંબો સમય બાકી છે. ભારતમાં રોકાણ માટે અત્યારે સૌથી ઉજળી તક છે. જો તમે બજારમાં રોકાણ કરવા માગો છો તો, ભારતમાં તમારું સ્વાગત છે."
વડાપ્રધાને કહ્યું કે, "130 કરોડ ભારતીયોએ 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારમાં બીજી વખત વિશ્વાસ મુકીને એ સાબિત કર્યું છે કે, ભારતમાં બિઝનેસ માટે સાનુકૂળ વાતાવરણ છે. ભારતીયોએ વિકાસની તરફેણમાં મતદાન કર્યું હતું."
પીએમ મોદીએ અહીં ફરી એક નવું સૂત્ર આપતા જણાવ્યું કે, "ભારતમાં દુનિયામાં ક્યાંય ન હોય એવો 4 'D'નો સંગમ જોવા મળે છે. આ ચાર 'D' છે - ડેમોક્રસી(Democracy), ડેમોગ્રાફી(Demography), ડીમાન્ડ(Demand) અને ડીસિઝિવનેસ(Decisiveness). "
પીએમ મોદીએ કહ્યું કે, બીજી વખત સરકારમાં આવ્યા પછી અમારી સરકારે 50 કરતાં પણ વધુ એવા જૂના કાયદાઓ સમાપ્ત કરી દીધા છે, જે વિકાસના કાર્યોમાં વિઘ્નરૂપ હતા. ઈનોવેશન માટે ભારતનાં યુવાનોને જે પ્રોત્સાહન મળી રહ્યું છે, તેના કારણે અમેરિકા અને ચીન પછી ભારત 'Unicorns' બાબતે વિશ્વમાં 3જા નંબરે છે. કર વ્યવસ્થામાં સુધારા ઉપરાંત દુનિયાનું સૌથી મોટું ફાઈનાન્શિયલ ઈન્ક્લૂઝન પણ ભારતમાં ઘણા ઓછા સમયમાં થયું છે. લગભગ 37 કરોડ લોકોને છેલ્લા 4-5 વર્ષમાં બેન્કિંગ સાથે પ્રથમ વખત સાંકળવામાં આવ્યા છે.
વડાપ્રધાને બ્લૂમબર્ગ બિઝનેસ ફોરમમાં જણાવ્યું કે, "ભારતના વિકાસના માર્ગમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ લીપનો રોડમેપ જમીન પર ઉતરી ચૂક્યો છે. ભારતે હવે એક મોટું લક્ષ્ય બનાવ્યું છે, દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું. છેલ્લા 5 વર્ષમાં ભારતમાં 286 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. જે, છેલ્લા 20 વર્ષ દરમિયાન ભારતમાં થયેલા કુલ વિદેશી રોકાણનું અડધું છે. અમેરિકાએ છેલ્લા દાયકાઓમાં ભારતમાં રોકાણ કર્યું છે, તેનું 50 ટકા રોકાણ માત્ર છેલ્લા 4 વર્ષ દરમિયાન કર્યું છે."
વડાપ્રધાને કહ્યું કે, ભારતે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા માટે દેશભરમાં એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મજયંતિથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે એક મોટું અભિયાન ચલાવવામાં આવનારું છે.
જુઓ લાઇવ ટીવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે