વિરાટ કોહલીએ વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો 'ધ વોલ' રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીનું 2018નું વર્ષ બેટિંગની દૃષ્ટિએ અત્યંત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહ્યું છે, આ વર્ષે તેણે અનેક નવા-નવા રેકોર્ડ બનાવ્યા છે, તેમાં હવે વર્ષાંતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે પોતાના નામે વધુ એક રેકોર્ડ કર્યો છે 

વિરાટ કોહલીએ વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો 'ધ વોલ' રેકોર્ડ તોડ્યો

મેલબોર્નઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો વિદેશી ધરતી પર એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ તેણે આ વર્ષે પોતાની સફળતામાં એક નવું છોગું ઉમેર્યું છે. 

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વિરાટે 82 રન પૂરા કરવાની સાથે જ વર્ષ 2018માં કુલ 1,138 ટેસ્ટ રન બનાવી લીધા હતા. રાહુલ દ્રવિડે વર્ષ 2002માં વિદેશી ધરતી પર 1,137 રન બનાવ્યા હતા. 

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)એ તેના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું છે કે, "82 રન બનાવવાની સાથે જ વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડના એક કેલેન્ડર વર્ષમાં વિદેશી ધરતી પર 1137 રનનો આંકડો પાર કરી લીધો છે. #KingKohli."

With 82 runs today, @imVkohli has surpassed Rahul Dravid (1137) to register most number of runs in a calendar year in overseas Tests #KingKohli pic.twitter.com/HyiYtuBtgJ

— BCCI (@BCCI) December 27, 2018

કોહલી અને દ્રવિડ પછી વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવવામાં ત્રીજા ક્રમે મોહિન્દર અમરનાથ આવે છે, જેમણે 1983ના વર્ષમાં 1,065 રન બનાવ્યા હતા. ગ્રેટ સુનિલ ગાવસ્કર 1971માં 918 રન બનાવાની સાથે જ આ યાદીમાં ચોથા સ્થાને છે. 

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બેટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 5 ટેસ્ટમાં 600 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કર્યું હતું. 

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના બીજા દિવસે કોહલીએ પીચ પર ઉભા રહીને 204 બોલમાં 82 રન બનાવ્યા હતા અને 70મી ઓવરમાં રેકોર્ડ બ્રેક આંકડો પાર કર્યો હતો. કોહલી સાથે ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે રોહિત શર્માએ પણ 114 બોલમાં 63 રન નોટઆઉટની ઈનિંગ્સ રમીને ભારતીય સ્કોરને 7 વિકેટે 443 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news