ડીઝલના વધતા જતા ભાવે રેલવેનું બજેટ ખોરવ્યું
રેલવેને ડીઝલના વધતા ભાવને કારણે આ વર્ષે રૂ.800થી 1000 કરોડનો વધુ ખર્ચ કરવો પડી શકે છે, દર વર્ષે રેલવે રૂ.18,000 કરોડ જેટલી રકમ ઈંધણ પાછળ ખર્ચે છે
Trending Photos
નવી દિલ્હીઃ વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર દેશના નાગરિકોને જ થતી નથી, પરંતુ સરકાર પણ તેમાંથી બાકી નથી. ડીઝલના વધતા જતા ભાવે ભારતીય રેલવેની ચિંતા વધારી દીધી છે અને તેનું સમગ્ર બજેટ ખોરવાઈ ગયું છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડીઝલના વધતા જતા ભાવને કારણે છેલ્લા એક મહિનાથી રેલવેનું બજેટ ખોરંભે ચડ્યું છે. રેલવેના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, જો ભાવ આ રીતે જ વધતા રહેશે તો તેની સીધી અસર રેલવેના માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ પર પડશે. રેલવેને રેલગાડીઓના પરિચાલન ખર્ચની સરેરાશની ફરીથી સમીક્ષા કરવી પડશે. પરિચાલન સરેરાશ ખર્ચને સાદી ભાષામાં કહીએ તો રૂ.1 કમાવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
એક અંદાજ મુજબ ભારતીય રેલવે દર વર્ષે ડીઝલ પાછળ રૂ.18,000 જેટલો ખર્ચ કરે છે. આ વર્ષે જે રીતે ડીઝલના ભાવમાં વધારો થયો છે તે જોતાં રેલવેને ઉપરોક્ત બજેટ ઉપરાંત રૂ.800થી રૂ.1000 જેટલી વધુ રકમ ખર્ચવી પડી શકે એમ છે.
આ કારણે જ જમીન પરના માળખાકીય પ્રોજેક્ટો જેવા કે વિજળીકરણ, લાઈન ડબલ કરવી, ત્રણ લાઈન કરવી અને નવી લાઈન પાથરવી જેવા કામોને અસર થઈ શકે છે.
ડીઝલ ઉપરાંત રેલવેના બજેટ પર અન્ય આર્થિક નિર્ણયોએ પણ અસર કરી છે. પગારધોરણમાં સાતમું પગારપંચ લાગુ કરવામાં આવ્યું છે અને તેના કારણે પેન્શન મેળવતા કર્મચારીઓને પણ રેલવેએ હવે વધુ રકમ ચુકવવી પડશે. આ ઉપરાંત, પ્રવાસીઓને રૂ.33,000 કરોડ જેટલી સબસિડી આપવામાં આવી છે.
હવે તહેવારો આવી રહ્યા છે ત્યારે કર્મચારીઓને બોનસ પણ ચૂકવવી પડશે. સાથે જ વિશ્વના સૌથી મોટા નોકરી પ્રદાતા એવી ભારતીય રેલવેને નવી 1 લાખ નોકરીઓ ઊભી કરવાનું પણ દબાણ છે.
આ બધાની વચ્ચે વધતા જતા ડીઝલના ભાવોએ રેલવેને બજેટને વેરવિખેર કરી નાખ્યું છે. રેલવેના અધિકારીઓ પણ આ બજેટને કેવી રીતે સેટ કરવું તેના માટે માથું ખંજવાળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે