Chaitri Navratri : ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ-અંબાજી નહિ, ગુજરાતના આ મંદિરમાં ઉમટે છે ભક્તોની સૌથી વધુ ભીડ
Chaitri Navratri : વલસાડના રાબડામાં વિશ્વમાં એક માત્ર વિશ્વંભરી ધામ આવેલું છે....ત્યારે ચૈત્રી નવરાત્રિમાં અહીં વિશેષ મહોત્સવ યોજાય છે.. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત દેશ વિદેશીથી આવતા ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે...
Trending Photos
Valsad News નિલેશ જોશી/વલસાડ : આસો નવરાત્રિનું વિશેષ અને શહેરોમાં ઠેરઠેર નવરાત્રી મહોત્સવ યોજાતા હોય છે. જોકે દેવોની નવરાત્રિ તરીકે યોજાતી ચૈત્રી નવરાત્રિ મહોત્સવ દરમ્યાન માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના રાબડામાં આવેલ માં વિશ્વંભરી ધામ જે જગત જનનીનું વિશ્વનું એક માત્ર મંદિર છે. માં વિશ્વંભરી ધામમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના નોરતા દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે સાથે દેશ વિદેશથી માઇ ભક્તો માતાજીની આરાધના કરવા માં વિશ્વંભરી ધામમાં ઊમટી રહ્યા છે. અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાત અને દેશભરમાં શક્તિપીઠો અને શહેરોમાં ઠેરઠેર નવરાત્રી મહોત્સવ યોજાતા હોય છે. જોકે દેવોની નવરાત્રિ તરીકે યોજાતી ચૈત્રી નવરાત્રી મહોત્સવ દરમ્યાન માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. આથી આ દેવોની નવરાત્રિને સંપૂર્ણ ભક્તિ ભાવપૂર્વક ઉજવવા વલસાડના માં વિશ્વંભરી યાત્રાધામમાં ચૈત્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય મંદિરમાં બિરાજતા ત્રિભુવન રચનારાં માઁ વિશ્વંભરીના તેજોમય અલૌકિક સ્વરૂપની સન્મુખ આપણે કયારે થઈ ગયા એનું ભાન ઓગળી જાય છે. માતાના મધુર મુખના દર્શનમાં મન તલ્લીન બને છે. માઁનુ મોહક સ્મિત આપણી જન્મોજનમની તરસ સંતોષે છે. હવે માઁના ચતુર્ભુજ ભણી ધ્યાન જાય છે. એક હાથ ચક્ર, બીજો હાથ ત્રિશુલ, ત્રીજો હાથ ચારેય વેદ જોવા મળે છે. માઁ ના દિવ્ય મુખને જોતા લાગે છે કે. મા ‘હમણાજ કંઇ બોલશે, આપણી સાથે સંવાદ કરશે’ એવો ભાવ તરત જાગે છે અને હૃદયમાં મીઠી ઝણઝણાટી અનુભવાય છે. વિશ્વવિધાતાના સાક્ષાત દર્શનથી સમગ્ર ચેતના પુલકિત થાય છે. માના દિવ્ય દર્શન સાથે તેમનો રથ અને રથને જોડેલા અશ્વો પણ અદભુત દેખાય છે. માઁ તો જાતવાન, ગતિમાન, શ્વેત, પાંચ પાંચ અશ્વોવાળા પંચકર્મી દિવ્યરથમાં બિરાજમાન છે. રથની રચના, રંગો, સુશોભન અલૌકિક લાગે છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના પાવન અવસર પર મા વિશ્વંભરી ધામમાં આવતા માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
મંદિરના ટ્રસ્ટી કિરીટ ડેડાણિયા કહે છે કે, દર વર્ષની જેમ આ વખતે પણ યોજાયેલા આ ચૈત્રી નવરાત્રિ મહોત્સવના આયોજનમાં દિવસ દરમિયાન માં વિશ્વંભરી ધામમાં પૂજા હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવે છે. માં વિશ્વંભરી ધામમાં ચૈત્રી નવરાત્રિની ઉજવણી નિમિત્તે યોજાતાં ગરબામાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં છે. જેમાં આસો નવરાત્રીની જેમ માતાજીના ભક્તો ગરબા કરી અને માતાજીની આરાધના કરી છે. આ નવરાત્રિ મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અને મુંબઇ સહિત સમગ્ર દેશના શ્રદ્ધાળુઓમાં વિશ્વંભરીના ધામમાં ઉમટે છે. તો અતિ પવિત્ર મનાતી ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વિદેશથી એનઆરઆઈ ભક્તો પણ ખાસ માતાજીની આરાધના કરવા રાબડાના વિશ્વંભરીધામ પહોંચે છે અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે.
તો સાથેજ મંદિર સંકુલમાં અનેક આકર્ષણો છે જેમાં હિમાલયની પ્રતિકૃતિમાં પણ આકર્ષણ જમાવે છે. આછા પ્રકાશમાં અવળસવળ વધ્યા પછી ૨૦૦ ફૂટની ગૂફામાં વિશાળ શિવલિંગના દર્શન થાય છે. એ છે બ્રહ્માંડની ચેતનાનું કેન્દ્ર, લાઈટના લબકારા લેતી શેષ નાગની અનેક ફેણની જીભ તથા આંખો આપણું શિવ સાથે અનુસંધાન સાધે છે. જે અલોકીક છે. પાઠશાળાની બાજુમાં આવેલા ગોકુળધામમાં શ્રી કૃષ્ણે ઉપાડેલા ગોવર્ધન પર્વતનું વિશાળ જીવંત દ્રશ્ય તથા જશોદા અને નંદબાબાની મઢુલી દેખાય છે, એની સાથે જ આપણે દ્વાપર યુગની પ્રાચીન સંસ્કૃતિમાં પહોંચી જઈએ છીએ. શ્રી કૃષ્ણનું નામ ‘ગિરિરાજધરણ’ જે લીલા પરથી પડયું એ લીલા અહીં આબેહૂબ તાદ્રશ થઈ છે. પર્વત ઊંચકવાથી એમના બલિષ્ઠ દેહનાં સ્નાયુઓ તંગ થઈ ગયા છે. ગોવાળ સ્ત્રી, પુરુષ, બાળકોની પ્રતિમાઓ પણ રસપ્રદ છે. એમના કદ, આકાર, પહેરવેશ,એના રંગ, અરે ચહેરા પરના ભાવનું વૈવિધ્ય પણ આપણને છક કરે છે. શ્રી કૃષ્ણનો હાથ અને ગોવાળોની લાઠીઓના ટેકા છતાં આટલો વિશાળ પર્વત કેવી રીતે અધ્ધર સ્થિર રહ્યો છે એનું આપણને આશ્ચર્ય થાય છે. પર્વત પરની વનરાજી અને પશુ-પક્ષી સૃષ્ટિ પણ ધ્યાન ખેંરયા વિના નથી રહેતી.
સવંત ૨૦૭૨ના વૈશાખ સુદ અખાત્રીજ એટલેકે માઁ વિશ્વંભરીના પ્રાગટ્ય દિને તારીખ ૦૯-૦૫-૨૦૧૬ને સોમવારે આ ધામમાં માઁ વિશ્વંભરીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી. વિશ્વ કલ્યાણ અંગે મહાપાત્રજીએ માઁ પાસેથી જે ધ્યેય નિશ્ચિત કર્યુ છે તે અનુસાર માઁનો દિવ્ય સંદેશ “અંધશ્રધ્ધા છોડી ઘર તરફ પાછા વાળો અને ઘરને મંદિર બનાવો” અને માઁની ક્રાંતિકારી વિચારધારા દરેક ઘર ઘર સુધી પહોંચે તદુપરાંત પાંચ વિશિષ્ટ ઉદ્ કુટુંબકમ’ની ભાવના દ્રઢ થતાં આખું વિશ્વ એક પરિવાર બને અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ આશયથી મહાપાત્રજી શ્રી વિઠ્ઠલભાઈ દ્વારા આ સ્વર્ગસમુ સુંદર-શાંતિદાયક પરમ પુનિત ધામનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમા આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
યુગોથી આપણે સ્તુતિ કરતા આવ્યા છીએ કે “ વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યાધરી હૃદયમાં વસજો વિધાતા ”આમ સમગ્ર સૃષ્ટિ ની શક્તિ મા વિશ્વંભરી ની દિવ્ય અનુભૂતિ કરનાર એક ખેડૂત પુત્ર વિઠ્ઠલભાઈ એ પોતાના પરિશ્રમ થી આ દિવ્ય ધામ નો પાયો નાખ્યો અને આજે એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીથી ધર્મના જ્ઞાનની સાથે સામાજિક સુધારણાનો સંદેશ ફેલાય અને સાથે જ અંધશ્રદ્ધા છોડીને લોકો ઘરને જ મંદિર બનાવે તેવી કલ્પના સાકાર કરવા આ ધામ આજે કામ કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે