એશિયા કપઃ ભારત વિરુદ્ધ સદી ફટકારીને મોહમ્મદ શહજાદે કરી શાહિદ અફરીદીના રેકોર્ડની બરોબરી

મોહમ્મદ શહજાદ ભારત વિરુદ્ધ સદી ફટકારનારો પ્રથમ અફગાન ક્રિકેટર બની ગયો છે. 

  એશિયા કપઃ ભારત વિરુદ્ધ સદી ફટકારીને મોહમ્મદ શહજાદે કરી શાહિદ અફરીદીના રેકોર્ડની બરોબરી

દુબઈઃ મંગળવારે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં અફગાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહજાદે શાનદાર બેટિંગ કરી હતી. આ અફગાન ઓપનરે શાનદાર સદી ફટકારી હતી. તેણે 88 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ વનડે ક્રિકેટમાં તેની પાંચમી સદી હતી. શહજાદે જ્યારે પોતાની સદી પૂરી કરી ત્યારે ટીમનો સ્કોર 131 રન હતો. એટલે કે અફગાનિસ્તાનના કુલ રન 131માંથી 103 રન શહજાદના હતા. આ સાથે શહજાદે શાહિદ અફરીદીના એક રેકોર્ડની બરોબરી કરી લીધી છે. એટલે કે જ્યારે કોઈ બેટ્સમેને સદી પૂરી કરી હોય તે સમયે બાકીની ટીમનો સ્કોર ઓછો રહ્યો હોય. 

આ પહેલા પાકિસ્તાનના શાહિદ અફરીદીએ 15 એપ્રિલ 2011ના ભારત વિરુદ્ધ કાનપુરમાં સદી ફટકારી હતી. અફરીદીએ માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે જ્યારે 46 બોલ પર 102 રન બનાવીને આઉટ થયો ત્યારે પાકિસ્તાનનો સ્કોર 14.2 ઓવરમાં 131 રન હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસનનો નંબર આવે છે, જેણે 11 એપ્રિલ 2011ના બાંગ્લાદેશ વિરુદ્ધ સદી બનાવી હતી. જ્યારે વોટસને સદી પૂરી કરી તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 135 રન હતો. 

આ પહેલા અફગાનિસ્તાના કેપ્ટન અસગર અફગાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શહજાદ 116 બોલમાં 124 રન બનાવીને આઉટ થયો હતો. તેની સદી અને નબીની અડધી સદીની મદદથી અફગાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા. 

આ અફગાનિસ્તાન તરફથી વનડે આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. અફગાનિસ્તાન તરફથી વનડેમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ પણ શહજાદના નામે છે, તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 2015માં 131 રનની અણનમ ઈનિંગ રમી હતી. નવરોજ મગંલ 129ની સાથે બીજા ક્રમે છે. આ એશિયા કપમાં કોઈપણ વિકેટકીપર દ્વારા બનાવેલો બીજો સૌથી મોટો સ્કોર છે. બાંગ્લાદેશના મુશફિકુર રહીમ (144) આ યાદીમાં ટોપ પર છે. તેણે આ એશિયા કપમાં શ્રીલંકા વિરુદ્ધ આ રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news