અલવિદા ઉસ્તાદ...12 વર્ષની ઉંમરે પહેલું પરફોર્મન્સ, 5 રૂપિયા હતી પહેલી કમાણી, એક્ટર પણ હતા તબલાવાદક ઝાકિર હુસૈન
દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરનારા જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કરી છે. તેમણે 73 વર્ષની વયે અમેરિકામાં છેલ્લા શ્વાસ લીધા.
Trending Photos
જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કરી દીધી છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેમને હ્રદય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ બાદમાં તેમની તબિયત વધુ બગડતા તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા. ઝાકિર હુસૈનના પરિવારે સોમવારે સવારે તેમના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે દુનિયાના ઉત્કૃષ્ટ સંગીતકારોમાંથી એક એવા ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે હ્રદય સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું છે. તેઓ પોતાની પાછળ એક અભૂતપૂર્વ વારસો છોડી ગયા છે.
ઝાકિર હુસૈનના પરિવારમાં તેમની પત્ની એન્ટોનિયા મિનેકોલા, તેમની બે પુત્રીઓ અનીસા કુરેશી, અને ઈસાબેલા કુરેશી, તેમના ભાઈ તૌફીક અને ફઝલ કુરેશી તથા બહેન ખુર્શીદ છે. ઝાકિર પોતાના ઘરમાં મોટા પુત્ર હતા. તેમના સિવાય તેમના બે ભાઈ તૌફીક કુરેશી અને ફઝલ કુરેશી પણ તબલાવાદક છે. જો કે તેમના એક ભાઈનું નાની ઉંમરે જ નિધન થઈ ગયું હતું.
ઝાકિર હુસૈને પોતાનું સ્કૂલિંગ મુંબઈની સેન્ટ માઈકલ હાઈસ્કૂલમાંથી કર્યું. ત્યારબાદ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂરો કરતા પહેલા જ તેઓ તબલાવાદક બની ગયા હતા. કારણકે તેમને નાનપણથી તબલાનો શોખ હતો. એવું કહેવાય છે કે ઝાકિર હુસૈને માત્ર 3 વર્ષની ઉંમરે પિતા પાસેથી મૃદંગ (એક શાસ્ત્રીય વાદ્ય) વગાડવાનું શીખ્યું હતું.
#WATCH | #ZakirHussain, one of the world’s most transcendent musicians, has passed away at the age of 73. Glimpses of his performances.
(Visuals - ANI Archive) pic.twitter.com/dYwiVGfdS0
— ANI (@ANI) December 16, 2024
થોડા વર્ષોમાં તેઓ સંગીતના કાર્યક્રમ કરવા લાગ્યા હતા. તેમણે 12 વર્ષની નાની ઉંમરમાં અમેરિકામાં પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. 12 વર્ષની ઉંમરે તેમણે પિતા સાથે પણ પરફોર્મ કર્યું હતું. ત્યારે ઝાકિર હુસૈનની પ્રતિભા જોઈ કોન્સર્ટમાં હાજર લોકો દંગ રહી ગયા હતા. પરફોર્મન્સ બાદ તેમને 5 રૂપિયા મળ્યા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે આ 5 રૂપિયા તેમના માટે વધુ મહત્વના રહેશે. કારણ કે તે તેમની પહેલી કમાણી હતી. ઝાકિર હુસૈને વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ઉપાધિ પણ મેળવી હતી.
ઝાકિર હુસૈનના ટેલેન્ટથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ખુબ ઈમ્પ્રેસ હતા. આથી ઓબામાએ ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે ઝાકિર હુસૈનને પણ વ્હાઈટ હાઉસમાં ઈન્વાઈટ કર્યા હતા. ઝાકિર હુસૈન માટે આ એક મોટી ઉપલબ્ધિ હતી.
પાંચ ગ્રેમી એવોર્ડ વિજેતા
ઉસ્તાદ ઝાકિર હુસૈનને તેમની પેઢીના સૌથી મહાન તબલાવાદક માનવામાં આવે છે. ભારતના સૌથી પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકારોમાંથી એક એવા ઝાકિર હુસૈનને 1988માં પદ્યશ્રી, 2002માં પદ્મ વિભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પોતાની કરિયરમાં તેઓ પાંચ ગ્રેમી એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા મહાન તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખ્ખા કુરેશી હતા. માતાનું નામ બીવી બેગમ હતું.
તેમણે પોતાની છ દાયકાની કરિયરમાં દેશ અને દુનિયાના મહાન લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું હતું. ઈંગ્લિશ ગીટારિસ્ટ જ્હોન મેકલોનલિને 1973મં ભારતીય વાયલિન પ્લેયર એલ શંકર, તબલાવાદક ઝાકિર હુસૈન અને ટી એચ 'વિક્કુ' વિનાયકરામ સાથે ફ્યૂઝન બેન્ડ 'શક્તિ'ની શરૂઆત કરી હતી. પરંતુ 1977 બાદ આ બેન્ડ બહુ એક્ટિવ રહ્યું નહીં.
1997માં જ્હોન મેકલોલિને ફરીથી આ કોન્સેપ્ટ પર 'રિમેમ્બર શક્તિ' નામનું બેન્ડ બનાવ્યું અને તેમાં વી સેલ્વાગણેશ (ટી એચ 'વિક્કુ' વિનાયકરામના પુત્ર) મેન્ડલિન પ્લેયર યુ શ્રીનિવાસ અને શંકર મહાદેવનને સામેલ કર્યા હતા. 2020માં આ બેન્ડ ફરીથી સાથે આવ્યું અને શક્તિ તરીકે તેમણે 46 વર્ષ બાદ પોતાનો પહેલો આલ્બમ 'ધિસ મોમેન્ટ' રિલીઝ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે