દેશની એક માત્ર નદી... જ્યાં પાણી સાથે વહે છે સોનું, સવારથી રાત સુધી લોકો ભેગું કરવા કરે છે પડાપડી
Trending Photos
SwarnaRekha River: ભારતમાં 400થી પણ વધુ નાની મોટી નદીઓ વહે છે. દેશભરમાં વહેતી આ નદીઓની કોઈ ને કોઈ ખાસિયત ચોક્કસ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું જે સોનાની નદી કહેવાય છે. અહીં પાણીમાંથી સોનું નીકળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સેંકડો વર્ષો પછી પણ વૈજ્ઞાનિકોને એ ખબર નથી પડી કે આ નદીમાં સોનું કેમ વહે છે. એટલે કે નદીનું સોનું વૈજ્ઞાનિકો માટે હજુ પણ રહસ્ય છે.
નદીમાંથી સોનું ચાળવાનું કામ કરે છે અહીંના લોકો
ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે અને દિવસભર રેત ચાળીને સોનાના કણ ભેગા કરે છે. આ કામ અનેક પેઢીઓથી ચાલતું આવ્યું છે. તમાડ અને સારંડા જેવા અનેક વિસ્તારો છે જ્યાં પુરુષો, મહિલાઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું ભેગું કરવા જાય છે.
સીધી બંગાળની ખાડીમાં પડે છે નદી
આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વહે છે અને તેનું ઉદ્ગમ ઝારખંડના રાંચી શહેરથી લગભગ 16 કિમી દૂર છે. આ નદી સંલગ્ન એક ચોંકાવનારી વાત એ છે કે રાંચી સ્થિત આ નદી પોતાના ઉદ્ગમ સ્થળથી નીકળ્યા બાદ તે વિસ્તારની કોઈ પણ અન્ય નદીમાં જઈને મળતી નથી. પરંતુ તે નદી સીધી બંગાળની ખાડીમાં જઈને પડે છે.
સોનાની સચ્ચાઈ આજ સુધી ખબર પડી નથી
મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં રિસર્ચ કરી ચૂકેલા અનેક ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે કે આ નદી પથ્થરોમાંથી પસાર થઈને આગળ વધે છે અને આ કારણસર તેમાં સોનાના કણ આવી જાય છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે વાત હજુ સુધી જાણવા મળી નથી.
કેટલાક લોકો આ પણ માને છે
સ્વર્ણ રેખાની એક સહાયક નદી 'કરકરી'ની રેતીમાં પણ સોનાના કણ મળે છે. જ્યારે કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે સ્વર્ણ રેખા નદીમાં જે સોનાના કણ મળી આવે છે તે કરકરી નદીમાંથી વહીને આવે છે.
સરળ નથી નદીમાંથી સોનું કાઢવું
નદીની રેતમાંથી સોનું ભેગું કરવા માટે લોકોએ દિવસભર મહેનત કરવી પડે છે. આદિવાસી પરિવારના લોકો દિવસભર પાણીમાં સોનાના કણ શોધવાનું કામ કરે છે. દિવસભર કામ કર્યા બાદ સામાન્ય રીતે એક વ્યક્તિ એક કે બે સોનાના કણ જ મેળવી શકે છે. એક કણને વેચીને 80થી 100 રૂપિયા મળે છે. આ પ્રકારે સોનાના કણ વેચીને એક વ્યક્તિ સરેરાશ માસિક 5થી 8 હજાર રૂપિયા જ કમાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે