રાહુલ ગાંધીને ન મળવા પ્રાંત અધિકારીએ ધમકાવ્યા, ખેડૂત પરિવારનો ગંભીર આરોપ

મંદસોરના ખેડૂત પરિવારનો આરોપ છે કે અહીંના પ્રાંત અધિકારીએ રાહુલ ગાંધીની રેલીમાં ન જવા માટે કહ્યું છે. 

રાહુલ ગાંધીને ન મળવા પ્રાંત અધિકારીએ ધમકાવ્યા, ખેડૂત પરિવારનો ગંભીર આરોપ

ભોપાલ : મધ્યપ્રદેશના મંદસોરમાં ખેડૂતો પર પોલીસ ગોળીબારીની ઘટનાની પ્રથમ વરસીએ રાહુલ ગાંધી જન સભા સંબોધિત કરવા આવ્યા છે. આ દરમિયાન ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે,  ગત વર્ષે પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા ખેડૂત અભિષેક પાટીદારના પરિવારને એસડીએમ દ્વારા રેલીમાં ન જવા માટે ફોન પર ધમકી અપાતાં ખળભળાટ મચ્યો છે. પરિવારનો આરોપ છે કે, રાહુલ ગાંધીની સભામાં ન જવા માટે ધમકી અપાઇ છે. 

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં અભિષેકના પરિવારજનોએ કહ્યું કે, અમારા બીજા પુત્રને એસડીએમનો ફોન આવ્યા હતો અને રાહુલની રેલીમાં ન જવા માટે કહેવાયું છે. પરંતુ જ્યારે એણે કહ્યું કે, મારા માતા પિતા જઇ રહ્યા છે તો એમણે રાહુલ ગાંધીને ન મળવા ધમકાવ્યા હતા. 

દરમિયાન કેટલાક સ્થળોએ ખેડૂતોએ રાહુલ ગાંધી પાછા જાવના સુત્રોચ્ચાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી ખેડૂતોની લાશો પર રાજનીતિ કરવાનું બંધ કરો. જોકે આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે ટ્વિટ કરતાં કહ્યું કે, સરકાર મંદસોર ગોળીકાંડના મૃતકોના પરિવારજનોને રાહુલ ગાંધી સાથે મળતાં રોકી રહ્યા છે. 

કમલનાથે ટ્વિટ કરતાં લખ્યું કે, શિવરાજ સરકારનો દમનચક્રનો ખેલ ચાલુ જ છે. મંદસોર ગોળીકાંડના મૃતકોના પરિવારજનોને ગત વર્ષે પણ રાહુલ ગાંધી સાથે મળતાં અટકાવાયા હતા. આ વર્ષે પણ આવો જ પ્રયાસ કરાયો છે. પરિવારજનોને ધમકાવાઇ રહ્યા છે. છેવટે પીડિતોને કેટલા દબાવશે આ સરકાર?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news