શરદ પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, દૂધપૌંઆ પણ આજે ધરાવાશે
lunar eclipse 2023 : આવતીકાલે ચંદ્રગ્રહણ હોઈ ડાકોરના રણછોડ રાયને આજે સાંજે દૂધ પૌંઆનો ભોગ ધરાવી દેવાશે... આવતીકાલે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે
Trending Photos
Sharad Purnima 2023 ખેડા : શાસ્ત્રોમાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અલગ અલગ તિથિ પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થતા હોય છે. આ ગ્રહણ દરમિયાન જે વિશેષ યોગ સર્જાય છે તેના કારણે કેટલીક રાશિઓને લાભ થાય છે તો કેટલીક રાશિના લોકો ઉપર સંકટ છવાઈ જાય છે. આ વર્ષે 28 ઓક્ટોબરે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે રાત્રે 11.32 મિનિટથી શરૂ થશે અને જે 29 ઓક્ટોબરે વહેલી સવારે 3.36 મિનિટ સુધી ચાલશે. ત્યારે ગ્રહણના સમયે આપણે ત્યાં મંદિરો બંધ રાખવામાં આવે છે. આવતીકાલે ચંદ્રગ્રહણના દિવસે શરદ પૂર્ણિમા પણ આવે છે. તેથી જો તમે ડાકોર મંદિરે દર્શન કરવા જવાના હોય તો ખાસ સાચવજો. કારણ કે, દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આવતીકાલે શરદપૂર્ણિમાના દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાયના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાના કારણે ડાકોરના ઠાકોરના દ્વાર વહેલા બંધ થશે. આવતીકાલે વહેલી સવારે 03:30 વાગ્યાના અરસામાં મંગળા આરતી થયા બાદ સાંજના 4 વાગ્યાના અરસામાં મંદિરના દ્વાર બંધ થશે. આ કારણે શરદપૂર્ણિમાના રાસોત્સવના ઉત્સવમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો છે. મંદિરમાં આજે સાંજે રાસોત્વના ઉત્સવનું આયોજન કરાયું છે. ભગવાન રાજા રણછોડરાયને દૂધ પૌવાનો ભોગ આજે સાંજે ધરાવી દેવાશે. શરદપૂર્ણિમા પર ધરાવાતો રત્નજડિત મુગટ રાજા રણછોડજીને આજે ધરાવવામાં આવ્યો છે.
વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ આવતી કાલે 28 અને 29 ઓક્ટોબર 2023ના રોજ રાતે લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ અનેક રીતે ખુબ ખાસ છે. આ ચંદ્રગ્રહણ વર્ષ 2023નું એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. અત્યાર સુધી લાગેલા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળ્યા નહતા આથી તેમનો સૂતક કાળ પણ માનવામાં નહતો આવ્યો. આ ચંદ્રગ્રહણની અસર થશે અને સૂતકકાળ પણ માન્ય રહેશે.
આવી રીતે બનશે મહાસંયોગ
આ ચંદ્રગ્રહણ શરદ પૂનમની રાતે લાગશે. દાયકાઓ બાદ આવો યોગ બન્યો છે. જ્યારે શરદ પૂનમની રાતે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ ઉપરાંત કાલે ચંદ્રમા મેષ રાશિમાં રહેશે. જેમાં પહેલેથી જ ગુરુ ગ્રહ છે. આ પ્રકારે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ ગજકેસરી યોગ બનાવશે. ગજકેસરી રાજયોગને જ્યોતિષમાં ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. આ પ્રકારે આવતી કાલે 28 ઓક્ટોબર 2023ના રોજ એક સાથે ચંદ્રગ્રહણ, શરદ પૂર્ણિમા અને ગજકેસરી યોગનો મહાસંયોગ બનશે. આ મહાસંયોગ કેટલાક રાશિવાળા માટે ખુબ જ શુભ રહેવાનો છે. આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે