દિલ્હીમાં સ્કૂલ બસ ચાલકને ગોળી મારી, નર્સરીના બાળકનું કર્યું અપહરણ

બાઇક સવાર બે બદમાશોએ બસના ચાલકને ગોળી માર્યા બાદ બસમાંથી એક બાળકનું અપહરણ કરતાં આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દિલ્હીમાં સ્કૂલ બસ ચાલકને ગોળી મારી, નર્સરીના બાળકનું કર્યું અપહરણ

નવી દિલ્હી : પૂર્વી દિલ્હીના એક પોશ વિસ્તારમાં ગુરૂવારે સવારે એક સ્કૂલ બસના ચાલકને ગોળી મારી સ્કૂલ બસમાંથી એક બાળકનું અપહરણ કરવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બાઇક પર આવેલા બે બદમાશોએ આ ઘટનાને અંજામ આપતાં સુરક્ષાને લઇને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. એક તરફ શુક્રવારે પ્રજાસત્તાક દિવસની પરેડને લઇને દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે ત્યારે બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અહીં નોંધનિય છે કે, વહેલી સવારે 7-30 કલાકના અરસામાં આ ઘટના ઘટી હતી. બસમાં અંદાજે 15-20 બાળકો સવાર હતા ત્યારે બે બાઇક સવારોએ ચાલકને ગોળી માર્યા બાદ બાળકનું અપહરણ કર્યું હતું. 

અપહ્યુત બાળક નર્સરીનો વિદ્યાર્થી
અપહરણ થયાની ઘટના સામે આવતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસનો દોર હાથ ધર્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર એમની પાસે સ્કૂલ બસને અકસ્માત થયાના સમાચાર આવ્યા હતા જેને પગલે તેઓ ત્યાં પહોંચ્યા હતા. બાદમાં એમને જાણકારી મળી કે એમના બાળકનું અપહરણ થયું છે. આ બસમાં અપહ્યુત બાળકની બહેન પણ સવાર હતી. અપહરણ કરનાર બાળકોએ અન્ય કોઇ બાળકને ઇજા પહોંચાડી ન હતી પરંતુ એ બાળકને લઇને ભાગી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બસ ચાલકને સારવાર માટે દાખલ કરાયો છે. 

દિલ્હીમાં સઘન સુરક્ષા બંદોબસ્ત
જ્યાં આ ઘટના ઘટી એ વિસ્તાર ગાજીયાબાદ અને લોની વિસ્તારની નજીક છે. અહીંથી મેરઠ કે અન્ય વિસ્તારમાં પણ જઇ શકાય છે. દિલ્હી પોલીસે યૂપી પોલીસને આ ઘટનાને લઇને એલર્ટની તાકીદ કરી છે. પીડિત પરિવાર તથા અન્ય લોકોમાં આ વાતનો આક્રોશ છે કે, 26 જાન્યુઆરીને લઇને સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન છે, દરેક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી છે. પોલીસને આશંકા છે કે, આ અપહરણ ખંડણી માટે કરાયું હોવું જોઇએ. 

NCRમાં 24 કલાકમાં બીજી ઘટના
26 જાન્યુઆરીના સમારોહમાં 10 દેશોના પ્રતિનિધિઓ ભારત આવી રહ્યા છે એવામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દિલ્હી સહિત સમગ્ર એનસીઆર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. જોકે આમ છતાં આ વિસ્તારમાં બદમાશો ક્રાઇમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ બીજી મોટી ઘટના ઘટી છે. દિલ્હીમાં સ્કૂલ બસના ચાલકને ગોળી મારી બાળકનું અપહરણ કરાયું છે જ્યારે કેટલાક કલાકો અગાઉ મેરઠમાં ધોળા દહાડે મા-પુત્રની ગોળી મારી સરેઆમ હત્યા કરવામાં આવી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ મામલે પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news