રીક્ષાચાલક પિતાએ શિવભક્ત દીકરીનું સપનુ પૂરુ કર્યું, 6 વર્ષમાં 18 લાખના ખર્ચે કરાવી જ્યોર્તલિંગ ટુર

12 Jyotirlingas In India : એક રીક્ષાચાલક 18 લાખ ખર્ચીને દીકરીને 6 વર્ષમાં જ્યોર્તિલિંગ, રામેશ્વરમ, દ્વારકા, બદરીનાથની યાત્રા કરાવી

રીક્ષાચાલક પિતાએ શિવભક્ત દીકરીનું સપનુ પૂરુ કર્યું, 6 વર્ષમાં 18 લાખના ખર્ચે કરાવી જ્યોર્તલિંગ ટુર

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં રીક્ષાચાલકે 18 લાખનો ખર્ચ કરી પોતાની 11 વર્ષની દીકરીને 12 જ્યોતિર્લિંગની યાત્રા અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરાવી છે. દીકરીએ મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન પર જવાની એક ઈચ્છા પિતા સમક્ષ મૂકી હતી અને તેના પિતાએ પણ કંઈ વિચાર કર્યા વગર 6 વર્ષમાં તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા.

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ વીએમસી ક્વાર્ટરમાં રહેતા વિનોદ જેઠવા રીક્ષાચાલક છે, તેમની એકની એક દીકરી ઉર્વશી છે, જેણે 5 વર્ષની ઉંમરે તેના પિતાને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેના માતા પિતા સૌપ્રથમ સોમનાથ મહાદેવના દર્શન કરાવવા લઈ ગયા. બાદમાં 6 વર્ષમાં તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન ઉર્વશી અને તેના માતા પિતાએ પૂરા કરાવ્યા. ઉવર્શીએ માત્ર 11 વર્ષની ઉંમરે તમામ જ્યોતિર્લિંગના દર્શન કરી મહાદેવની પરમ ભક્ત હોવાનો સંદેશો પણ આપ્યો.

ઉવર્શી કહે છે કે તેને હજી નેપાળમાં પશુપતિનાથ મહાદેવ અને અમરનાથના દર્શન કરવા છે. ઉવર્શીના પિતા વિનોદ જેઠવા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન કરે છે. પોતાની દીકરીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવા અને હિન્દુ ધર્મ પ્રમાણે ચાર ધામ જગન્નાથપુરી, રામેશ્વરમ, દ્વારકા અને બદ્રીનાથની યાત્રા કરાવવા પાછળ 18 લાખનો માતબર ખર્ચ કર્યો.

વિનોદ જેઠવા કહે છે કે મારી દીકરીએ મારી સમક્ષ અનોખી ઈચ્છા વ્યક્ત કરી, જેના માટે શરૂઆતમાં વિચાર આવ્યો કે 12 જ્યોતિર્લિંગની યાત્રા કેવી રીતે પૂરી કરાવીશ, આટલો ખર્ચ કેવી રીતે કરી શકીશ. પણ ભોલેનાથની કૃપાથી મારી દીકરી અને પરિવારે તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન આજે પૂરા કર્યા છે.

છેલ્લા 20 વર્ષથી વિનોદ જેઠવા રીક્ષા ચલાવે છે, બે રીક્ષા એમને ભાડે આપી છે. સવારથી સાંજ સુધી રીક્ષા ચલાવી વિનોદ જેઠવા નાણાં ભેગા કરતા હતા. દીકરીની ઈચ્છા હતી એટલે એક પિતા તરીકે વિનોદ જેઠવાએ આટલું મોટું સાહસ કર્યું. જેમાં મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન શરૂ કરવાની શરૂઆત કરતા રિક્ષાનો ધંધો પણ સારો થવા લાગ્યો.

ઉર્વશી રોજ સવારે વહેલી ઉઠી સ્નાન કરી ભગવાન ભોલેનાથની ભક્તિ કરે છે, સ્કૂલે જતાં પહેલાં તે ભગવાન ભોલેનાથના નામની માળા જપે છે, તેને ઘરની દીવાલો પર પણ મહાદેવના ચિત્ર બનાવ્યા છે. તે ઓમ નમઃ શિવાયના જાપ અને અન્ય મંત્રો પણ બોલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news