TB Free India Campaign: વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબીમુક્ત બનાવવાનું PM નરેન્દ્ર મોદીનું વિઝન, ભારતમાં વિશ્વના ચોથા ભાગના ટીબીના કેસ

TB Free India Campaign: દર વર્ષે તા. ૨૪ માર્ચના દિવસે સમગ્ર વિશ્વ અને દેશના તમામ રાજયો તથા જિલ્લાઓમાં ‘વર્લ્ડ ટીબી ડે’ નિમિત્તે ક્ષય રોગ અંગે વિવિધ જાગૃતિવર્ધક કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવે છે.

TB Free India Campaign: વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબીમુક્ત બનાવવાનું PM નરેન્દ્ર મોદીનું વિઝન, ભારતમાં વિશ્વના ચોથા ભાગના ટીબીના કેસ

TB Free India Campaign: ટીબી રોગ એ માત્ર જાહેર આરોગ્યની જ સમસ્યા નથી. તે દેશ તેમજ સમાજની આર્થિક અને સામાજિક સમસ્યા પણ છે. ટીબી (ક્ષય) માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુથી થતો ચેપી પ્રકારનો રોગ  છે. આ રોગ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. તેમ છતાં શરીરના અન્ય ભાગમાં પણ ટીબી થઈ શકે છે. ક્ષયરોગના સૂક્ષ્મ જીવાણું  જ્યારે ફેફસાંને અસર કરે છે તેને ફેફસાંનો ક્ષય કહેવાય છે. ફેફસાં સિવાયના અન્ય શરીરના ભાગના ટીબીને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે  છે. જેમ કે, તે  લસીકા ગ્રંથિ, હાડકા, સાંધા, મૂત્ર જનન માર્ગ અને ચેતા તંત્ર, આંતરડા વગેરેમાં જોવા મળે છે. 

સામાન્ય પ્રકારના ટીબી રોગનું નિદાન દર્દીની બે ગળફાની માઇક્રોસ્કોપી દ્વારા કરવામાં આવે છે.  જેના માટે રાજ્યમાં તમામ શહેરી તથા ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તમામ સરકારી હોસ્પિટલ ખાતે  ડેઝીગ્નેટેડ માઈક્રોસ્કોપીક સેન્ટર કાર્યરત છે, જેમાં ટીબી રોગનું નિદાન નિ: શુલ્ક થાય છે. તદઉપરાંત હઠીલા ટીબીના નિદાન માટે  વડોદરા શહેર અને જિલ્લામાં ૫ સીબીનાટ મશીન અને ૬ ટ્રુનાટ મશીનની સુવિધાયુક્ત લેબોરેટરી પણ કાર્યરત છે.

આ રોગની સારવાર તમામ સરકારી દવાખાનામાં નિ:શુલ્ક ઉપલબ્ધ છે. સામાન્ય પ્રકારના ટીબીની સારવાર ૬ માસની હોય છે જ્યારે ગંભીર પ્રકારના ટીબીની સારવાર ૯ થી ૨૪ મહિનાની હોય છે. ટીબીના દર્દીઓને તાલીમબદ્ધ આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, કોમ્યુનીટી વોલિન્ટિયર, ટીબીથી સાજા થયેલ દર્દીઓ વગેરે જેવા ડૉટ્સ પ્રોવાઈડર દ્વારા નજર સમક્ષ ટૂંકા ગાળાની સારવાર દર્દીના રહેઠાણથી નજીક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ટીબી રોગની નિયમિત સારવાર  લેવામાં આવે તો ટીબી ચોક્કસ મટી શકે છે. સારવાર ન લેતા હોય તેવા દર્દી જ્યારે ખાંસી કે છીંક ખાય છે, ત્યારે ટીબીના જંતુને બારીક છાંટાના રૂપમાં હવામાં ફેંકાય છે અને તે અન્ય તંદુરસ્ત વ્યક્તિને પણ આનો ચેપ લગાડી શકે છે.

No description available.

વર્ષ ૧૮૮૨ ની ૨૪મી માર્ચના રોજ ડો. રોબર્ટ કોક નામનાં વૈજ્ઞાનિકે ટીબી રોગ થવા માટે કારણભૂત ટીબીનાં જંતુ ˝માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ˝ ની શોધ કરી હતી. જેથી દર વર્ષે તા. ૨૪મી માર્ચને ‘વિશ્વ ક્ષય દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જેના થકી  ટીબીના રોગને કાબૂમાં લેવા માટે તેના વિરુદ્ધની લડતમાં જનભાગીદારીને સક્રિય બનાવવા માટે દર વર્ષે ભારત સરકારના સેન્ટ્રલ ટીબી ડીવીઝન મારફતે વિસ્તૃત કાર્યક્રમ તથા જરૂરી સૂચનો અને સૂત્રો આપવામાં આવે છે. આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે -  ‘Yes WE Can End TB’ (હા , આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ).

ગ્લોબલ ટીબી રીપોર્ટ-૨૦૨૨ મુજબ ભારતમાં વિશ્વના ચોથા ભાગના ટીબીના કેસ મળી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં કુલ ૧,૫૧,૮૮૧ ટીબીના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી, ૮૬૫૩ ટીબીના દર્દીઓ વડોદરા શહેર-જિલ્લાના છે.વડોદરા શહેર જિલ્લામાં વર્ષ - ૨૦૨૨માં ટીબીના ૭૪૫૫ દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓને ઝડપી ઓળખ કરવા માટે જન જાગૃતિના કાર્યક્રમો  કરવામાં આવી રહ્યા છે. 

જે દર્દીઓને ૨ અઠવાડીયાથી વધારે ખાંસી હોય, વજનમાં ઘટાડો થતો હોય, ઝીણો તાવ આવતો હોય, રાત્રે પરસેવો થતો હોય - જેવા ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તેવા દર્દીઓને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિદાન કરાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની ફેરણી દરમિયાન પણ ટીબી રોગના શંકાસ્પદ દર્દીઓ શોધી તેઓને વહેલાસર નિદાન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ટીબીના લક્ષણો અંગે જાણકારી વધે, ઉપલબ્ધ સેવાઓનો વ્યાપ વધે, ટીબી નિયમિત સારવારથી ચોક્કસ મટી શકે તે બાબતે જનજાગૃતિ વધે અને સામુદાયિક ભાગીદારી વધે તે માટે દરેક શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દર મહિનાની ૨૪ તારીખે ‘નિક્ષય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહીને રુ. ૫૦૦/- ની સહાય ડીબીટી માધ્યમથી પૂરી પાડવામાં આવે છે.

ટીબી નિર્મૂલન કામગીરીને વેગ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” નામની નવીન પહેલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને કોર્પોરેટ સેક્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, ચૂંટાયેલા જનૃપ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, સંસ્થાઓ દ્વારા પોષણયુક્ત આહાર, વોકેશનલ સપોર્ટ, નિદાન અને અન્ય જરુરીયાત મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં  વિવિધ દાતાઓ તેમજ નિક્ષય મિત્ર દ્વારા અંદાજે ૧૫૨૫ થી વધારે દર્દીઓને દર મહિને પોષણ કીટ આપવામાં આવે છે. વધુને વધુ કોર્પોરેટ સેક્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંસ્થાઓ નિક્ષય મિત્ર બની ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં જોડાય તેવા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ટીબી રોગ અટકાયત માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી ‘ટીબી પ્રીવેન્ટીવ ટ્રીટમેન્ટ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફેફસાંના ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરી તેઓને ભવિષ્યમાં ટીબી ન થાય તે માટે જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૨૫ સુધી ભારતમાંથી ટીબીને નાબૂદ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી સુપેરે કામ કરી રહી છે..

આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news